Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

આવું પણ બને!...ખેતરમાં ખાતર સાથે આવી ગયેલા બીમાંથી ગાંજો ઉગ્યોઃ લાલચમાં રમેશે ઉછેરીને મોટો કર્યો, વેંચે એ પહેલા પકડાયો

રૈયામાં નવા બની રહેલા આવાસ પાસેથી શહેર એસઓજીએ ૨૫૭૦૦ના ગાંજા સાથે મુળ વડાળીના કોળી શખ્સને પકડ્યો : હેડકોન્સ. જીજ્ઞેશ અમરેલીયાની બાતમીઃ પીઆઇ જે. ડી. ઝાલા અને પીએસઆઇ ડી. બી. ખેર અને ટીમની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: શહેર એસઓજીએ રૈયામાં નવી બની રહેલી આવાસ કોલોની સામે આવેલી વાડી નજીકથી મુળ વડાળીના અને હાલ અહિ જયંતભાઇ ચાવડાની વાડી વાવવા રાખી હોઇ અહિ જ હરેતાં રમેશ હરજીભાઇ ભાલાળા (કોળી) (ઉ.વ.૪૦)ને શહેર એસઓજીની ટીમે રૂા. ૨૫૭૦૦ના ૨ કિલો ૫૭૦ ગ્રામ ગાંજા સાથે દબોચી લઇ એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. જીજ્ઞેશભાઇ અમરેલીયાને બાતમી મળી હતી કે રૈયામાં નવા બની રહેલા આવાસ યોજના કવાર્ટર નજીક વાડીમાં રહેતાં અને નજીકમાં જ નાસ્તા છુટક ચીજવસ્તુની કેબીન ચલાવતાં રમેશ કોળી પાસે ગાંજો છે અને તે તેની કેબીન પાસે વેંચવાની પેરવી કરી રહ્યો છે. એસઓજીની ટીમ આ બાતમી આધારે પહોંચતા રમેશ કેબીન પાસે ઉભો હોઇ તેને સકંજામાં લીધો હતો. તેના પગ પાસેથી કાળા રંગનુ પ્લાસ્ટીકનું ઝબલુ મળતાં તેમાં તપાસ કરતાં શંકાસ્પદ વનસ્પતી જોવા મળતાં એફએસએલ અધિકારીશ્રી વાય. એચ. દવેને બોલાવી પરિક્ષણ કરાવતાં તે ગા઼જો હોવાનું સ્પષ્ટ થતાં રમેશ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ ડી. બી. ખેરે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં રમેશે એવું રટણ કર્યુ હતું કે તેણે જયંતભાઇની વાડી વાવવા રાખી છે. અગાઉ આ ખેતરમાં ટ્રેકટર મારફત બહારથી દેશી ખાતર આવ્યું હોઇ તેના ભેગા ગાંજાના છોડના બી આવી ગયા હતાં. થોડા સમય બાદ બે ત્રણ છોડવા ઉગી નીકળ્યા હતાં. અહિ વાડીમાં સામે મજૂરીએ આવતાં એક મજૂરે આ છોડ ગાંજાના છે અને તે મોટા થાય ત્યારે વેંચીએ તો પૈસા આપે તેમ કહેતાં પોતાને લાલચ જાગી હતી અને છોડને ઉછેર્યા હતાં. હવે ગાંજો બરાબર પાકી ગયો હોઇ તેમાંથી પાક ઉતારતાં બે કિલો ઉપરનો થયો હતો. જે વેંચવા માટે મજૂર મારફત ગ્રાહક શોધવાનો હતો. પરંતુ મજૂર આવે એ પહેલા પોલીસ આવી ગઇ હતી.

રમેશને કેફીયત હાલ તો પોલીસને સાચી લાગી છે. આમ છતાં વિશેષ તપાસ માટે તેને યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવતાં પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શનમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ અમરેલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(12:18 pm IST)