Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગૌમાતાને રાષ્ટ્રીય દરજજો અને ગૌહત્યા બંધ કરોની માંગ સાથે કલેકટર કચેરીમાં આહીર એકતા મંચના દેખાવોઃ મૂંડન કરે તે પહેલા પોલીસ દ્વારા અટકાયત

કલેકટર કચેરીમાં આવેદનકારો અને પોલીસ વચ્ચે રકઝકઃ અનેક પ્રશ્નો અંગે રજૂઆતો...

રાજકોટ કલેકટર કચેરી ખાતે ગૌમાતા પ્રશ્ને આવેદન દેવા આવેલ આહીર એકતા મંચના કાર્યકરો અને પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વચ્ચે ભારે ચકમક ઝરી હતી, આ લોકોનો કાર્યક્રમ કલેકટર કચેરીની અંદર મૂંડન કરવાનો હતો, પરંતુ પોલીસે ના પાડતા અને અટકાયતની ચેતવણી આપતા ચકમક ઝરી તે તસ્વીરમાં નજરે પડે છે, આ પછી પોલીસે કલેકટર કચેરી બહાર મૂંડનનો પ્રયાસ કરનાર કાર્યકરોની અટકાયત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રપઃ આજે કલેકટર કચેરીએ આહિર એકતા મંચના આગેવાનો-કાર્યકરોએ ગૌમાતાને રાષ્ટ્રીય દરજજો આપવા અને ગૌહત્યા બંધ કરો-રાષ્ટ્ર લેવલે આ કાર્યવાહી કરોની માંગ સાથે ઉગ્ર દેખાવો યોજયા હતા.

પોલીસને આ બાબતની જાણ હોય કયુઆરસી વાન સાથે ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો, આહિર યુવકોને કલેકટર કચેરીની અંદર આવેદન દેવા અંદર જતા અટકાવાયા હતા, આ પછી આવેલ અગ્રણીઓએ ગૌ માતાના પ્રશ્ને કલેકટર કચેરીની બગીચા પાસે બેસી મૂંડન કરવાનો કાર્યક્રમ રાખતા ભારે ધમાલ મચી હતી, પોલીસે દોડી જઇ ઉઠાડયા હતા અને અટકાયતની ચીમકી આપતા મામલો ગરમાયો હતો, ત્યારબાદ યુવકોએ કલેકટર કચેરીની બહાર જામટાવર પાસે મૂંડન કરવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી ગઇ હતી અને તમામની અટકાયત કરી લીધી હતી.

આવેદનમાં આગેવાનોએ જણાવેલ કે ગૌમાતાને રાષ્ટ્રીય દરજજો આપો, સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ કરાવો, ગાય પ્રત્યે લોકોને ભરપુર આસ્થા છે, ભગવાન કૃષ્ણએ પણ ઉઘાડા પગે ગાયની સેવા કરી વિશ્વને બહુમૂલ્ય મેસેજ આપ્યો છે, ગૌમાતાથી અનેક આર્થિક ફાયદા છે, તેનું દૂધ સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે, આ ઉપરાંત આવેદનમાં સેનામાં અનેક જાતિઓના નામની રેજીમેન્ટ છે, તેવી રીતે આહિર રેજીમેન્ટ બનાવવા માંગણી કરી હતી.

(3:32 pm IST)