Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ચોમાસુ બેસી ગયુ... વરસાદ પડવા લાગ્યો... હવે...

રાજકોટના આજી - ન્યારી સહીત સૌરાષ્ટ્રના ૩૦થી વધુ ડેમ - તળાવોમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ

આજી-૧માં ૬૧૬ MCFT, ન્યારીમાં ૧૫૦ MCFT, વેરી તળાવમાં ૧૪૫ MCFT, વઢવાણ ભોગાવોમાં ૧૫૬ MCFT નર્મદા નીર અત્યાર સુધીમાં ઠાલવી ઉનાળો હેમખેમ પાર કરાવતી સૌની યોજના

રાજકોટ તા. ૨૫ : આ વર્ષે પણ ઉનાળામાં સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર, ગોંડલ, જામનગર સહિતના શહેરોમાં પાણીની કટોકટીના એંધાણ હતા પરંતુ આવા ખરા વખતે વધુ એક વખત સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્ર માટેની ત્રણ લીંકથી સૌરાષ્ટ્રના ૩૦થી વધુ ડેમ, તળાવોમાં નર્મદા નીર ઠાલવાતા ઉનાળો હેમખેમ પસાર થઇ ગયો અને સૌની યોજના વધુ એક વખત સંજીવની વરદાન સાબિત થઇ હતી. હવે ચોમાસુ બેસી ગયું છે, વરસાદ પડવા લાગ્યો છે, ડેમમાં નવા પાણીની આવક થવા લાગી છે. આથી, નર્મદા નીર માટેની સૌરાષ્ટ્રની ત્રણ લીંક બંધ કરી દેવાઇ છે. માર્ચ મહિનાથી જુન સુધીના ઉનાળાના સમયગાળામાં રાજકોટના આજી-૧, ન્યારી-૧, ગોંડલ વેરી તળાવ, સુરેન્દ્રનગર લીંબડી ભોગાવો અને જામનગરના આજી-૩ સહિતના ડેમોમાં નર્મદા નીર પહોંચાડવામાં આવ્યા હતા અને ડેમ - તળાવ વગેરે ભરી દેવાયા હતા.રાજકોટ સિંચાઇ વર્તુળના સૂત્રોના જણાવ્યા મુજબ લીંક-૩ હેઠળ વઢવાણ ભોગાવોમાં ૧૫૬ MCFT, મચ્છુ-૧માં ૧૩૮ MCFT, આજી-૧માં ૬૧૬ MCFT (જે સૌથી વધુ જળ જથ્થો છે), ન્યારી-૧માં ૧૫૦ ક), ગોંડલના વેરી તળાવમાં ૧૪૫ MCFT એ મુજબ અત્યાર સુધી નર્મદા નીર ઠાલવી ડેમ ભરી ઉનાળામાં પાણીની કટોકટી હેમખેમ પસાર કરી દેવાઇ.

આ ઉપરાંત લીંક-૧ અને લીંક-૨ હેઠળ પણ અનેક નાના-મોટા ગામ શહેરોના તળાવો, ચેકડેમ વગેરે ભરી દેવાયેલ. આમ સૌરાષ્ટ્રના ૩૦થી વધુ ડેમોમાં નર્મદા નીર ઠાલવી દેવાતા સૌની યોજના વધુ એક વખત સૌરાષ્ટ્ર માટે વરદાન સ્વરૂપ સાબિત થઇ છે.

(3:22 pm IST)