Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હેત વરસાવતા મેઘરાજા : રોજ ૧ાા થી ૨ ઇંચ : મોસમનો ૮ ઇંચ થયો

બપોર બાદ ૪ વાગ્યા પછી વાતાવરણ પલ્ટી જાય છે અને ધોધમાર વરસે છે

રાજકોટ તા. ૨૫ : ચોમાસાના પ્રારંભે જ રાજકોટ પર છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને તા. ૨૧, ૨૩, ૨૪ દરરોજ ૨ થી ૨ાા ઇંચ વરસાદી ઝાપટા પડતા રાજકોટનો મોસમનો કુલ વરસાદ ૮ ઇંચ જેટલો થઇ ગયો છે. ફાયરબ્રિગેડ વિભાગે નોંધ્યા મુજબ તા. ૨૧ના રોજ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૪૭ મી.મી. એટલે કે ૨ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

જ્યારે તા. ૨૩ના રોજ પણ ૨ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ગઇકાલે તા. ૨૩ના રોજ પણ સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં ૩૧ એમ.એમ. એટલે કે ૧ાા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

આમ, આ સપ્તાહમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી હેત વરસાવી રહ્યા છે.

બપોરે ૪ વાગ્યા પછી વાતાવરણ પલ્ટી જાય છે અને ૧ાા થી ૨ ઇંચનો રેડો વરસાવી જાય છે. રસ્તાઓ પર થોડીવાર નદીઓ વહે છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.

(3:19 pm IST)