Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વોડાફોન આઇડિયાના સીમકાર્ડ જેના નામે રજીસ્ટ્રેશન કરે તેને ન આપી બીજાને આધાર પુરાવા વગર વેંચી રૂપિયા રળવાનું કૌભાંડ

રાજકોટઃ શહેર એસઓજીએ ગાંધીગ્રામના મયુરભારથી ગોસાઇને પકડી ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો : ગાંધીગ્રામનો મયુરભારથી ગોસાઇ છોટુનગર હોલ પાસે છત્રી રાખી બેસતો અને કાર્ડ લેવા આવે તે ગ્રાહકના આધાર પુરાવા મેળવી ફોટા કેપ્ચર કરી રજીસ્ટ્રેશેન કરતોઃ પણ તેને 'ફોટો મેચ નથી થતો' કહી સીમકાર્ડ આપતો નહિ, આ કાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેંચી દેતો

રાજકોટ તા. ૨૫: વોડાફોન આઇડિયા મોબાઇલ કંપનીના સીમકાર્ડ ખરીદવા આવતાં ગ્રાહકો પાસેથી આધાર પુરાવા મેળવી તેનો ફોટો કેપ્ચર કરી એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરાવી લઇ બાદમાં આ ગ્રાહકને 'તમારો ફોટો મેચ નથી થતો, કાર્ડ એકટીવ નહિ થાય' તેમ કહી દઇ તેને કાર્ડ ન આપી આ એકટીવ થઇ ગયેલું કાર્ડ બીજા કોઇને વધુ રૂપિયામાં વેંચી દઇ રોકડી કરી લેવાનું કૌભાંડ શહેર એસઓજીએ પકડી લઇ ગાંધીગ્રામના એક બાવાજી શખ્સને સકંજામાં લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતાં વધુ તપાસ થઇ રહી છે. આ શખ્સ કંપની તરફથી ૫૦ કે તેથી વધારે રૂપિયામાં મળતું સીમ કાર્ડ જેના નામે એકટીવ થયું હોઇ તેને ન આપી આ જ કાર્ડ બીજા ગમે તેને આધાર પુરાવા વગર રૂ. ૪૦૦ થી ૫૦૦માં વેંચી દેતો હોવાની વિગતો પણ ખુલી રહી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટી રોડ પર રૂષીકેશ સોસાયટી-૧ માતૃકૃપા ખાતે રહેતાં અને મોચી બજાર લોહાણાપરા સામે સી.વી. કોમ્પલેક્ષમાં શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની વોડાફોન આઇડિયા કંપનીના નવા સીમકાર્ડ અને બેલેન્સ બાબતની ડિસ્ટ્રીબ્યુટર્સ એજન્સી છેલ્લા નવ વર્ષથી ચલાવતાં ધવલભાઇ પ્રવિણભાઇ કાલરીયા (પટેલ) (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ હીરાના બંગલાની સામે રહેતાં મયુરભારથી પ્રવિણભારથી ગોસાઇ (ઉ.વ.૨૫) સામે આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.

ધવલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે વોડાફોન આઇડિયા કંપનીના રાજકોટ ખાતેના ટેરેટરી સેલ્સ મેનેજર નિખીલભાઇ કાલરીયાએ મારી પાસે આવી મને જણાવેલ કે શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઇઝમાં કમિશનથી કામ કરતા મયુરભારથી પ્રવિણભારથીએ આર્થિક ફાયદો મેળવવા માટે બનાવટી ગ્રાહક કરાર ફોર્મ અરજી બનાવી સીમકાર્ડ અનઅધિકૃત રીતે રજીસ્ટ્રેશન કરી ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા મેળવી સીમકાર્ડનું ગેરકાયદેસર વેચાણ કરે છે અને રાજકોટ શહેર એસઓજી પોલીસે તેમને ગઇ તા.૨૨/૬/૨૦૨૧ના રોજ એકટીવ થયેલા પાંચ સીમકાર્ડ સાથે તેને પકડ્યો છે. જે બાબતે પોલીસ તપાસ ચલાવી રહેલ છે, તેમ વાત કરતા મેં વોડાફોન આઇડીયા કંપનીમાં તથા મારી રીતે તપાસ કરાવતા જાણવા મળેલ કે મયુરભારથી પાસેથી પોલીસે કબજે કરેલા સીમકાર્ડ પૈકીના મોબાઇલ નં. ૬૩૫૬૦૫૨૪૭૫ મા બનાવટી ગ્રાહક કરાર ફોર્મ હોવાનુ જાણવા છતાં ખરા તરીકે કંપનીની એપ્લીકેશનમાં ઉપયોગ કરી સીમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે.

આવી જ રીતે અન્ય ગ્રાહકો જયારે સીમ કાર્ડ કઢાવવા માટે આવતા હોય ત્યારે તેઓના આધાર પુરાવા લઇ ફોટા કેપ્ચર કરી ગ્રાહકના નામે સીમકાર્ડ રજીસ્ટર કરી લેતો હતો.પરંતુ બાદમાં જે તે ગ્રાહકને કાર્ડ એકટીવ થઇ ગયું હોવા છતાં ન આપી એવું કહી દેતો હતો કે તમારો ફોટો મેચ નથી થતો એટલે કાર્ડ નહિ મળે. (હકિકતે કાર્ડ એકટીવ થઇ ગયું હોય છે) આ કાર્ડ અન્ય કોઇને તે આધાર પુરાવા લીધા વગર જ વધુ રૂપિયા મેળવી વેંચી દેતો હતો. આ શખ્સ પાસેથી જે સીમ કાર્ડ મળ્યા છે તેમાં મોબાઇલ નં. (૧)૬૩૫૬૦ ૫૩૧૧૮૨, (૨)૯૯૨૪૦ ૮૪૦૪૮,(૩) ૯૯૨૪૫ ૦૧૭૭૮ (૪) ૯૮૨૪૦૫૬૯૬ર નો સમાવેશ થાય છે. આ કાર્ડ રજીસ્ટ્રેશન કરી અનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખ્યા હતાં.

મયુરભારથી ગોસાઇ અમારી એજન્સીના સીમકાર્ડ રાજકોટ છોટુનગર કોમ્યુનીટી હોલ પાસે બેસી ગેરકાયદેસર આર્થિક ફાયદો મેળવવા માટે વોડાફોન આઇડીયા કંપનીના સીમકાર્ડ રજીસ્ટ્રેશન કરાવવા બનાવટી ગ્રાહક કરાર ફોર્મ તૈયાર કરી કંપનીની એપ્લીકેશનમાં ખરા તરીકે ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરાવતો હોઇ  તેમજ કંપનીના ગ્રાહકોના આધાર પુરાવા લઇ સીમકાર્ડ નહીં આપી ગ્રાહકો સાથે પણ છેતરપિંડી  વિશ્વાસધાત કરતો હોઇ તેની સામે ફરિયાદ નોંધાવાઇ છે.

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં એસઓજીના એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા અને સુભાષભાઇ ડાંગરની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. સાથે કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, કિશોરભાઇ ઘુઘલ, ડી. જી. ઝાલા સહિતે આ કામગીરી કરી આરોપીને સકંજામાં લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો છે. પીએસઆઇ ટી. ડી. બુડાસણાએ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી છે. 

(12:50 pm IST)