Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયતના ૧૮૦ સિનીયર તબિબોની વધુ એક વખત હડતાલ

ઇન-સર્વિસ ડોકટર્સની ૧૨ માંગણીઓ લાંબા સમયથી ન ઉકેલાતાં ગયા મહિને હડતાલ કરી ત્યારે સરકારે ખાત્રી આપી હતીઃ ૨૫ દિવસ પછી પણ પરિપત્ર ન થતાં અંતે ફરી આ માર્ગ અપનાવ્યો : પીડીયુ સિવિલ હોસ્પિટલ-કે. ટી. ચિલ્ડ્રન, કોવિડ સેન્ટર, પદ્દમકુંવરબા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તેમજ જીલ્લા પંચાયત હસ્તકના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ હોસ્પિટલના તબિબો આજે ફરજથી અળગા રહ્યાં : રાજ્યભરમાં આવા ૩૫૦૦ તબિબોની અચોક્કસ મુદ્દતની હડતાલ

સિનિયર તબિબોએ અગાઉ રજૂઆત કરી હતી ત્યારની તસ્વીર

રાજકોટ તા. ૨૫: ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જીલ્લા પંચાયતોમાં ફરજ બજાવતાં ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સના પ્રશ્નો-માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ ન આવતાં ગયા મહિને હડતાલનો માર્ગ અપનાવ્યો હતો. જે તે વખતે સરકારે પ્રશ્નો ઉકેલાઇ જશે તેવી ખાત્રી આપતાં હડતાલ સમેટાઇ હતી. પરંતુ આ ખાત્રીને પચ્ચીસ દિવસ વીતી ગયા પછી પણ સરકાર મારફત કોઇ પરિપત્ર ન થતાં આજથી ફરીથી રાજ્યભરના ૩૫૦૦ સિનિયર તબિબોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ, જીલ્લા પંચાયત, ગોંડલ, ધોરાજી, જસદણ, ઉપલેટાના મળી ૧૮૦ જેટલા તબિબો આજે ફરજ પર હાજર થયા નથી. જો ઉકેલ નહિ આવે તો અચોક્કસ મુદ્દત સુધી આ તબિબો હડતાલ પર રહેશે.

 જુદી-જુદી બાર પડતર માંગણીઓ ઉકેલવા અનેક વખત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અગ્રસચિવને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નિવેડો લાવવામાં ન આવતાં અને ખાત્રી પછી પણ કોઇ નક્કર નિર્ણય ન લેવાતાં અંતે ફરી વખત હડતાલ શરૂ થઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયતના મળી ૧૮૦ તબિબોએ આજથી  આંદોલનનો પ્રારંભ કર્યો છે, આ તબિબો આજે ફરજ પર હાજર થયા નથી.

ઇન-સર્વિસ તબિબોના પ્રશ્નો અને માંગણીઓ વિશે જોઇએ તો-આ તબિબોને કેન્દ્રના સાતમા પગાર પંચ મુજબ એનપીએ આપવું, એનપીએને પગાર જ ગણવાનો છે છતાંય ભુતકાળમાં અન્યાય કરાયો છે, કેન્દ્રના ધોરણે તબિબી અધિકારીઓને છઠ્ઠા પગાર પંચમાં એન્ટ્રી પે પીબી-૩, ગ્રેડ પે ૫૪૦૦ અને સાતમા પગાર પંચમાં મેટ્રીકસ લેવલ ૧૦ મુજબ આપવું, વર્ગ-૧ આરોગ્ય અધિકારીઓ, સ્પેશિયાલિસ્ટ સીએલ-૧ના સેવા સળંગના આદેશો કરવા, તબિબી અધિકારીઓના સેવા સળંગના આદેશો તરત કરવા, અનુસ્તાનક અભ્યાસ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવી, કમિશનરશ્રીની કચેરી ખાતે મહત્વની કહી શકાય તેવી તમામ જગ્યાઓ ચાર્જમાં ચાલે છે, અધિક નિયામક, સંયુકત નિયામક અને અન્ય જગ્યાઓ ચાર્જમાં ચાલે છે. આ પરિસ્થિતિ પ્રથમ કોરોના મહામારીથી હતી એ હાલમાં પણ યથાવત છે. પાત્રતા ધરાવતાં ઇન-સર્વિસ તબીબોને ખાલી જગ્યાઓ પર સમયસર બઢતી આપવી, પડતર દરખાઅસ્તોમાં નિર્ણ્ય કરી બઢતી આપવી, ગુજરાત મેડિકલ સર્વિસ તજજ્ઞ વર્ગ-૧ના પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ લાવવું, ટીકૂ કમિશનના લાભો નિયમિત આપવા અને બિનજરૂરી વાંધાઓ કાઢવાનો જે ટ્રેન્ડ શરૂ થયેલ છે તે બંધ કરવો.

કન્સ્લટન્ટ સીએલ-૧ અને તબિબિ અધિકારીઓની મહેકમમાં મંજૂર થયેલ જગ્યાઓ પર નિમણુંક આપવાનું બંધ કરી પુરા પગાર સાથે નિમણુંક આપો. જીપીએસસીમાં ઉતિર્ણ થાય ત્યાં સુધી ફરજ પર રાખો, સેવા સળંગના લાભો અને જીસીએસઆર મુજબ વાર્ષિક ઇજાફા આપવા, મળવાપાત્ર અને ચુકાવયેલા એચઆરપી-એનપીએના નાણા વસુલ કરવાનું બંધ કરવું, કોરોના મહામારીમાં સ્ટ્રેસમાં ફરજ બજાવતાં તબિબી અધિકારીઓની વાજબી કારણોવગરની અને અહમના ટકરાવવાળી ફરિયાદોમાં ત્વરીત પગલા લેવાનું બંધ કરો, તબિબી અધિકારીઓને બીનજરૂરી, અગમ્ય કારણોસર ફરજના સ્થળથી દૂર દૂર પ્રતિનિયુકત પર મુકવાનું બંધ કરવું.

આ સહિતની માંગણીઓની વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં અંતે ગુજરાત ઇન-સર્વિસ ડોકટર્સ એસોસિએશને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયતના તબિબો આ હડતાલમાં જોડાયા છે. રાજ્યભરમાં ઇન સર્વિસ ડોકટર્સ એસોસિએશનમાં ૩૫૦૦ તબિબો સામેલ છે. આ તમામ આજથી હડતાલ પર ઉતરી ગયા છે.

(3:33 pm IST)