Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

અંગદાન વિશે તબીબો માટે વેબીનાર યોજાયો

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા યોજાનારા વેબીનારમાં નામાંકીત તબીબો ઉપસ્થિત

રાજકોટઃ. ભારતમાં આજે કિડની, લીવર, હૃદયના અનેક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને અનેક દર્દીને દ્રષ્ટિહીન દશામાં જીવી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત બની અંગદાન ક્ષેત્રે આગળ આવવું પડશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા તાજેતરમાં 'ઓર્ગન ડોનેશન' અંગદાન વિશે તબીબોના ખાસ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશભરના અંગદાન સાથે જોડાયેલા નિષ્ણાંત તબીબોએ અંગદાન વિશે વિસ્તૃત જાણકારી આપી અંગદાન કોણ કરી શકે ? અંગદાન શા માટે જરૂરી છે ? અંગદાન માટે જરૂરી પ્રક્રિયા વિગેરે બાબતો પર નિષ્ણાંત તબીબોએ ગહન ચર્ચા દ્વારા તબીબોને અંગદાન સંબંધી વિસ્તૃત માહિતીની આપ-લે કરી હતી અને સમાજમાં અંગદાન અંગે જાગૃતિ આવે એ માટે તબીબો જરૂરી પ્રયાસ કરે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું એમ ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયુ છે. અંગદાન દ્વારા અનેક લોકોને નવજીવન બક્ષવામાં સમાજ નિમિત બને એવી તેમણે અપીલ કરી છે.  ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર અંગદાન વિશે લોકોને જાગૃત કરી સમાજના અનેક દુઃખીયારા લોકોના જીવનમાં નવા રંગ પુરવા, નવજીવન બક્ષવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત તાજેતરમાં તબીબો માટે ખાસ વેબીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદની કિડની હોસ્પીટલના ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડો. પ્રાંજલ મોદી, ચેન્નઈના ડો. આનંદ ખખ્ખર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત ડો. ધીરેન શાહ, ડો. ધર્મેશ શાહ, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા વગેરે તબીબોની ટીમ દ્વારા અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટના સેક્રેટરી તરીકે ડો. રૂકેશ ઘોડાસરાએ જણાવ્યુ છે કે, ભારતમાં લાખો લોકો કિડનીની તકલીફના કારણે ડાયાલીસીસ કરાવી રહ્યા છે જેમને કિડનીની જરૂર છે, હજારો લોકો લીવર ખરાબ હોવાના કારણે તકલીફ ભોગવી રહ્યા છે જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે હજારો લોકોનું વેઈટીંગ લીસ્ટ છે ત્યારે આવા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અનેક લોકો દ્રષ્ટીહિન જીવન જીવી રહ્યા છે એમના માટે ચક્ષુદાન ખૂબ જ જરૂરી છે. કોઈપણ વ્યકિતનું અવસાન થાય ત્યાર બાદ અમુક કલાકો સુધી મૃતકના ચક્ષુનંુ દાન કરી શકાય છે એના માટે સમાજના દરેક નાગરીકે જાગૃત બનવાની જરૂર છે. સગા-સંબંધી, પરિવાર કે આસપાસમાં કોઈ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને ચક્ષુદાન વિશે માહિતગાર કરો અને શકય એટલા જલ્દી તબીબનો સંપર્ક કરી મૃતકના ચક્ષુનું દાન કરાવશો તો સમાજમાં માટે એક સારૂ કાર્ય કર્યાનો સંતોષ આપને મળશે. ચક્ષુદાન દ્વારા આપ બે દ્રષ્ટિહીન વ્યકિતના જીવનમાં નવા રંગ પુરવામાં આપ નિમિત બનશો.આઈએમએ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઈ.એમ.એ. -ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની આગેવાની હેઠળ આઈ.એમ.એ. રાજકોટના તબીબોની ટીમ આ વેબીનાર માટે કાર્યરત હતી. વેબીનારના ડો. ઓર્ડીનેટર ડો. મયંક ઠક્કર સાથે ડો. હેતલ વડારાએ વેબીનારનું સંચાલન કર્યુ. આઈ.એમ.એ.ના મિડીયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રાફીકસના વિજય મહેતા સેવા આપે છે. ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટ દ્વારા તાજેતરમાં ઓર્ગન ડોનેશન અંગે તબીબો માટે ખાસ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. વેબીનારમા માર્ગદર્શન આપતા દેશભરના નિષ્ણાંત તબીબોની તસ્વીર.

(3:55 pm IST)