Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કોલેજના કર્મચારીના પગારમાં ચેડા ન કરવા નેહલ શુકલની ચેતવણી

કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની ફી જમા ન આવવાના કારણે ટીચીંગ-નોનટીચીંગ સ્ટાફનો પગાર ઓછો કાપવો કે જમા રાખવાની નીતિ સામે નેહલ શુકલની સ્પષ્ટ ચેતવણીઃ અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહેજો : બે મહિનાનો જ સવાલ છે વિદ્યાર્થીઓની ફી ચાલુ થઈ જશેઃ કોઈ દુર્ઘટના કાયમી નથી રહેવાની...શિક્ષણ કાર્ય પહેલાની જેમ જ નોર્મલ બે માસમાં ચાલુ થશેઃ કર્મચારીઓની નિષ્ઠા કોલેજ સાથે જ છેઃ જવાબદારી નિભાવવા નેહલ શુકલની અપીલ

રાજકોટ, તા. ૨૫ :. કોરોનાની મહામારીમાં કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓની ફી જમા ન આવવાના કારણે કોલેજ ટીચીંગ કે નોનટીચીંગ સ્ટાફના પગાર ઓછા કાપવા અથવા જમા રાખ્યા છે તેવી કોલેજો સામે ભાજપના વરીષ્ઠ સિન્ડીકેટ સભ્ય નેહલ શુકલએ સ્પષ્ટ ચેતવણી આપી તાત્કાલીક બંધ કરવા તાકીદ કરી છે.

નેહલ શુકલએ એક અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે કોરોના મહામારીનો સમયગાળો સમગ્ર વિશ્વ માટે ખૂબ જ પડકારજનક રહ્યો છે અને ભારત જેવા વિકાસશીલ દેશ ઉપર આની સૌથી ઘાતક અસર પડી છે. કોરોનાને કારણે શિક્ષણ કાર્ય સંપૂર્ણ ઠપ હોવાથી સ્વભાવિકપણે કોલેજોમાં વિદ્યાર્થીઓની ફી જમા નથી થઈ શકી અને વિદ્યાર્થીઓને કયાંક ને કયાંક મુશ્કેલીઓ પડી છે, પરંતુ સેલ્ફ ફાયનાન્સ કોલેજ છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત હોવાથી પોતાની રીતે સ્વાવલંબી બની ચૂકી છે, ત્યારે મારા ધ્યાન ઉપર એવી ઘણી બધી ફરીયાદો આવી છે કે, કોલેજ પોતાના ટીચીંગ કે નોનટીચીંગ સ્ટાફને પુરતો પગાર આપી રહી નથી.

 નેહલ શુકલએ એક યાદીમાં વધુમાં જણાવ્યુ હતુ કે કોઈપણ કારણોસર સેફ સાઈડ જોવા માટે થઈને સ્ટાફનો પગાર ઓછો કરી નાખ્યો છે, બાકી રાખ્યો છે કે અથવા તો ઘણા સ્ટાફને ટેમ્પરરી છુટો કરી દીધો છે. આ કૃત્ય સંપૂર્ણ કાયદાથી વિરૂદ્ધ છે જે કોઈ યુનિવર્સિટીના, યુજીસીના, ગુજરાત સરકારના જે કોઈ કાયદા છે તેનાથી આ તદ્દન વિરૂદ્ધનું કૃત્ય છે આવી કોલેજોની સાથે સહાનુભૂતિ ન હોય શકે આવી દરેક કોલેજને હું વ્યકિતગત રીતે ચેતવણી આપવા માંગુ છું કે, આવા ધંધાથી દૂર રહેજો તમારી મુશ્કેલી હશે પરંતુ તમારા કરતા તમારે ત્યાં જે નોકરી કરી રહ્યા છે તેમની મુશ્કેલીઓ ખૂબ વધારે છે, માટે તમે થોડી મુશ્કેલીઓ સહન કરશો તો તમને વધારે તકલીફ નથી પડવાની પરંતુ જે લોકો તમારે ત્યાં નોકરી કરે છે એમને જો પગાર કટ થશે તો એમને ખૂબ જ મુશ્કેલી થવાની છે માટે આ કૃત્યથી બચજો અને તેમ છતાં પણ મારા ધ્યાનમાં જો આવી કોઈની ફરીયાદ આવી તો તેના ઉપર આજે હું આ પ્રેસના માધ્યમથી સ્પષ્ટ ચેતવણી આપું છું કે અમે કોઈપણ જાતની રહેમરાહ નહીં દેખાડીએ અને તેમનુ જોડાણ રદ્દ કરવા સુધીના પગલા અમે લેશું અને તેના માટે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યાં સુધી હું આગેવાની લઈશ.

નેહલ શુકલએ  યાદીમાં વધુમાં જણાવ્યુ છે કે આપ સૌને વિનંતી છે આ કપરા સમયમાં તમારા માટે તમારા કર્મચારીઓ માટે આ કાળ વધારે કપરો છે માટે એમનો સાથ આપો અને સાચવો આવી વિનંતી સાથે ફરીથી એકવાર કહું છું આ વિનંતીનો સહર્ષ સ્વીકાર કરજો. આ કાળમાં બધા જ સાંગોપાંગ ઉતરી જ જવાના છીએ માત્ર સવાલ બે મહિનાનો જ છે બે મહિના પછી વિદ્યાર્થીઓ ફી પણ ફરી આવવા માંડશે અને શિક્ષણકાર્ય પહેલાની જેમ જ નોર્મલ વેમાં ચાલુ થઈ જશે. કોઈપણ દુર્ઘટના કાયમી હોતી નથી અને તેની અસરો પણ કાયમી હોતી નથી. એકબીજાના સાથ સહકારથી પાર ઉતરશું પરંતુ મેં જે કીધું એમ એકબીજાના સાથ સહકારથી, માટે અત્યારે જેમને વધારે જરૂર છે, વધારે સહકારની જરૂર છે અને આજ સુધી સૌ કોઈ કોલેજોને આપ્યો જ છે અને સ્ટાફ પણ પોતાની સમગ્ર નિષ્ઠા સાથે પોતાની કોલેજને ઉભી કરવામાં લાગ્યો છે, ત્યારે આ સ્ટાફને અને તેમના પરિવારને ધક્કો ન લાગે એ જોવાની અને એમની કાળજી સૌ કોલેજના સંચાલકોની છે. સૌ સંચાલકોને વિનંતી છે કે, આગ્રહ છે અને અનુરોધ છે કે પોતાની જવાબદારી પૂર્ણ કરે અને જે કોઈ કાયદેસર કૃત્ય છે તે મુજબની પોતાની જવાબદારી અને એ બધાનો પગાર થાય.

કોઈપણ કર્મચારીને આવી કોઈ ફરીયાદ હોય તો નેહલ શુકલને મો. ૯૮૨૪૦ ૬૧૧૧૩ ઉપર ફોન કરીને જણાવવા એક યાદીમાં જણાવ્યુ છે.

(3:04 pm IST)