Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વીજબીલમાં ૧૦૦ યુનિટ માફ માટે હવે વીજ ઇજનેરોની દોડધામઃ મીટર રીડરોને તાલીમ

રાજકોટ,તા.૨૫: કોવિડ-૧૯ના કારણે રાજ્યના વિજગ્રાહકોને સહાયરૂપ થાય તે માટે આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ તેમાં માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ ધરાવતા રહેણાક વીજગ્રાહકોને રાહતરૂપે ૧૦૦ યુનિટનું વીજ બીલ એક વખત માટે માફ કરવાની તેમજ એક માસના ફિકસ ચાર્જની માફી આપવાનું નકકી કરવામાં આવેલ છે. તે અંગેની જાહેરાતના અનુસંધાને પીજીવીસીએલ હેડળના આવા રહેણાકનું કનેકશન ધરાવતા વીજગ્રાહકોને વીજબીલમાં નિયમાનુસાર ગુજરાત સરકારના આત્મનિર્ભર પેકેજ હેઠળ આવરી લેવાની સુચનાની અમલવારી કરવા ઉમેરાયું છે.

આ સંદર્ભે પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર મેડમ શ્વેતા તેવતિયા દ્વારા અધિક્ષક ઇજનેરને તેમના તાબા હેઠળની વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઇજનેરો તથા તેમના પેટા વિભાગીય કચેરીઓને હવે પછીના વીજબીલમાં ઉપરોકત ૧૦૦ યુનિટ તથા ફિકસ ચાર્જની માફી નિયામુસાર મળે તે માટે આદેશો કરાયા છે.તથા આ પેકેજની ચુસ્ત અમલવારી ફિલ્ડ ક્ષેત્રે થાય તે જોવા કાર્યપાલક ઇજનેરોને ખાસ સુચના આપી અને તે માટે તમામ મીટર રીડરોને તાલીમ આપવાની સાથોસાથ ગ્રાહકોને રાજ્ય સરકારના રાહત પેકેજ અંગે સુમાહિતગાર કરવા સ્પષ્ટ નિર્દેશ આપેલ હતા.

(2:46 pm IST)