Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજકોટમાં સ્ટેમ્પ વેન્ડરો કૃત્રિમ તંગી સર્જે છેઃ શહેરની જન સંખ્યા પ્રમાણે સ્ટેમ્પ વેન્ડરો વધારોઃ કલેકટરને રજૂઆત

રેવન્યુ પ્રેકટીશ કરતા - સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરતા એડવોકેટોની વિસ્તૃત રજૂઆત : વકીલો માટે અલગથી રૂમ, ફર્નિચર, પાણીની પ્રાથમિક સુવિધા આપવા માંગણી

સ્ટેમ્પ વેન્ડર સહિત અનેક પ્રશ્નો અંગે વકિલો દ્વારા કલેકટરને આવેદન પાઠવાયુ તે નજરે પડે છે

રાજકોટ, તા. ૨૫ :. રેવન્યુ પ્રેકટીસ કરતા એડવોકેટોના પ્રશ્નો સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર શ્રી દિલીપભાઈ પટેલની આગેવાની હેઠળ અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી રેવન્યુ પ્રેકટીસ કરતા એડવોકેટના પ્રશ્નોના નિરાકરણ કરવા રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, શહેરમાં વર્તમાન ૮ (આઠ) સબ રજીસ્ટ્રાર કાર્યરત છે તેમા હાલ જૂની કલેકટર કચેરી ખાતે સબ રજીસ્ટ્રાર કચેરી ૧, ૨ તથા ૮ કુલ ૩ (ત્રણ) કચેરી કાર્યરત છે જેમાં વકિલોને દસ્તાવેજ કરવા માટે હાલ કચેરીમાં પડતર જૂની ઈ-ધારાની જગ્યાનો રૂમ, ફર્નિચર તથા પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા સાથેનો રૂમ ફાળવવા વિનંતી છે. તેમજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સબ રજીસ્ટ્રાર ઝોન ૩, ૪, ૫, ૬, ૭ તેમ મળીને કુલ ૫ (પાંચ) કચેરી બેસે છે તેમા પણ વકિલ રૂમ, ફર્નિચર તથા પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા સાથેનો રૂમ ફાળવવા માંગણી છે.

જૂની કલેકટર કચેરી ખાતે ઈ-સ્ટેમ્પીંગને હાલમાં જે જગ્યા ફાળવેલ છે તે લોકોને ધ્યાનમાં આવતી નથી પરંતુ તેની જગ્યાએ વર્તમાન સબ રજીસ્ટ્રાર કચેરી વિભાગ-૨ની બાજુમાં આવેલ સહકારી મંડળી ઓડિટ રૂમમાં બેસાડવામાં આવે તો સામાન્ય લોકોને પણ વર્તમાન રાજકોટ શહેરમાં રૂ. ૨૦, ૫૦ તથા ૧૦૦ના સ્ટેમ્પ મળતા નથી તે લોકોને સરળતાથી ઈ-સ્ટેમ્પીંગ કરાવી શકે.

રાજકોટ શહેરમાં સ્ટેમ્પ વેન્ડરો દ્વારા રૂપિયા ૨૦, ૫૦ તથા ૧૦૦ના સ્ટેમ્પ પેપરની કૃત્રિમ તંગી સર્જે છે અને ઘણા ખરા સ્ટેમ્પ વેન્ડરો કે જેમને મોચી બજાર કોર્ટમાં કોર્ટ સમયે બેસવા માટે ફાળવવામાં આવેલ રૂમમાં બેસતા નથી અને તેઓ પોતાની વ્યકિતગત ઓફિસમાં બેસીને પ્રજાને તથા વકિલોને સ્ટેમ્પ આપવામાં ધક્કા ખવડાવે છે. જેથી લોકો ના છૂટકે પોસ્ટ ઓફિસ ખાતે સ્ટેમ્પ લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી લોકોના સમય તથા શકિતનો દુર્વવ્ય થાય છે જેનુ કાયમી ધોરણે નિરાકરણ લાવવું.

રાજકોટ શહેરમાં હાલ આશરે ૧૫,૦૦,૦૦૦થી વધારે જન સંખ્યા ધરાવતુ શહેર છે. જેમાં આ અગાઉ કુલ ૨૮ સ્ટેમ્પ વેન્ડરો હતા અને હાલમાં ફકત રેકર્ડ ઉપર આશરે ૧૮ સ્ટેમ્પ વેન્ડરો કાગળ ઉપર છે જેમાંથી માત્ર ૧૧ જેટલા સ્ટેમ્પ વેન્ડરો નિયમીત રીતે તિજોરી કચેરી ખાતે સ્ટેમ્પ ખરીદ કરે છે. આમ વસ્તી આધારીત જોવામાં આવે તો સ્ટેમ્પ વેન્ડરોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને રાજકોટ શહેર, જીલ્લા તથા તાલુકામાં ઘણા વર્ષોથી સ્ટેમ્પ વેન્ડરોની નિયુકિત થયેલ નથી જેથી આપ દ્વારા સ્ટેમ્પ વેન્ડરોની તાકિદે અરજી મંગાવી અને જન સંખ્યા આધારીત સ્ટેમ્પ વેન્ડરોની નિમણૂક આપવા વિનંતી છે.

કોટડા સાંગાણી તાલુકાના પ્રોબેશન પિરીયડના મામલતદાર પૂજાબેન બાવળા કે જેઓ વકિલશ્રીને મળવાનો ટાઈમ આપતા નથી હુકમી નોંધમાં તેમને અંગુઠો મુકવા માટે નો પણ તેઓ સમય ફાળવતા નથી મામલતદાર શ્રી પૂજાબેન બાવળાને તાકિદે સૂચના આપવામાં આવે કે અરજદારો તથા વકિલોની રજુઆત માટે સમય ફાળવવો.

આવેદનપત્ર દેવામાં સર્વશ્રી હિતેષ દવે, બળવંતસિંહ રાઠોડ, હેમાંગ જાની, વિરેન વ્યાસ, યોગેશ ઉદાણી, સી.એચ. પટેલ, નલીન આહયા, ડી.ડી. મહેતા, રાજભા ઝાલા, જયેશ બોઘરા, વિજય ભટ્ટ, આયુષ સોજીત્રા, પ્રકાશસિંહ ગોહિલ, ભરતભાઈ આહયા વિગેરે જોડાયા હતા.

(3:41 pm IST)