Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

SBS ના નિવૃત અધિકારીઓના પેન્શન પ્રશ્ને મીટીંગઃ રોષ વ્યકત

રાજકોટ તા. રપઃ તાજેતરમાં એશોશિએટ બેંકસ રિટાયર્ડ ઓફિસર્સ એશોશિએશન  (ABROA) યુનિટ SBS ના મેમ્બર્સની મીટીંગ રાજકોટ મુકામે મળી હતી. જેમાં યુનિટ ચેરમેન પી.આઇ. ઓઝા, વાઇસ ચેરમેન પી. ડી. વૈદ્ય, સેક્રેટરી એચ. આઇ. જાની, આસી. સેક્રેટરી એસ. જી. વોરા સહિતના હોદેદારો હાજર રહ્યાં હતાં.

મીટીંગની શરૂઆતમાં છેલ્લા ૧ વર્ષ દરમિયાન અવસાન પામેલા મેમ્બર્સને શ્રધ્ધાંજલી આપી બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. બાદમાં ઝોનલ સેક્રેટરી એ.એન. બુચએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ તકે યુનિટના વાઇસ ચેરમેન પી. ડી. વૈદ્યએ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે ર૦૦૯ની સાલમાં સુપ્રિમ કોર્ટએ તમામ બેંકોને પેન્શન એકટ મુજબ ર૮ વર્ષની નોકરી પૂરી કરનાર કર્મચારીઓને પ વર્ષ ઉમેરી પૂરેપૂરૂ પેન્શન ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેનો SBI સિવાયની તમામ બેંકોએ અમલ કર્યો હતો. એકમાત્ર  SBI એ હજુ સુધી અમલ કર્યો નથી. તેથી બેંક વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કેસ દાખલ કરાયો છે. જેનો ચૂકાદો હજુ સુધી આવ્યો નથી. આ કેસમાં જુદા જુદા બહાનાઓ બતાવી બેંક મેનેજમેન્ટ મુદતો માંગી કેસ લંબાવ્યે જાય છે. પરિણામે નિવૃતોની પરિસ્થિતિ વધુને વધુ કફોડી બને છે.

સેક્રેટરી એચ.આઇ. જાનીએ કોર્ટ કેસમાં થતા વિલંબ માટે કોર્ટની જટિલ પ્રક્રિયા તથા આંટીઘૂંટી મેમ્બર્સને વાકેફગાર કર્યા હતાં તથા કેસ લડવા માટે થતા જંગી ખર્ચ અંગે જાણકારી આપી જરૂર પડયે ડોનેશન આપતા રહેવા મેમ્બર્સને વિનંતી કરી હતી.

યુનિટ ચેરમેન પી.આઇ. ઓઝાએ તાજેતરના અન્ય એક કેસના ચૂકાદાને ટાંકી નિવૃતોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવામાં પણ SBI ની ઢીલી નીતિની ઝાટકણી કાઢી હતી. આસી. સેક્રેટરી એસ. જી. વોરાએ એશોશિએશન દ્વારા મેમ્બર્સના હિત માટે કરાતી પ્રવૃતિઓથી સહુને વાકેફગાર કર્યા હતાં.

સિનીયર મેમ્બર એચ. કે. ધનેશાએ ખાસ આમંત્રિત તરીકે હાજર રહેલા બેંકના નિવૃત ડી. જી. એમ. દુષ્યંત માંકડ તથા રાહુલ મહેતા, યુનિટના હોદેદારો તેમજ ઉપસ્થિત સહુ મેમ્બર્સનો આભાર માન્યો હતો. બાદમાં પ્રીતિ-ભોજન સાથે સહુ છૂટા પડયા હતાં તેવું ઝોનલ સેક્રેટરી એ. એન. બુચની યાદીમાં જણાવેલ છે.

(3:38 pm IST)