Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાં નકલી દાગીના મુકી લાખોની લોન મેળવવાના ગુનામાં જામીન અરજી રદ

રાજકોટ તા.૨૫: સુરેન્દ્રનગરના રહેવાસી રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભીએ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની ત્રણ જુદી જુદી શાખાઓમાં જઇ નકલી સોનાના દાગીના રજુ કરી પોતાના સાગરીતો સાથે રૂ.૩૫ લાખની લોન મેળવેલ. જે અંગે બેંકને શંકા જતા સોનાના દાગીના નકલી હોવાનુ જણાતા બેંકએ પોલીસ ફરીયાદ કરેલ જેની તપાસ પૂર્ણ થયા બાદ આરોપીએ જામીન અરજી કરતા અધિક સેશન્સ જજ શ્રી વી.વી.પરમારે ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, સુરેન્દ્રનગરના રહીશ રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભી તથા તેમના પત્નિ અંજલીબા અને યુવરાજસિંહ ઉર્ફે લકીરાજસિંહ જાડેજાએ બેંકમાં જઇ નકલી સોનાના દાગીનાઓ રજુ કરી લોન મેળવેલ. આ રીતની બનાવટમાં સફળ થતા આ ત્રણેય ઇસમોએ બેંકની બીજી શાખાઓમાં ત્યારબાદ ત્રીજી શાખામાં જઇ નકલી સોનાના દાગીના રજુ કરી કુલ રૂ.૩૫ લાખની લોન મેળવેલ. માસના અંતે બેંક ઓડીટમાં જણાયેલ કે, એક જ વ્યકિતએ બેંકની ત્રણ જુદી જુદી શાખાઓમાંથી લોન મેળવેલ છે. આ અંગે શંકા જતા બેંકએ સોનાના દાગીનાઓની ખરાઇ કરાવેલ જેમાં દાગીનાઓ સોનાના નહી હોવાનુ જણાયેલ. આથી બેંકના અધિકારીએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ. તપાસનીશ અમલદારશ્રી એમ.કે.ડોડીયાએ તપાસ દરમ્યાન ત્રણેય આરોપી વિરૂધ્ધ ગુના અંગે ચાર્જશીટ રજુ કરેલ હતું. ચાર્જશીટ રજુ થયા બાદ રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભીએ જામીન અરજી રજુ કરેલ હતી.

આરોપીની જામીન અરજીની સુનાવણી દરમ્યાન જિલ્લા સરકારી વકિલ શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે જો આરોપીઓનો ઇરાદો ફકત લોન લેવાનો હોત તો તેઓએ લોનના હપ્તાઓ ભરપાઇ કર્યા હોત. પરંતુ આ કિસ્સામાં આરોપીઓેએ લોન લીધા બાદ મોટર સાઇકલ અને મોબાઇલો જેવા મોજશોખના સાધનોની ખરીદી કરેલ છે અને લોનને એકપણ હપ્તો બેંકમાં જમા કરાવેલ નથી. આ સંજોગો ધ્યાનમાં લેતા આ ત્રણેય આરોપીઓનો ઇરાદો પ્રથમથી બેંક સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરવાનો હોવાનુ જણાઇ આવે છે. બેંકના નાણા જાહેર જનતાની અસ્કયામત કહેવાય અને આવા નાણાનો ઉપયોગ આ પ્રકારની છેતરપીંડી અને વિશ્વાસઘાતથી મોજશોખ અને સહયબીના સાધનો ખરીદવામાં કરવામાં આવે તો તેવા આરોપીઓ સાથે જરાપણ કુણુ વલણ દાખવવુ ન જોઇએ કારણ કે આ પ્રકારના આરોપી જામીન ઉપર છુટતાની સાથે જ આજ પ્રકારના બીજા ગુનાઓ આચરી જાહેર જનતાના નાણાને જોખમમાં મુકી શકે છે. વધુમાં રજુઆત કરવામાં આવેલ કે, જામીન મેળવવા માટે લોનની રકમ ભરપાઇ કરવાની કોઇ જ તૈયારી આરોપીઓ તરફે દાખવવામાં આવેલ નથી તે હકિકત પણ ઘણી જ સુચક છે. આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ નામ. અધિક સેશન્સ જજ રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.

(3:36 pm IST)