Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ડો. શ્યામાપ્રસાદજીનું જીવન નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોતઃ જીતુભાઇ વાઘાણી

કટોકટીના કાળા દિવસને યાદ કરી શહેર ભાજપ દ્વારા ડો. મુખરજીને ભાવપૂર્ણ પુષ્પાંજલી

રાજકોટઃ રપ જૂન ૧૯૭પનો દિવસ હંમેશા કાળા દિવસ તરીકે ઓળખાય છે, આ એ જ દિવસ છે કે જયારે વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાદી હતી અને તે સાથે  જ ર૧ મહિના સુધી પ્રજાના તમામ હકો છીનવાઇ ગયા હતા. આ જ દિવસે ભારતીય લોકશાહીનું ગળુ ઘોટાઇ ગયું. તેમજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી કે જેણે કાશ્મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તે અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વકતવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તેમજ ભાજપ આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. વંદે માતરમના ગીત સાથે આ બેઠકનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકવન અંગેની સીડીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસારણના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ અમિતભાઇ શાહે પણ ખાસ વકતવ્ય આપ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત કાર્યકર્તાઓને વકતવ્ય આપતા જણાવેલ કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેઓએ અનેકવિધ સંઘર્ષો કર્યા છે. એ આપણા માટે જીવનમંત્ર છે. જનસંઘ વિચારમાંથી ઉભી થયેલી પાર્ટી છે. કોંગ્રેસ વિચારમાંથી ઉભી થયેલી પાર્ટી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં આંતરિક કટોકટી લાદીને લોકશાહીનું ખુન કોંગ્રેસે કર્યું હતું. કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન ઇન્દીરા ગાંધીજીએ રપ જૂન ૧૯૭પની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી દેશની તમામ સતા પોતાના હાથમાં લઇ લીધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદે ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણો પર ભારતીય બંધારણની કલમ ૩પર અંતર્ગત દેશભરમાં કટોકટીની જાહેરાત કરી હતી. આ ઘટના રાજનિતીના ઇતિહાસના કાળા અધ્યાય સમાન ગણાય છે. આ કટોકટીના કાળો દિવસ જનતાને યાદ કરાવીએ અને આ કાળા દિવસને જાગૃતીનો દિવસ બનાવીએ અને આપણે દેશને કોંગ્રેસ મુકત કરીએ. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, સંચાલન જીતુભાઇ કોઠારી તેમજ અંતમાં આભારવિધિ કિશોર રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોનું બુક અને ખેસથી સ્વાગત સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કરભાઇ પટેલ તથા દર્શીતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી પ્રકાશભાઇ સોની દ્વારા પણ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકવન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, રાજકોટના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણી પ્રકાશભાઇ સોની, ડે. મેયર અશ્વીન મોલીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, રાજુભાઇ બોરીચા, પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ કોટક, કાશ્મીરાબેન નથવાણી, સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, કાર્યાલય પરિવારના પ્રવીણભાઇ ડોડીયા, જયંતભાઇ ઠાકર, રાજન ઠકકર, વિજય મેર, હરીશ ફીચડીયા, પી. નલારીયન પંડિત, રામભાઇ ચાવડા, ઇન્દ્રીશ ફુફાડ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)