Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સ્વયંના ગુરૂ બનો : પૂ. શિવકૃપાનંદજી

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમર્પણ ધ્યાન કાર્યક્રમ સંપન્ન

રાજકોટ, તા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ તથા શ્રી શિવકૃપાનંદ સ્વામી ટ્રસ્ટના ઉપક્રમે સમર્પણ ધ્યાન યોગનો કાર્યક્રમ યોજાયો ૅં ધ્યાન, આત્મા, આભામંડળ, પરમાત્મા વગેરે વિષય પર પૂ.સ્વામીજીએ  ખુબ સરળ ભાષામાં પ્રવચન આપ્યું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદસર અને શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ટ્રસ્ટ નવસારી દ્વારા સમર્પણ ધ્યાન યોગનો કાર્યક્રમ શહેરના સ્વામિનારાયણ મંદિર બીએપીએસ હોલ ખાતે યોજાયો હતો. બે ભાગમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ આમંત્રિતો માટેનો કાર્યક્રમ હતો તેમજ ત્યારબાદ સમર્પણ પરિવારના સાધકો માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના તુષારભાઇ લુણાગરિયા, જીતુભાઇ વસોયા, પ્રવિણભાઇ વિરાણી, રમેશભાઇ ટીલાળા, હંસરાજભાઇ ગજેરા, હર્ષદભાઇ માવાણી તેમજ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના બાબુભાઇ દ્યોડાસરા, જે.કે. પટેલ, રમણીકભાઇ ભાલોડિયા, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જે.વી. કાકડિયા, આર.ડી. સખિયા, સમર્પણ પરિવારના જીજ્ઞાબેન ગોહેલ, કાંતિભાઇ ભાલોડિયા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ સમર્પણ પરિવારની સાધિકાઓએ સ્વાગતકૃતિ ગણપતિ  સ્તુતિ રજૂ કરી હતી. ત્યારબાદ પૂજયશ્રી શિવકૃપાનંદજી સ્વામીનું આગમન થયું હતું. જેને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. સ્વામીજીએ પોતાના પ્રવચનમાં આત્મા, ધર્મ, સદ્ગુરુ આભામંડળ વગેરે વિષયો તેમની સરળ અને ચૈતન્યપૂર્ણ વાણીમાં સમજાવ્યા હતા.

ગુરુ ઉપર પર આધારિત ન રહેતા સાધના કરી સ્વયંના ગુરુ બનવાની વાત કરતા ધ્યાન કરવાના ફાયદા સમજાવ્યા હતા. નિયમિત ધ્યાન કઇ રીતે કરવું તે પ્રેકિટકલી શીખવ્યું હતું. ''મેં એક પવિત્ર આત્મા હું, મેં એક શુધ્ધ આત્મા છું'', મંત્ર બોલી તેનો અનુભવ કરીને રોજ ૩૦ મિનિટ ધ્યાન કરવાનું સૂચન કર્યું હતું.

પૂ.સ્વામીજીના પ્રવચન બાદ તાજેતરમાં તેમને નેપાળના 'ગુડવીલ એમ્બેસેડર'નો એવોર્ડ મળવા બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના તુષારભાઇ લુણાગરિયા અને પ્રવિણભાઇ વિરાણી તથા શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના બાબુભાઇ દ્યોડાસરા, જે.કે. પટેલ, રમણીકભાઇ ભાલોડિયાએ પૂજય સ્વામીજીને મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું.

આમંત્રિતો માટેના કાર્યક્રમ બાદ સમર્પણ ધ્યાન યોગ પરિવારના સાધકો માટે કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં સાધકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય લાઈન્સ કલબના શૈલેષ શાહ, મુકેશ પંચાસરા, શબ્બીર લોખંડવાલા અને સંજય જોશી તથા સમર્પણ પરિવારના જીજ્ઞાબેન ગોહેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજય સ્વામીજીના પ્રવચન બાદ પ્રશ્ર્નોતરીનો કાર્યક્રમ પણ હતો. જેમાં પૂ.સ્વામીજી દ્વારા સાધકોના પ્રશ્ર્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. અંતમાં લાયન્સ કલબના સભ્યો દ્વારા પૂજય સ્વામીજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

(3:34 pm IST)