Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઠગાઇ વિશ્વાસઘાત કરવા અંગે આરોપીને ત્રણ વર્ષની સજા

રાજકોટ તા.રપ : કુવાડવા પોલીસ સ્ટેશનમાં આજથી પાંચેક વર્ષ અગાઉ નોંધાયેલ ઠગાઇ વિશ્વાસઘાતના ગુનામાં પકડાયેલ દાહોદ પંથકના આરોપી દિનેશ ઉર્ફે મહારાજ જીથરાભાઇ અમજલીયાર સામેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

આ બનાવની વિગત એવી છે કે તા.ર૧-૬-ર૦૧૪ના અરસામાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં હાલનો આરોપી દિનેશ જીથરાભાઇ અને અન્ય એક આરોપી દાહોદના જાલતગામે રહેતા નાગજી ઉર્ફે નાથજી મહારાજ કાળુભાઇ સામે ગુનો નોંધાયો હતો.

બનાવની વિગત એવી છેકે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તંત્રવિધી દ્વારા રૂપિયા એકના ડબલ કરવાની લાલચ આપીને દોઢ લાખના ત્રણ લાખ કરી આપશે તેમ જણાવીને છેતરપીંડી વિશ્વાસઘાત કરી હતી.

આ કેસ ચાલી જતાં કોર્ટે આરોપી દિનેશ જીથરાભાઇ ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જયારે અન્ય આરોપીનું ચાલુ કેસ દરમિયાન અવસાન થતા તેની સામેનો કેસ એલેટ કરવામાં આવામાં આવ્યો હતો.

અદાલતે આરોપીને ત્રણ વર્ષની સજા ઉપરાંત ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. ડી.પી. કનાડા રોકાયા હતા.

(3:33 pm IST)