Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કાલથી રાજકોટમાં નેશનલ સ્વીમીંગ ચેમ્પિયનશીપ

દેશભરમાંથી ૧૨૦૦ ખેલાડીઓ ભાગ લેશે : કુલ ૨૦ થી ૨૨ ઈવેન્ટ : ૫ દિવસ સ્પર્ધા ચાલશે : રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસો., ગુજરાત સ્ટેટ એકવેટીક એસો. અને સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું આયોજન

રાજકોટ, તા. ૨૫ : શહેરમાં આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૨૦૦ જેટલા તરવૈયાઓ ભાગ લેનાર છે. પાંચ દિવસ ચાલનારી આ કોમ્પીટીશનમાં ૨૦ થી ૨૨ જેટલી ઈવેન્ટ રમાશે.

રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન, ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસીએશન અને સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તા.૨૬ થી ૩૦ જૂન સુધી સવારે ૭:૩૦ વાગ્યાથી કોઠારીયા રોડ ઉપર આવેલ સરદાર પટેલ સ્નાનાગાર ખાતે ગ્લેનમાર્ગ ૩૬મી સબ જુનિયર અને ૪૬મી જુનિયર એકવાટીક ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ છે. આ ચેમ્પિયનશીપમાં સૌરાષ્ટ્રના જાણીતા તરવૈયાઓ ધ્રુવ ટાંક, ભાર્ગવ વાઢેર, વિહા જાની, કેયુર રાજયગુરૂ તેમજ ગુજરાતમાંથી ૨૭ જેટલા તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે જયારે તામિલનાડુ, કર્ણાટક, હરિયાણા, ગોવા સહિત દેશભરમાંથી ૧૨૦૦ જેટલા તરવૈયાઓ ભાગ લેનાર છે.

સ્વીમીંગ અને ડાઈવીંગ સહિત આ સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં દરરોજ ૨૦ થી ૨૨ જેટલી ઈવેન્ટ યોજાશે. ૯ થી ૧૭ વર્ષના તરવૈયાઓ ભાગ લેનાર છે. આ ચેમ્પિયનશીપ ૫ દિવસ સુધી ચાલશે તેમ ઓલ ઈન્ડિયા સ્વીમીંગ એસો.ના જનરલ સેક્રેટરી કમલેશ નાણાવટી, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસો.ના પ્રમુખ ઉમેશ રાજયગુરૂ, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસો.ના સેક્રેટરી બંકીમ જોષી અને પ્રકાશ કલોવાએ જણાવ્યુ હતું.

(3:32 pm IST)