Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ૪ મહિલા પીએસઆઇનું અભિવાદનઃ પરીક્ષા માર્ગદર્શન સેમીનાર

રાજકોટ તા.૨૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું અવિરત આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં ગુજરાત એન્ટ્રી ટેરરીસ્ટ સ્કવોડના ચાર પી.એસ.આઇ. વીરાંગના બહેનોએ અદભૂત વીરતા દાખવી અને જુદા જુદા ત્રેવીસ ગુનાના કુખ્યાત આરોપી શખ્સને ખૂબ મહેનત કરી બોટાદના જંગલમાંથી ઝડપી પાડી અને વીરતાનું કામ કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વીરંગનાઓના કૌવતને આવકારે છે અને ગૌરવ અનુભવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણી તથા ઉપકુલપતિ ડો.દેશાણીના માર્ગદર્શન હેઠળ આ વીરાંગનાઓનું અભિવાદન કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 'વિદુષી' તથા સી.સી.ડી.સી.ના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૬-૬-૨૦૧૯ના રોજ સવારે  ૯:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સેનેટ હોલ ખાતે 'વીરાંગના અભિવાદન સમારોહ તથા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર'નું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં એ.ટી.એસ.ના ચાર પી.એસ.આઇ. વીરાંગનાઓ શ્રી ઓડેદરા સંતોકબેન, શ્રી  શકુંતલાબેન, શ્રી ગોહિલ નીતમીકાબા તથા શ્રી ગામેતી અરૂણાબેનનું અભિવાદન કરવામાં આવશે.

આ કાર્યક્રમના ઉદઘાટત તરીકે શ્રીમતી અંજલીબેન રૂપાણી, અધ્યક્ષસ્થાને રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સિન્ડિકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત રહેશે.

માર્ગદર્શક સેમીનારમાં સ્પીપાના ડો.શૈલેષભાઇ સગપરીયા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલપતિ તથા ઉપકુલ પતિશ્રીના માર્ગદર્શન હેઠળ ''વિદુષી'' ના કો-ઓર્ડીનેટર ડો.શ્રધ્ધાબેન બારોટ, કો-કોઓર્ડીનેટર ડો.રેખાબા જાડેજા તથા સી.સી.ડી.સી.ના કો-ઓર્ડીનેટર ડો.નીકેશભાઇ શાહ કાર્યરત છે.

(3:28 pm IST)