Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રેલ્વે લોકો રનીંગ સ્ટાફ દ્વારા જુલાઇમાં ઉપવાસ આંદોલન

લોકો પાયલોટ, સહાયક લોકો પાયલોટ, ગાર્ડ સહીતનો સ્ટાફ ભુખ્યા પેટે ફરજ બજાવશે : અણઉકેલ પ્રશ્ને ન્યાયમી માંગ

રાજકોટ તા. ૨૫ : ઓલ ઇન્ડિયા લોકો રનીંગ સ્ટાફ એસો. દ્વારા રાજકોટ મંડલના લોકો પાયલોટ, સહાયક લોકો પાયલોટ, ગાર્ડ સહીતના કર્મચારીઓની એક મીટીંગ કોમ્યુનીટી હોલ ખાતે મળી હતી. જેમાં એવી જાહેરાત કરાઇ હતી કે આગામી તા. ૧૫ અને ૧૬ જુલાઇના ઓલ ઇન્ડિયા લેવલના આદેશ અનુસાર બે દિવસ ઉપવાસ સાથે નોકરી કરવામાં આવશે. જયારે તા. ૧૭ જુલાઇના સમગ્ર ભારતીય રેલના લોકો પાયલોટ અને સહાયક લોકો પાટલોટ હડતાલ પર ઉતરી જશે.

રનીંગ સ્ટાફ દ્વારા પ્રશાસન સામે વિરોધ દર્શાવવા આ પહેલા પણ આવી જ લડત મંડાઇ હતી. જેમાં ૩૬ કલાક તથા ૪૮ કલાક એમ બે વખત ઉપવાસ પર ઉતરી ભુખ્યા પેટે લોકો કર્મચારીઓએ ટ્રેનો ચલાવી હતી. બે વખત કાળી પટ્ટી બાંધી ફરજ બજાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. તેમ છતા પ્રશાસને કોઇ ન્યાયી નિર્ણય લીધો નથી. આ માંગણી અનુસંધાને પ્રદેશ એમ.પી. તેમજ રાજકોટ ડીવીઝનના અધિકારીઓ દ્વારા ઉપરી અધિકારી અને પ્રશાસનને પત્ર લખી જાણ કરવામાં આવી છે.

સાતમાં પગાર પંચ પછી રર મહીનાથી ટી.એ. ના નવા રેટ નિર્ધારીત કરાયા છે, પરંતુ રનીંગ સ્ટાફ માટે હજી સુધી સાચા નિર્ધારીત રેટ જાહેર કરાયા નથી. રનીંગ સ્ટાફને ૩૦ ટકા રાષ્ટ્રપતિ દ્વારા વેતનરૂપ આપવામાં આવે છે. આમ વેતન + ૩૦% નો અમલ કેમ કરાતો નથી. સાતમું પગાર પંચ ૧-૧-૨૦૧૬ થી લાગુ કરવામાં આવેલ છે. પરંતુ કર્મચારીને એરીયર્સ તા.૧-૭-૨૦૧૭ થી લાગુ કરાયુ . જે ખરેખર અન્યાયકર્તા છે. આ સહીતના અન્ય કેટલાક પ્રશ્નો ધ્યાને લઇ લોકો રનીંગ સ્ટાફ એસો. દ્વારા હડતાળ પર જવા નિર્ણય જાહેર કરાયો હોવાનું ડીવીઝન સેક્રેટરી ભરતભાઇ કામાણી (મો.૯૭૨૪૦ ૯૪૪૭૦) અને ઝોનલ જોઇન્ડ સેક્રેટરી રવિન્દ્ર કામોઠી (મો.૯૭૨૪૦ ૯૪૦૫૨) ની યાદીમાં જણાવાયુ છે.

(3:28 pm IST)