Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સસ્તા અનાજના દુકાનદારોને મહિને રપ થી ૩૦ હજાર પગાર આપોઃ ગેસના બાટલાનું વિતરણ કરવાની મંજુરી આપોઃ કલેકટરને આવેદન

છેલ્લા ત્રણ મહિનાથી નીગમના ગોડાઉન ઉપરથી સમયસર જથ્થો મળતો નથીઃ મજુરો ગુણી દીઠ પૈસા પડાવે છે :સર્વર સાવ ધીમુ ચાલે છેઃ આધારકાર્ડ લીંકઅપમાં એજન્સીએ ભુલો કરી છેઃ BPL કાર્ડ ધારકોને NSF સમાવવા પણ માંગણી

સસ્તા અનાજના દુકાનદાર આગેવાનોએ આજે સતત બીજા દિવસે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા., રપઃ રાજકોટ શહેર-જીલ્લાના સસ્તા અનાજના દુકાનદાર આગેવાનો પ્રમુખશ્રી નરેન્દ્ર ડવ, માવજીભાઇ રાખશીયા તથા અન્યોએ કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવી ઉમેર્યુ હતું કે અમે સસ્તા અનાજના દુકાનદારો કે જેઓ સરકારની તમામ યોજનાઓનો ગરીબ પ્રજા સુધી સીધો પહોંચાડીએ છીએ અને દેશ આઝાદ થયો ત્યારથી ગુજરાત રાજયની અને સમગ્ર દેશની જનતાની સેવા કરી રહયા છીએ. કુદરતી હોનારત હોય કે આપાત કાલીન સ્થિતિ હોય તેમાં સરકારની સાથે કદમથી કદમ મિલાવી સેવા પુરી પાડતા નાના-નાના પ્રમાણીત સસ્તા અનાજના દુકાનદારો અને કેરોસીનના વિક્રેતાઓ છેલ્લા પાંચ-સાત વર્ષથી બારકોડેડ કાર્ડ આવ્યા ત્યારથી હેરાન-પરેશાન થઇ ગયા છીએ. આજની અસહય અને કારમી મોંઘવારીમાં અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમોને મહીને રૂ. રપ૦૦૦ થી રૂ. ૩૦૦૦૦ રૂપીયા મળી રહે તેવી વ્યવસ્થા કરીને ગુજરાત રાજયના રર૦૦૦ થી વધુ દુકાનદારોના પરીવારોનું ગુજરાન ચાલે. રોટલા ચાલે, અમારા બાળકોને ભણાવી-ગણાવી સકીએ તેટલુ પોષણક્ષમ વળતર મળી રહે તેવી યોજના કરી અમારો ઉધ્ધાર કરવા વિનંતી છે.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, તાજેતરમાં તા.૧-૯-ર૦૧૮ થી ગુજરાત રાજયના મોટા શહેરોમાં એપીએલ-૧ અને એપીએલ-ર રાશન કાર્ડમાં કેરોસીન બંધ કરેલ છે અને બીપીએલ તથા અંત્યોદય કાર્ડને ઉજવલા યોજના દ્વારા ગેસના જોડાણો હપ્તાથી આપેલ છે. જે ઉજવલા યોજનાના હેઠળ ગેસના બાટલા અમો સસ્તા અનાજના દુકાનદારોને અને કેરોસીનના દુકાનદારોને ત્યાંથી વિતરણ કરવાની મંજુરી આપવા વિનંતી.

અમો સસ્તા અનાજના દુકાનદારોને છેલ્લા ત્રણ મહીનાથી નીગમના ગોડાઉનથી સમયસર જથ્થો મળતો નથી. જથ્થો ઉપાડવાના રૂપીયા એડવાન્સ ભરી દેતા હોવા ૧૫ થી ર૦ દિવસે કોન્ટ્રાકટરો ડોર સ્કેપ-ડીલીવરી દ્વારા ખુબ જ મોડો જથ્થો પહોંચાડે છે અને તે ઘઉં, ચોખા, ખાંડની ગુણી ઉતારવા  ૧ ગુણીએ ૩ થી ૬ રૂપીયા વેપારીઓ પાસે થી ખોટી મજુરીના રોકડા માંગે છે. તે બંધ કરાવવા વિનંતી.

રેશનકાર્ડનું આધારકાર્ડ લીંકઅપ શહેરી વિસ્તારમાં ૬૦ ટકાથી ૭પ ટકા અને ગ્રામ્યમાં પણ મજુરી કરવા ગ્રાહકો બહાર ગયા હોવાથી ખુબ જ ઓછા ગ્રાહકોનું આધાર લીંકઅપ થયેલ છે. તેમજ લીંકઅપ કરનાર એજન્સીએ પણ કુપનદીઠ ૧ જ વ્યકિતનું લીંકઅપ કરેલ છે. અથવા ખોટુ લીંકઅપ કરેલ છે તેને દંડ કરીને સજા કરવા વિનંતી. આવા લીંકઅપના કારણે દુકાનદારોએ ૩પ ટકાથી ૪૦ ટકા લોકોના બીલ ચુંટણી કાર્ડના આધારે કરવા પડે છે અથવા સર્વર ધીમુ ચાલતુ હોવાથી અમારે અંગૂઠો વધારે વખત મુકવો પડે છે તે બીલ અયોગ્ય સમજીને ગુજરાત રાજયના તમામ સસ્તા અનાજના વેપારીઓને દરેક સસ્તા અનાજના વેપારીઓને દરેક જીલ્લાના ડીએસઓએ નોટીસ આપેલ છે. તેમાંથી મુકતી આપવા વિનંતી અને સર્વર સરખુ કરવા યોગ્ય કરશો.

હાલમાં ફુડ સિકયુરીટીનો એસએસઇ કાયદો આવતા બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં, ચોખા બંધ કરી દીધા છે. તેવા ગ્રાહકોને માત્ર ખાંડ, મીઠુ જ મળે છે. આવા ગરીબ કુપન ધારકોને એસએસઇમાં સમાવવા વિનંતી તથા શહેરી વિસ્તારમાં પણ મજુર વર્ગના લોકો સુચીત સોસાયટીઓમાં, મફતીયાપરામા રહે છે. તેને શહેરી વિસ્તારમાં કેરોસીન ગ્રામ્ય પ્રજાની જેમ શરૂ કરવા વિનંતી.

આપણી સરકારશ્રીએ કેરોસીનના બે વર્ષ પહેલા ૧ લીટરના ૧પ રૂ. હતા તેમાં દર મહીને બે વાર ૦.પ૦ પૈસા વધારો કરીને બે વર્ષમાં રૂ. ૩૩.પ૦ થી ૩૪.૦૦ રૂ. કરી દીધેલ છે. તે પ્રમાણે આ મોંઘવારીમાં સરકારી કર્મચારીઓને ૭ મું પગાર પંચ આપો છો. તેમ અમોને બીપીએલ ઘઉં, ચોખામાં દર મહીને અમારા કમીશન વધારવા માટે દર મહીને ૧ કિલોએ ઘઉંમાં ૦.પ૦ પૈસાનો વધારો કરીને અને તે રીતે ચોખામાં પણ રૂ. ૩ ના કિલો મળે છે. તેમા પણ દર મહિને રૂપીયા ૦.પ૦ પૈસાનો ૬ મહીના સુધી વધારો કરી આપવામાં આવે તો જ અમારા કુટુંબનું ભરણપોષણ થાય તેમ છે અને તેનું ભારણ પણ સરકાર ઉપર આવતું નથી. અત્યારે દુકાન દીઠ ૩૦૦૦ થી ૬પ૦૦ રૂ. જ કમીશન મળે છે. તેનાથી અમારા પરીવારના બાળકોને શિક્ષણની ફી પણ ભરી શકતા નથી અને ગંભીર બીમાર ઘરમાં કોઇ પડે તો પ્રાઇવેટ દવાખાને સારવાર પણ કરાવી શકતા નથી. આથી બીપીએલ અને અંત્યોદય ઘઉં ચોખામાં કમીશન વધારો કરી દેવામાં આવે. અથવા ર૦૦૦૦ થી રૂ. રપ૦૦૦ પગાર વધારો કરી આપવા વિનંતી તેમ ઉમેર્યુ હતું.

આવેદનપત્ર દેવામાં સર્વશ્રી નરેન્દ્ર ડવ,માવજીભાઇ રાખશીયા, ગીરીરાજસિંહ જાડેજા, અશોક ટેકવાણી, વનરાજ સિંહ જાડેજા, નીમભાઇ ક્રીપલાણી, અનીલ મુલચંદાણી વિગેરે જોડાયા હતા.

(3:27 pm IST)