Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

૧૪ર કિલો લીચી ફળના જથ્થાનો નાશ : આરોગ્ય તંત્ર અંતે જાગ્યું

બિહારમાં ૧૦૦ બાળકોનો ભોગ લેનાર 'ચમકી' તાવના રોગચાળાનું સંભવિત કારણ : શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ વેચાતા લીચીના જથ્થાઓનું ચેકીંગ : ભૂખ્યાપેટે લીચી નહીં ખાવા નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ચેતવણી

રાજકોટ, તા. રપ : બિહારમાં ૧૦૦ જેટલા બાળકોનો ભોગ લેનાર 'ચમકી' તાવના રોગચાળાનું સંભવિત કારણ લીચી ફળ હોવાનું બહાર આવ્યું છે. આથી આજે રાજકોટ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં વેંચાતા લીચી ફળના જથ્થાનું ચેકીંગ કરીને ૧૪ર કેટલો અખાદ્ય લીચીના જથ્થાનો નાશ કર્યો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડની યાદીમાં જણાવાયુ છે કે, હાલમાં બિહારના મુઝફપુર તથા આજુબાજુના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ (ચમકી) એકયુટ એનકેફેલાઈટીસ સિન્ડ્રોમ રોગનો શિકાર બનેલ છે. જે થવા માટેનું એક સંભવિત કારણ લીચી હોવાનું શકયતા દર્શાવેલ છે.

જેને અનુલક્ષીને  મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરની ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સદ્યન ચેકીંગ હાથ ધરેલ છે. ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સદ્યન ચેકીંગ હાથ ધરેલ હતું જેમાં ચેકીંગ દરમ્યાન નીચે મુજબની વિગતે બિન આરોગ્યપ્રદ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ. ચકાસણી કરેલ ધંધાર્થીની સંખ્યા નાશ કરવામાં આવેલ અંદાજીત છે. જથ્થો આ મુજબ છે.   

ટાગોર રોડ ૨૪ કિલો, ડો. યાજ્ઞિક રોડ,  જાગનાથ પ્લોટ-૩ કિલો, અમીન માર્ગના છેડે-૭૮ કિલો,         મવડી રોડ માર્કેટ, આનંદ બંગલા પાસે-૬ કિલો, કોઠારીયા રોડ માર્કેટ-૩ કિલો, કેવડાવાડી, ગુંદાવાડી રોડ-૨૯ કિલો, જયુબેલી માર્કેટ, પરા બજાર-૧૮ કિલો, મેંગો માર્કેટ-૧ કિલો સહિત કુલ ૧૪૨ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરાયો છે.

લીચી ફળ ખાવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખો

લીચી એ સામાન્ય રીતે મે થી જુલાઈ માસ દરમ્યાન ઉતર ભારતીય રાજયોમાં ઉત્પાદન થાય છે. લીચીની જાળવણી ઠંડા તાપમાને કરવી પડે છે અન્યથા તુરંત જ બગડી જાય છે. જાહેર જનતાએ લીચીની ખરીદી તથા ઉપયોગ કરતી વખતે નીચે દર્શાવેલી બાબતોનું ધ્યાન રાખવું તથા સાવચેતી રાખવી જરૂરી છે.

એક ઇંચથી નાની, લીલા કલરની, હાર્ડ (નક્કર)ની લીચી પાકેલી ન હોવાની શકયતા હોય, આવી લીચીનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો.

સારી લીચી લાલ કલરની ચળકાટવાળી, એક ઈંચથી મોટી દબાવવાથી સહેજ લીચીનો રસ આવવો, ખરાબ વાસ વગરની હોય છે.  વધારે પોચી તથા લીચીની છાલ તુટી ગઈ હોય તેનો ઉપયોગ ટાળવો.

લીચીનો ઉપયોગ કરતા પહેલા તેને નળના વહેતા પાણીથી ધોવી જોઈએ.

લીચી ખરીદ્યા બાદ ઠંડા તાપમાને રાખી એક જ દિવસમાં ઉપયોગ કરવો.

લીચીની છાલ મોઢાથી કયારેય ન કાઢવી. પ્રથમ હાથેથી  છાલ કાઢયા બાદ લીચીનો ખાવામાં ઉપયોગ કરવો.

(3:19 pm IST)