Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમદાવાદમાં રાજકોટની ચાંદની વાળાને પતિ-સાસુ સહિતના સાસરિયાનો ત્રાસ

'પબ્જીગેમ રમવાનો શોખ છે' ક્રિકેટનો સટો પણ રમીશ' કહી પતિ ઝઘડો કરતો અને સાસુ, સસરા, નણંદ તથા ફઇજી ઘરકામ બાબતે ત્રાસ આપતા'તા

રાજકોટ તા. રપઃ શહેરના સાધુવાસવાણી રોડ પર શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં માવતર ધરાવતી મોચી પરિણીતાને અમદાવાદમાં પતિ, સાસુ, સસરા, નણંદ અને ફઇજી સાસુ ઘરકામ બાબતે ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ શ્રીનાથજી પાર્ક શેરી નં.-ર માં માવતરના ઘરે રહેતી ચાંદની આનંદ વાળા (ઉ.વ.ર૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદમાં મણીનગર બધાપર-વિજય પાર્ક ગોરના કુવા પાસે રહેતો પતિ આનંદ ભગવાનભાઇ વાળા, સાસુ સુશીલાબેન વાળા, સસરા ભગલવાનભાઇ ધરમશીભાઇ વાળા, નણંદ એકતા મીતેષભાઇ ચંદારાણા, નણંદ કિન્નરી સાગર પટેલ, નણદોયા સાગર પટેલ અને ફઇજી સાસુ મીનાક્ષી જેઠવાના નામ આપ્યા છે. ચાંદની વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન ચાર મહિના પહેલા અમદાવાદમાં રહેતો આનંદ ભગવાનભાઇ વાળા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરીવાર સાથે રહેતી હતી, લગ્નના બીજા દિવસથી પતિ તથા સાસુ-સસરા મને મેણા ટોણા મારવા લાગેલ અને કહેતા કે 'તારા બાપે ઇલેકટ્રોનીક કોઇ ચીજવસ્તુ આપેલ નથી તારા પપ્પાને કહે તેના રૂપિયા મોકલાવે, અને હનીમુન ટ્રીપના અડધા પૈસા મારા પિતા આપે તેવું સસરાએ કહ્યું હતું. પતિ આનંદને પબ્જી ગેમ રમવાની ટેવ હોય, તે મોડી રાત સુધી પબ્જી ગેમ રમ્યે રાખતો અને પોતે તેમને કાંઇ કહે તો કહેતો કે 'આ મારો શોખ છે તે તારે સહન કરવો જ પડશે' હું ક્રિકેટનો સટ્ટો પણ રમીશ. મારી લાઇફમાં તારે કોઇ દખલગીરી કરવાની નથી. તું તારી રીતે જીવન અને મને મારી રીતે જીવવા દે. લગ્નની શરૂઆતથી જ પતિ પોતાની સાથે આ પ્રકારનું વર્તન કરવા લાગ્યો હતો અને સાસુ, સસરા, નણંદ એકતા મીતેશભાઇ ચંદારાણા અને કિન્નરી સાગર પટેલ, નણદોયા સાગર પટેલ અને ફઇજી સાસુ મીનાક્ષી જેઠવા અવારનવાર ઘરે આવી ઘરકામ બાબતે મેણા ટોણા મારતા અને કહેતા કે 'તને ઘરકામ બરાબર આવડતું નથી તારા માવતરે તને કાંઇ શીખવાડેલ નથી. તેમ કહી ઝઘડો કરી માનસીક ત્રાસ આપતા હતા. બાદ પોતે પતિ, અને સાસુ-સસરા જામનગર ખાતે લગ્નમાં ગયા બાદ તા. ૧૯/ર ના રોજ પરત આવતા હતા ત્યારે રાજકોટ બસ સ્ટેશન પર મને ઉતારી દીધી અને કહેલ કે તું થોડા દિવસ તારા માવતરના ઘરે રોકાઇ આવ. કહી જતા રહ્યા હતા. ત્યારબાદ પતિ સાથે અઠવાડીયા સુધી ફોનમાં વાતચીત થતી હતી. બાદ પતિએ કહેલ કે 'હવે તું તારા માવતરના ઘરે જ રહે' મારે હવે તને રાખવી નથી અને છુટાછેડા આપી દેવા છે. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદ પતિએ ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. પિતાએ સમાધાન બાબતે પ્રયત્નો કર્યા પરંતુ કોઇ નીવેડો ન આવતા ચાંદનીએ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ નીતાબેન ડાંગર તપાસ આદરી છે.

(1:19 pm IST)