Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નિશાન ચૂક માફ, નહી માફ નીચુ નિશાન... રાજકોટના શુભમ ધામેલીયાએ કોમન લો એડમીશન ટેસ્ટમાં ડંકો વગાડયો

સાયન્સમાં આગળ વધી એન્જીનીયરીંગ પાસ કર્યુ અને કારકીર્દીએ કાયદા ક્ષેત્રે ટર્ન માર્યો : પિતા પીજીવીસીએલમાં એડીશ્નલ ચીફ એન્જીનીયર છે : નાના અને મામા લો ક્ષેત્ર ધમરોળે છે : કેરીયર લોન્ચર ટીમનું માર્ગદર્શન ફળ્યુ

રાજકોટ તા. ૨૫ : નિચુ નિશાન માફ કરી શકાય પણ, ચુકાયેલુ માફ ન કરી શકાય તે યુકિતને અનુસરીને રાજકોટના શુભમ ધામેલીયાએ સાયન્સ ફિલ્ડમાં એન્જીનીયરીંગ પાસ કર્યા બાદ પણ આ પોતાની સાચી કેડી નથી તેવુ લાગતા લો એટલે કે કાયદા શાખાની કેડી પકડી અને તેમાં સાચે જ ધારી સફળતા મેળવી કોમન લો એડમીશન ટેસ્ટમાં ગુજરાત ફસ્ટ રેન્ક મેળવી ડંકો વગાડી દીધો છે.

'અકિલા' સાથેની વાતચિતમાં શુભમે જણાવેલ કે આમ તો હું નાનો હતો ત્યારથી જ મને ઇન્ટરનેશનલ કાયદાઓમાં વધુ રસ પડતો હતો. યુપીએસસીની તૈયારીની પણ એટલી જ હોંશ. પરંતુ ગમે તેમ હોય ને મારી કારકીર્દી સાયન્સ તરફ ફંટાઇ. મે એન્જીનીયરીંગ પાસ કર્યુ. છતાય કયાક કઇક ખુટતુ હોવાનો સતત રંજ રહેતો હતો.

આ સમય દરમિયાન મને રાજકોટની કેરીયર લોન્ચરના જાવેદભાઇ મલેકનું માર્ગદર્શન મળ્યુ અને મારે જે તરફ આગળ વધવુ હતુ તે તરફ ફરીથી લો માં જવા માટે નિશાન તાકયુ. હાલ જે કોમન લો એડમીશન ટેસ્ટના પરિણામો જાહેર થયા છે. તેમાં દેશભરના ૬૫૦૦૦ વિદ્યાર્થીઓમાં ૧૦૪ માં રેન્ક સાથે ગુજરાત ફસ્ટ સ્થાન મળતા દેશની ટોપ ૧૦ લો યુનિયવર્સિટીમાંથી બીજા નંબરની ગણાતી હૈદારાબાદની 'નાલસાર યુનિવર્સિટી' માં પ્રવેશ મળતા મારી ખુશીનો પાર નથી રહ્યો.

રાજકોટના કેરીયર લોન્ચરના ડીરેકટર જાવેદ મલેક કહે છે કે જે રીતે મેનજમેન્ટ માટે આઇઆઇએમએસ, એન્જીનીયરીંગ માટે આઇઆઇટીએસ હોય છે તેવી જ રીતે રાષ્ટ્રીય સ્તરે લો માટે નેશનલ લો યુનિવર્સિટી હોય છે. જે દર વર્ષે પરીક્ષા લ્યે છે.

 આ વખતે ભારતમાંથી ૧૩૦૦ સીટ માટે ૬૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટના શુભમે ૧૦૪ રેન્ક સાથે ગુજરાત પ્રથમ સ્થાન હાંસલ કરી બતાવ્યુ છે. આવી વિરલ સિધ્ધી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જોવા મળી છે. લો ના અભ્યાસ પછી વિદ્યાર્થી કાયદા શાખામાં સર્વોચ્ચ સ્થાને કારકીર્દી ઘડી શકે છે જેમ કે લિટીગેશન, કોર્પોરેટ કાઉન્સીલ, મીડીયા એન્ડ લો, એકેડેમિયા, જયુડીશ્યલ સર્વીસીસ, સિવિલ સર્વીસીસ, લીગલ પ્રોેસેસ આઉટસોર્સીંગ વગેરે તેમજ કોઇ રાજકીય પાર્ટીના કાયદાકીય સલાહકાર તરીકે પણ કારકીર્દી બનાવી શકાય છે.

રાજકોટ સ્થિત કેરીયર લોન્ચર સંસ્થા રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. દેશમાં ૨૨૦ સેન્ટર ધરાવે છે. ધો. ૧૨ પછી કારકીર્દીલક્ષી અભ્યાસક્રમ અંગે અહીં વિનામુલ્યે માર્ગદર્શન અપાય છે. વિવિધ એન્ટરન્સ એકઝામની પણ તૈયારી કરાવવામાં આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે શુભમના પિતાશ્રી નિતિનભાઇ ધામેલિયા પીજીવીસીએલમાં એડીશ્નલ ચીફ એન્જીનીયર છે. તેમના પરિવારમાંંથી કોઇ લો ક્ષેત્રે નથી પરંતુ મોસાળમાં નાના અને મામા લો ક્ષેત્રને ધમરોળી રહ્યા છે. નાના ધીરજલાલ બગથલીયા અમરેલીમાં લોયર છે. જયારે મામા સંજયભાઇ બગથલીયા અમરેલી લો કોલેજમાં પ્રોફેસર છે.

શુભમ કહે છે કે અભ્યાસ સિવાયની વાત કરીએ તો મને રીડીંગ અને સાયકલીંગનો ખુબ શોખ છે. સાયકલીંગની અનેક ઇવેન્ટમાં ભાગ લીધો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા શુભમ ધામેલીયા (મો.૯૬૬૨૫ ૧૭૬૩૫), કેરીયર લોન્ચરના જાવેદભાઇ મલેક (મો.૯૯૯૮૭ ૧૭૨૫૯) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

(3:46 pm IST)