Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સંજય પટેલે વ્યાજ માટે પોતાનું અપહરણ થયાનો ફોન કર્યો, પોલીસ પહોંચી તો હેમખેમ મળ્યો!

રંગોલી પાર્ક પાસેથી કારમાં ભરવાડ શખ્સોએ ઉઠાવી લીધો છે અને ચાલુ કારએ માર મારે છે... : પોલીસ પહોંચી તો રંગોલી પાર્ક પાસે જ હતોઃ ખીરસરા લઇ જઇ માર મારી પાછો રંગોલી પાર્ક પાસે ઉતારી દીધાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૨૫: ગિરનાર સોસાયટીમાં રહેતાં પટેલ યુવાને કાલાવડ રોડ રંગોલી પાર્ક પાસેથી પોતાનું વ્યાજની ઉઘરાણી માટે ભરવાડ શખ્સોએ અપહરણ કર્યાનો અને ચાલુ કારે માર મારવામાં આવી રહ્યાનો ફોન કરતાં પોલીસ તાબડતોબ પહોંચી હતી. પણ આ યુવાન રંગોલી પાર્ક પાસે હેમખેમ મળ્યો હતો! પોતાને ખીરસરા લઇ જઇ મારકુટ કરી પરત રંગોલી પાર્ક પાસે છોડી મુકયાનું તેણે રટણ કર્યુ હતું. પણ તપાસમાં પોલીસને તથ્ય જણાયું નહોતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગિરનાર સોસાયટી-૪માં ખીજડાવાળા રોડ પર રહેતો અને કાલાવડ રોડ પર મટુકીવાળી શેરીમાં મણીધર સ્ક્રેપ નામે ધંધો કરતો યુવાન બપોરે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેણે પોતાનું રંગોલી પાર્ક પાસેથી કારમાં  ભરવાડ સહિતના શખ્સો અપહરણ કરી ગયાની અને મારકુટ કર્યાની વાત કરતાં પોલીસ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધાવવા તજવીજ કરી હતી. સંજય પટેલેના કહેવા મુજબ પોતે સ્ક્રેપનો ધંધો કરતો હોઇ ધંધા માટે આસ્થા ફાયનાન્સવાળા પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધા હતાં. આ રકમ લીધી ત્યારે એક ચેક નાણા ધીરનારને આપ્યો હતો.

રકમ પરત ચુકવી દીધી છતાં વધુ ત્રણ લાખ માંગવામાં આવે છે અને ઉઘરાણીનો હવાલો ભરવાડ શખ્સને અપાયો છે. આ ઉઘરાણી માટે પોતાનું કારમાં અપહરણ કરી મારકુટ કરતાં કરતાં ખીરસરા સુધી લઇ જઇ પરત રંગોલી પાર્ક પાસે ઉતારી દીધાનું અને બાદમાં તેણે ૧૦૮ને ફોન કર્યાનું જણાવ્યું હતું. ખરેખર અપહરણ થયું હતું કે કેમ? મારકુટ કરવામાં કોણ કોણ સામેલ? મામલો વ્યાજખોરીનો કે અન્ય કંઇ? તે અંગે તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરતાં અંદરો-અંદરનો મામલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. (૧૪.૧૩)

(3:39 pm IST)