Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

લોહાણા મહાજનની ચૂંટણીમાં ૩૧ ફોર્મ ઉપડ્યા

રાજુભાઈ પોબારૂ, પરાગભાઈ અનડકટ, તથા મહિલા ઉમેદવાર તરીકે સૌપ્રથમ તૃપ્તિબેન રાજવીરે ફોર્મ ઉપાડ્યુ

રાજકોટ, તા. ૨૫ : ૮ જુલાઈના રોજ લોહાણા મહાજન રાજકોટની પ્રમુખપદની ચૂંટણીનો માહોલ દિવસે - દિવસે જામતો જાય છે ત્યારે આજે બપોરે એક વાગ્યા સુધીમાં કુલ ૩૧ જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે. ફોર્મ ઉપાડનારાઓમાં રાજુભાઈ પોબારૂ, પરાગભાઈ અનડકટ તથા તૃપ્તિબેન રાજવીરનો સમાવેશ થાય છે. ચૂંટણી લડવા ઈચ્છુક મહિલા ઉમેદવાર તરીકે સૌપ્રથમ ઉમેદવારી ફોર્મ તૃપ્તિબેન રાજવીરે ઉપાડ્યુ છે.

રાજકોટના લોહાણા સમાજમાં ચૂંટણી લડતા વિવિધ ઉમેદવારો અને ગ્રુપો - સંગઠનોમાં અમુક દ્વારા ચૂંટણીની તરફેણ થઈ રહી છે તો અમુક સંગઠનો સ્વસંમતિથી ઉમેદવાર નક્કી થાય અને પ્રમુખપદની સમરસ ચૂંટણી થાય તેવુ ઈચ્છી રહ્યા છે. આ વિરોધાભાસ આજરોજ લોહાણા મહાજન રાજકોટના પૂર્વ કારોબારી પ્રમુખ અને સટ્ટાબજારના અગ્રણી રાજુભાઈ પોબારૂએ ઉમેદવારી ફોર્મ ઉપાડતા ઝડપભેર સમીકરણો કરી રહ્યા હોવાનું દેખાય છે. કારણ કે મહાજન પ્રમુખપદની ચૂંટણી સર્વસંમતિથી સમરસ કરવા સંદર્ભે રાજુભાઈ પોબારૂ અને ઉમેશભાઈ નંદાણીના નામો સર્વમાન્ય ઉમેદવારો તરીકે ચર્ચાય રહ્યા છે.

જો કે અમુક લોકો એવુ પણ કહી રહ્યા છે કે છેલ્લી ઘડીએ સર્વ સંમતિ સધાઈ તો પણ સર્વમાન્ય ઉમેદવારે પણ એક વખત સમય - મર્યાદામાં ફોર્મ ભરવા સહિતની કાયદાકીય પ્રક્રિયા તો પૂર્ણ કરી દેવી જોઈએ.

દરમિયાન લોહાણા મહાજનના પ્રમુખપદની ચૂંટણીમાં ઝૂંકાવનાર લડાયક ઉમેદવાર રમેશભાઈ ધામેચા દ્વારા બે દિવસ પહેલા ચૂંટણી કમિશ્નર અને ચેરીટી કમિશ્નર રાજકોટને અપાયેલ અમુક મુદ્દે સ્પષ્ટતા માગતી અરજીના ચુકાદા ઉપર પણ સૌ કોઈની મીટ મંડાઈ છે. આ અરજીમાં જ્ઞાતિની વસ્તીને જોતા વધુ મતદાન સ્થળો ફાળવવા, માત્ર પ્રમુખપદની ચૂંટણીને બદલે તમામ ૧૨૫ સભ્યોની ચૂંટણી કરવી અથવા તો પ્રમુખપદની ઉમેદવારી કરનાર ઉમેદવાર ઉમેદવારી નોંધાવતી વખતે જ ૧૨૫ કારોબારી સભ્યોના નામો આપી દે, વ્યવસ્થિત રીતે નિયમ મુજબ મતદાર યાદી બનાવવાની વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ બધા મુદ્દાઓનો હકારાત્મક ઉકેલ આવે તો ચૂંટણીમાં ઓછી અગવડતા પડે અને ચૂંટણી પ્રક્રિયા સરળ બની જાય તેવુ રમેશભાઈ ધામેચાનું કહેવુ છે. કારણ કે પ્રમુખપદના ઉમેદવાર સાથે કારોબારીમાં પણ કોણ કોણ લોકો છે તે હાલના સમયમાં અને બુદ્ધિશાળી વર્ગ માટે જાણવુ જરૂરી હોવાનું તેઓએ કહ્યું હતું.(૩૭.૯)

(3:38 pm IST)