Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પ્રજાલક્ષી વિકાસ કામો અંગે આજથી ૨૦ લોકેશનની જમીન અંગે સર્વે શરૂ કરાવતા પ્રાંત જાનીઃ તમામ અડચણો હટાવાશે

૪ નાયબ મામલતદારોની ટીમ બનાવાઈઃ એરપોર્ટ, ન્યુ રેસકોર્ષ, મેટોડા, કન્ટેનર ડેપો સહિતની જગ્યા આવરી લેવાઈ

રાજકોટ તા.૨૫ :. રાજકોટ તાલુકા સહિત કુલ ૪ તાલુકામાં પ્રજાલક્ષી અને મંડળ સોસાયટીને ફાયદાકારક તથા સરકારની જે વિકાસ યોજના છે તેને ગતિ આપવા કુલ ૨૦ લોકેશનની જગ્યા ઉપર સર્વે સંદર્ભે સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે, અને આ જમીન જે તે સરકારી તંત્રને આપવા સંદર્ભે અને લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ હોય તો તે દુર કરવા અંગે નાયબ મામલતદારોની ૪ ટીમો આજથી સર્વે કરી રીપોર્ટ કરશે.

અને બાદમાં ધડાધડ તે અડચણો-મુશ્કેલીઓ દુર કરી ઝડપથી જમીનો આપી દેવાશે તેમ ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાનીએ ''અકિલા''ને જણાવ્યું હતું.

કલેકટર શ્રી રાહુલ ગુપ્તાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ઉપરાંત કોટડાસાંગાણી, લોધીકા અને પડધરી આ ૪ તાલુકાના ૨૦ લોકેશન પસંદ કરી સ્થળ તપાસ શરૂ કરી દેવાઇ છે.

ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની અને તેમના અધિકારીઓ હિરાસર એરપોર્ટ, ન્યુ રેસકોર્ષ, મેટોડામાં ઓટો એન્સેલેરી પાર્ક અને રેલ્વે કન્ટેનર ડેપોની જગ્યા અંગે રીવ્યુ કરશે, જયારે ૪ નાયબ મામલતદારો સર્વશ્રી રૈયાણી, નથવાણી, રાઠોડ અને કાલીમાની ટીમો અન્ય તાલુકામાં અર્વે કરશે, આમાં કોર્પોરેશન માટે કોઠારીયામાં રીફયુલ ટ્રાન્સફર માટે જગ્યા, આણંદપરમાં રૂડાએ ઇસીઆર બનાવવા માટે માંગેલ જગ્યા, પાણી પુરવઠા બોર્ડ ૪ સ્થળે સમ્પ બનાવવા માટે માંગેલ જગ્યા, કોઠારીયામાં જેટકો દ્વારા નવું ૬૬ કેવી. સબસ્ટેશન માટે માંગેલ જગ્યા સહિતના લોકેશનનો સમાવેશ થાય છે.  ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાનીએ ઉમેર્યુ હતું કે, એરપોર્ટની ૨૫૦૦ એકર, ન્યુ રેસકોર્ષની ૨૦૦ એકર તથા અન્ય ૩૦૦ એકર મળી કુલ ૩ હજાર એકર જમીન અપાઇ છે.(૨-૧૩)

(3:37 pm IST)