Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન : ગુજરાતમાં ભારે વરસાદ પડશે

અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ ઉપર છવાયુ : વિવિધ ફોરકાસ્ટ મોડલોમાં મતમતાંતર : દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તા.૨ જુલાઈ સુધી ૧૦ સે.મી. (૪ ઈંચ કે તેનાથી વધુ) : સૌરાષ્ટ્રમાં ૫૦ ટકા વિસ્તારોમાં ૫ થી ૮ સે.મી. (૨ થી ૩ ઈંચ) અને બાકીના સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાપટાથી ૫ સે.મી. (૨ ઈંચ) સુધી વરસાદ પડશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા.૨૫ : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયુ છે. અનેક શહેરોમાં છૂટોછવાયો વરસવાનું ચાલુ થઈ ગયુ છે. સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં મેઘસવારીએ જમાવટ કરી છે ત્યારે વિવિધ ફોરકાસ્ટ મોડલોમાં મતમતાંતર હોવાનું જણાવી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે આજથી તા.૨ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ૧૦ સે.મી. એટલે કે ૪ ઈંચ કે તેનાથી વધુ જયારે સૌરાષ્ટ્રના ૫૦ ટકા વિસ્તારોમાં ૫ થી ૮ સે.મી. (૨ થી ૩ ઈંચ) અને બાકીના સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાપટાથી ૫ સે.મી. (૨ ઈંચ) સુધી વરસાદ પડશે તેમ જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગઈકાલે ૨૧ ડિગ્રી નોર્થ અરબીમાં વેરાવળ, અમરેલી, અમદાવાદ, ખંડવા (એમપી)માં અરબીની પાંખ આગળ ચાલી હતી. જો કે આજ સવાર સુધીમાં ગુજરાતના ૨૫૧ તાલુકામાંથી ૮૦ તાલુકામાં કોઈ વરસાદ થયો નથી તેમજ ૧૨૭ તાલુકામાં ૫ સે.મી.થી ઓછો વરસાદ થયો છે. ૩૬ તાલુકામાં ૫ સે.મી.થી વધુ એક તાલુકામાં ૨૫ સે.મી.થી વધુ પડ્યો છે.

સામાન્ય રીતે હવામાન ખાતુ ચોમાસુ જાહેર કરે ત્યારે ચોમાસુરેખા દોરવામાં કયારેક કોઈ વિસ્તારમાં નહિવત કે ઓછો વરસાદ પડ્યો હોય તે વિસ્તાર આવરી લેતો હોય કારણ કે ચોમાસુરેખા સળંગ ખેંચવી પડતી હોય આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડમાં આગળ વધ્યુ છે. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અરબીની પાંખ આગળ વધી નથી. આજે સેટેલાઈટ ઈમેજમાં ભરૂચથી આણંદ સુધી અને ભાવનગરમાં ઘટ્ટ વાદળસમૂહો બપોરે ૨ વાગ્યે છવાયેલા છે. જે વરસાદી વાદળો છે. એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી લંબાય છે. તે સિવાય એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે છવાયેલ છે. જેનું સરકયુલેશન બહોળા સ્વરૂપે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જીલ્લો અને સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો છે. બાકીના વિસ્તારોમાં છૂટોછવાયો અને અન્ય સેન્ટરોમાં વરસાદ પડ્યો નથી. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થયેલ છે. મધ્ય ગુજરાતમાં પણ ચાલુ છે.

હાલમાં વિવિધ ફોરકાસ્ટ મોડલોમાં મતમતાંર છે અને વિવિધ ફોરકાસ્ટ મોડલ પૈકી જીએસએફ ફોરકાસ્ટ મોડલ મુજબ હાલ વરસાદ પડી રહ્યો છે. તા.૨૫ જૂનથી ૨ જુલાઈ સુધીની આગાહી કરતા અશોકભાઈ જણાવે છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક ૧૦ સે.મી. (૪ ઈંચ કે તેથી વધુ) વરસાદ પડશે. જયારે કચ્છને લાગુ વિસ્તારમાં ઓછો પડશે. સૌરાષ્ટ્રમાં ૫૦ ટકા વિસ્તારોમાં ૫થી ૮ સે.મી. (૨ થી ૩ ઈંચ) અને બાકીના સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાપટાથી માંડી ૫ સે.મી. એટલે કે ૨ ઈંચ સુધી વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર માટે આશાસ્પદ હોય તે એક જ ફોરકાસ્ટ મોડલ છે કેનેડિયન. પરંતુ હાલ જીએસએફ મુજબ ચાલે છે. વિવિધ ફોરકાસ્ટ મોડલમાં વેરીએશન હોય આગાહીના વચ્ચેના સમયગાળામાં વધુ આગાહી અપાશે.

(3:31 pm IST)