Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સિવિલ હોસ્પિટલમાં અનેક કારણોસર દર્દીઓની હાલત પડ્યા પર પાટા જેવી!

ડો. મનિષ મહેતા દર્દીઓને સુવિધા મળે એ માટે સતત સક્રિય આમ છતાં... : અમુક દવાની અછતઃ લેબોરેટરીમાં મહત્વના ટેસ્ટ નથી થતાં: ૭ નંબરમાં એકસ-રે મશીન બંધ, આઇસીયુમાં ઇકો મશીન બંધઃ સોનોગ્રાફી માટે અઠવાડીયા પછીની તારીખઃ જીવદયા પ્રેમીની કલેકટરને રજૂઆત

રાજકોટ તા. ૨૫: સિવિલ હોસ્પિટલમાં તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા દર્દીઓને તમામ સુવિધા મળી રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. આમ છતાં દર્દીઓને અનેક કારણોસર મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેના કારણે ગરીબ દર્દીઓની હાલત પડ્યા પર પાટુ જેવી થાય છે.

કલેકટરશ્રીને આ બાબતે જીવદયા પ્રેમી મુકેશ ખોયાણીએ એક લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગમાં વિટામીન બી-૧૨, વિટામીન બી-૨ કે જે લોહીની ટકાવારીના રિપોર્ટ છે તેને સ્પેશિયલ ટેસ્ટ કહેવામાં આવે છે તે થતાં નથી. આ રિપોર્ટની કીટ દોઢ વર્ષથી ઉપલબ્ધ નથી. ખાનગી લેબોરેટરીમાં આવા રિપોર્ટની ફી રૂ. ૧૪૦૦ કે તેથી વધુ હોય છે. ગરીબ દર્દીઓને ગમે તેમ કરીને આવા રિપોર્ટ કરાવવા બહાર જવું પડે છે.

બીજી તરફ દવા વિભાગમાં માનસિક રોગની દવા, ચામડી માટેનું લોશન ત્રણ મહિનાથી ઉપલબ્ધ નથી. નવી ઓપીડીમાં ઓર્થોપેડિક વિભાગમાં ૭ નંબરમાં એકસ-રે મશીન બે મહિનાથી બંધ છે. આ કારણે ના છુટકે ભાંગ-તૂટ થઇ હોય તેવા દર્દીઓને ગમે તેમ કરીને પોલીસ ચોકી પાસે ૨૧ નંબરમાં એકસ-રે માટે ધક્કો થાય છે. આઇસીયુમાં ઇકો મશીન સાત મહિનાથી બંધ છે. આ કારણે રોજ સાતથી દસ દર્દીને બહાર રિપોર્ટ કરાવવા જવું પડે છે જેની ફી રૂ. ૧૫૦૦ જેવી થાય છે.

પેટ દર્દ સહિતમાં જરૂરી સોનોગ્રાફી વિભાગમાં પણ દર્દીઓને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. તબિબ તરફથી સોનોગ્રાફી કરાવવાનું લખી અપાય પછી આ વિભાગમાં આવતાં તેને અઠવાડીયા પછી આવજો તેમ કહી તારીખ લખી અપાય છે. તાત્કાલીક સોનોગ્રાફી ન થતાં ગરીબ દર્દીઓને અઠવાડીયા સુધી દર્દ સહન કરવાની અથવા તો ખાનગી હોસ્પિટલમાં જવાની નોબત આવે છે.

આંખ વિભાગમાં કેસબારી ૧૧:૩૦ વાગ્યામાં બંધ કરી દેવામાં આવે છે. આ તમામ પ્રશ્નો વિશે દર્દીઓના હિતમાં ઉકેલ લાવવા કલેકટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે. (૧૪.૧૦)

(12:53 pm IST)