Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

છ માસમાં ૪૩ શખ્સોને પાસા અને ૨૬ને તડીપાર કરાયા

ગુનેગારો સામે પોલીસ કમિશ્નરનું આકરૂ વલણઃ પીસીબી દ્વારા જે તે પોલીસ મથકને મોકલાય છે પાસાની દરખાસ્તઃ લૂંટના ગુનામાં સામેલ ત્રિપૂટી અને મહિલા બુટલેગરને તડીપાર કરાયા

રાજકોટ તા. ૨૫: દારૂ-ચોરી-મારામારી-લૂંટ સહિતના ગુનાઓ આચરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામી જુદી-જુદી જેલમાં ધકેલી દેવાય છે. ગુનેગારો સામે આકરૂ વલણ ધરાવતાં પોલીસ કમિશ્નર અનુપમસિંંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીણા અને ડો. કરણરાજ વાઘેલાએ ગયા વર્ષે સોથી વધુ શખ્સોને પાસામાં ધકેલ્યા હતાં. આ વર્ષે છ મહિનામાં ૪૩ને પાસા તળે જુદી-જુદી જેલમાં મોકલાયા છે અને ૨૬ને તડીપાર કરવામાં આવ્યા છે.

ગઇકાલે ત્રણ શખ્સોને પાસામાં મોકલાયા બાદ આજે ત્રણ શખ્સો અને એક મહિલાને તડીપારનો હુકમ થયો છે. હાઇવે પર એકલ-દોકલ વાહન ચાલકને અટકાવી તમે અકસ્માત કર્યો છે તેમ કહી ઝઘડો કરી પૈસા પડાવતાં અને લૂંટ કરતાં ત્રણ શખ્સો મનિષ ગિરીશભાઇ પાઉં (ઉ.૨૦-રહે. ગાંધીગ્રામ લાખના બંગલા પાછળ કષ્ટ ભંજન મેઇન રોડ), સવજી ઘુસાભાઇ રાતડીયા (ઉ.૩૭-રહે. ઝુંડાળા તા. જસદણ),  નરેન્દ્ર કરૂણાશંકર મહેતા (ઉ.૨૦-રહે. વામ્બે આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૫૫)ને રાજકોટ શહેર-જીલ્લા, સુરેન્દ્રનગર, જામનગર  અને મોરબી જીલ્લામાંથી તડીપારનો હુકમ કરાયો છે. આ ઉપરાંત મહિલા બુટલેગર  ભાનુ ઉર્ફ જીણી ચનાભાઇ પાટડીયા (બેડીપરા શ્રમજીવી સોસાયટી)ને પણ તડીપાર કરવામાં આવી છે.

પાસા તથા તડીપાર માટેની દરખાસ્ત પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ ટીમના હેડકોન્સ. શૈલેષભાઇ રાવલ, રાજેન્દ્રભાઇ ગાયકવાડ, અજયભાઇ શુકલા, અશ્વિનગીરી, ઇન્દ્રજીતસિંહ દ્વારા કરવામાં આવે છે. બાદમાં જે તે પોલીસ મથક દ્વારા કાર્યવાહી થાય છે અને આ દરખાસ્તને પોલીસ કમિશ્નરશ્રી મંજુર કરે છે. (૧૪.૧૦)

(12:52 pm IST)