Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બજરંગવાડીની વ્યાજખોર ફરીદાના કારણે સુહેલ કુરેશી મરવા મજબૂર થયાનું ખુલ્યું: ગુનો નોંધાયો

૬૦ હજારનું ૨૦ ટકા વ્યાજ વસુલતીઃ વધુ વ્યાજ માંગી પતિ-પત્નિને મારી નાંખવાની ધમકી પણ આપતી હતીઃ કંટાળીને ૧૬મીએ સુહેલે આપઘાત કર્યો'તોઃ યુનિવર્સિટીપ ોલીસે મૃતકના પત્નિ બીલકીસ કુરેશીની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨૫: વ્યાજખોરના ત્રાસથી યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્કમાં રહેતાં સુહેલભાઇ હબીબભાઇ કુરેશી (ઉ.૪૧) નામના યુવાને ૧૨/૬ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં આપઘાત કરનારના પત્નિ બીલકીસબેન કુરેશીની ફરિયાદ પરથી બજરંગવાડી ૨૫ વારીયામાં રહેતી ફરીદા દલવાણી નામની વ્યાજખોર મહિલા સામે ગુનો દાખલ થયો છે. આ મહિલા રૂ. ૬૦ હજારનું મહિને અધધધ ૨૦ ટકા વ્યાજ વસુલતી હતી.

યુનિવર્સિટી પોલીસે બીલકીસબેનની ફરિયાદ પરથી ફરીદા દલવાણી સામે આઇપીસી ૩૦૬, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટ ૫, ૪૨, ૪૦ મુજબ ગુનો નોંધ્યો છે. બીલકીસબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે યાજ્ઞિક રોડ પર કાપડની દૂકાનમાં કામ કરતી હતી. તેના પતિ સુહેલ કુરેશી ખીલીના કારખાનામાં કામે જતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. અગાઉ પોતે બજરંગવાડીમાં રહેતાં હતાં. ત્રણેક મહિના પહેલા પતિ સુહેલે આ વિસ્તારના ૨૫ વારીયામાં રહેતી ફરીદા દલવાણી પાસેથી રૂ. ૬૦ હજાર વ્યાજે લીધા હતાં. તેની સામે દર મહિને ૧૨-૧૨ હજાર વ્યાજ ભર્યુ હતું.  બે મહિના વ્યાજ વસુલ્યા બાદ ફરીદાએ હવે મારા ૬૦ હજાર પુરેપુરા પાછા આપી દે તેમ કહી ઉઘરાણી કરી હતી. ત્યારે સુહેલે હાલમાં પૈસા નથી, વ્યવસ્થા થશે એટલે પોતે આપી દેશે તેમ જણાવ્યું હતું.

એ પછી ફરીદા સતત મોબાઇલ ફોન કરીને ધમકાવતી હતી અને કડક ઉઘરાણી કરતી હતી. સુહેલ પાસે પૈસા ન હોઇ તેના દ્વારા વાયદા અપાતા હતાં. ૧૨/૬ના બીલકીસબેન નોકરીએ ગયા હોઇ અને પતિને ત્યાંથી ફોન કરતાં ફોન સતત બંધ આવતો હઇ પડોશી મારફત તપાસ કરાવતાં સુહેલે ફાંસો ખાઇ લીધાની ખબર પડી હતી. ફરીદાએ વ્યાજ માટે સતત ઉઘરાણી કરી ત્રાસ આપતાં તે મરવા મજબૂર થયાનું બીલકીસબેને ફરિયાદમાં જણાવ્યું છે.

આપઘાત પૂર્વે સુહેલ, તેના મોટા ભાઇ હબીબભાઇ અને ભાભી ફાતીમાબેન સાથે મળી ફરીદાના ઘરે ગયા હતાં. તે વખતે સુહેલ ગભરાઇ જતાં રસ્તામાંથી જ પાછો વળી ગયો હતો. પોતાને ફરીદા મારશે અને ગાળો દેશે તેવા ભયથી તે ભાઇ-ભાભીને તમે જ તેને સમજાવવા જઇ આવો તેમ કહીને પાછળ વળી ગયો હતો. તેના ભાઇ-ભાભીને પણ ફરીદાએ બેફામ ગાળો દીધી હતી અને રૂપિયા નહિ આપો તો સુહેલ અને તેની પત્નિની મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. અંતે કંટાળીને સુહેલે જિંદગી ટૂંકાવી લીધાનું ફરિયાદમાં જણાવાતાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ સહિતે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(12:51 pm IST)