Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કોઠારીયા સોલવન્‍ટ રસુલપરામાં યાસીન ઉર્ફ મુન્‍નો પર હુમલોઃ સોડા બોટલોના ઘાઃ ફાયરીંગની અફવા

પોલીસને બાતમી આપતો હોવાનું કહી બઘડાટી બોલાવાઇ : ફિરોઝ ઉર્ફ ભાઇજાન ઠેબા, નાસીર ઠેબા, ડાડો ઠેબા, સોહિલ ઉર્ફ બંદૂકે હુમલો કર્યાની રાવ

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ કોઠારીયા સોલવન્‍ટ પાસે રસુલપરામાં રાત્રે સંધી મુસ્‍લિમના બે જુથ વચ્‍ચે બઘડાટી બોલી જતાં સોડા બોટલાોના ઘા કરાયા હતાં અને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસને બાતમી આપતા હોવાની શંકા કરી બઘડાટી બોલાવાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રસુલપરા હુસેની ચોકમાં રાતે ધમાલ મચી જતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી. એક તબક્કે તો જુથ અથડામણમાં ફાયરીંગ થયાની વાતો પણ વહેતી થઇ ગઇ હતી. જો કે પોલીસે ઘટના સ્‍થળે જઇ તપાસ કરતાં માત્ર સોડા બોટલોના ઘા થયાનું ખુલ્‍યું હતું. આ બનાવમાં પોલીસે રસુલપરા મસ્‍જીદવાળી શેરીમાં રહેતાં અને સર્વિસ સ્‍ટેશન ચલાવતાં યાસીન ઉર્ફ મુન્‍નો જુસબભાઇ હાલા (ઉ.૩૪)ની ફરિયાદ પરથી ફિરોઝ ઉર્ફ ભાઇજાન, નાસીર ઠેબા, ડાડો ઠેબા, સોહિલ ઉર્ફ બંદૂક સામે આઇપીસ ૩૩૭, ૫૦૬ (૨), ૪૨૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે.

યાસીન ઉર્ફ મુન્‍નોએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે હુસેની ચોકમાં હતો ત્‍યારે ફિરોઝ ઉર્ફ ભાઇજાન સહિતે અટકાવી તું પોલીસને કેમ બાતમી આપે છે? તેમ કહી હુમલો કર્યો હતો. સોડા બોટલોના ઘા કરતાં ઓફિસનો કાચ ફુટી ગયો હતો. હુમલાથી બચવા ભાગવા જતાં ઇજા થઇ હતી. આ વખતે રાજુ વલીભાઇ સંધી ત્‍યાંથી નીકળતાં તેને પણ ઇજા થઇ હતી. અગાઉ માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું ખુલ્‍યું હતું. પીએસઆઇ મોરવાડીયા અને રાઇટર વિજયભાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(5:03 pm IST)