Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કોઠારીયા રોડ જુના હુડકોના પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્ર સંકેત રાવલની ૪ શખ્‍સો દ્વારા હત્‍યાનો પ્રયાસ

પડોશી જય કુબાવતે ‘તું મારી પત્‍નિની છેડતી કેમ કરે છે?' એવો આરોપ મુકી છરી, તલવાર, પાઇપના ઘા કર્યા:પડોશી જયએ સંકેતના ત્રણ ટુવ્‍હીલર રોડ પર મુકી દઇ પોતાની કાર પાર્ક કરી દીધી હોઇ તેની ઘરે સમજાવવા જતાં ડખ્‍ખો થયો'તોઃ ખાર રાખી ફોન કરી બોલાવી સંકેત તૂટી પડયાઃ ભક્‍તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૫: શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકીની બાજુમાં ખોડિયાર હોટેલ પાછળ જુના હુડકો ક્‍વાર્ટર નં. ૯૭માં રહેતાં અને પિતા સાથે ઇ-સ્‍ટેમ્‍પીંગનું બહુમાળી ભવન ખાતે કામ કરતાં સંકેત રાજેશભાઇ રાવલ (બ્રાહ્મણ) (ઉ.૩૨) નામના યુવાન પર સાંજે કોઠારીયા રોડ હુડકો ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપ નજીક ડિલક્‍સ પાન સામે તેના જ પડોશી જય પરેશભાઇ કુબાવત અને અજાણ્‍યા ત્રણ શખ્‍સોએ છરી, તલવાર તથા પાઇપથી હુમલો કરી પેટ, છાતી, કાનના ભાગે ઇજાઓ કરી હત્‍યાનો પ્રયાસ કરતાં સંકેત સારવાર હેઠળ છે. પડોશી સાથે વાહન પાર્કિંગ મામલે ચડભડ થઇ હોઇ તેનો ખાર રાખી પડોશી જયએ ફોન કરી વાત કરવા બોલાવ્‍યા બાદ ‘તું કેમ મારી પત્‍નિની છેડતી કરે છે?' તેવો આરોપ મુકી હુમલો કરાયો હતો.

સંકેતને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિ નગર પોલીસે હોસ્‍પિટલે પહોંચી સંકેતની ફરિયાદ પરથી જય કુબાવત અને ત્રણ અજાણ્‍યા આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપીએક્‍ટ ૧૩૫ (૧) હત્‍યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. સંકેત એક બહેનથી મોટો છે. તેના માતાનું નામ  મીનાબેન રાવલ છે. તેઓ અગાઉ ૨૦૦૫માં હુડકો વિસ્‍તારમાં કોર્પોરેટર રહી ચુક્‍યા છે. સંકેત પિતા રાજેશભાઇ રાવલ સાથે બહુમાળી ભવન ખાતે ઇ-સ્‍ટેમ્‍પીંગનું કામ કરે છે.

સંકેતે પોલીસને જણાવ્‍યું છે કે ગઇકાલે મેં મારુ બાઇક, મારા માતાનું વેગો ટુવ્‍હીલર અને બહેન ધ્‍યાનીનું પ્‍લેઝર એમ ત્રણ વાહનો અમારા ઘર બહાર છાંયા નીચે પાર્ક કર્યા હતાં. એ પછી પડોશી જય કુબાવત આવ્‍યો હતો અને પોતાને કાર પાર્ક કરવી છે તમારા વાહનની ચાવી આપો તો તેમ કહી ચાવી લઇ ગયો હતો. ત્‍યારબાદ તેણે અમારા વાહનો ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે દૂર રોડ પર રાખી દીધા હતાં અને પોતાની કાર છાંયામાં પાર્ક કરી દીધી હતી.

આથી હું જયની ઘરે તેને આ રીતે વાહનો શું કામ મુકી દીધા? તેમ કહેવા ગયો હતો. પરંતુ જય ઘરે ન હોઇ તેના માતા નીતાબેન અને પત્‍નિ ઉર્વશીબેનને વાત કરતાં જયના માતાએ વાહનો એમ  જ રહેશે તેવું કહી ઝઘડો કર્યો હતો. એ પછી હું મારી ઘરે આવી ગયો હતો. ત્‍યારબાદ સાંજે સવા સાતેક વાગ્‍યે જયએ મને ફોન કરી કોઠારીયા રોડ નાયરા પંપ નજીક ડિલક્‍સ પાન પાસે બોલાવતાં હું ત્‍યાં જતાં તેણે ‘તું કેમ મારી પત્‍નિની છેડતી કરે છે?' તેવો ખોટો આરોપ મુકી ઝઘડો કર્યો હતો અને છરીથી હુમલો કરી ડાબા કાન પાછળ, છાતીના ભાગે જીવલેણ ઇજા કરી હતી અને પેટમાં છરકા જેવી ઇજા પહોંચાડી હતી. જયની સાથે બીજા ત્રણ અજાણ્‍યા શખ્‍સો હતાં તેણે પણ પ્‍લાસ્‍ટીકના પાઇપથી મને હાથ-પગ પર માર માર્યો હતો. એક શખ્‍સ પાસે તલવાર પણ હતી.

પીઆઇ એલ.એલ. ચાવડાની રાહબરીમાં પીએઅસાઇ પી. જી. રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપી જય સહિતને ઝડપી લેવા દોડધામ આદરી છે.

(12:49 pm IST)