Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કાળીપાટ ડબલ મર્ડર કેસમાં ચાર શખ્સોની માનવતાના જામીન રદઃ નવ વર્ષ પહેલા બે યુવકની બે મહિલા સહિત ૧૦ શખ્સોએ હત્યા નિપજાવી 'તી

  રાજકોટઃ તા.૨૫,  રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વેના ચકચારી ડબલ મર્ડર કેસમાં ચાર શખસોની માનવતાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦-૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવાપ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાનીના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરુધ્ધસિંહ જાડેજાની ફરિયાદના આધારે છગન રધા દુધરેજીયા, ધીરુ રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુંનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા.

હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા છગન, ધીરુ, સુરેશ અને દિનેશ દુધરેજીયાએ માનવતાની જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિક દલીલ બાદ મુળ ફરિયાદીના વકિલ તેમજ સ્પે. પીપી અનિલભાઇ દેસાઇએ કરેલી ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે, જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેશન્સ જજ યુ.ટી. દેસાઇએ ચારેય શખસોની માનવતાની જામીન અરજી નામંજૂર કરી છે.

મુળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી તેમજ સ્પે. પીપી તરીકે અનિલ દેસાઈ રોકાયા છે.

(3:48 pm IST)