Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજકોટ સિવિલમાં કોરોનાની કામગીરી કરતા તબીબોને અમદાવાદ મોકલવાના સરકારના આંધળુકીયા નિર્ણયથી રોષ

રેસીડેન્ટની જેમ સિનિયર પ્રોફેસરોને ૧૦ દિવસ ફરજના હુકમ... પરત આવ્યે કોરોન્ટાઇન થવાનું : સરકારે IMA નિર્દીષ્ટ ખાનગી સ્થાનિક તબીબોની સેવા લેવી જોઇએ

રાજકોટ તા. ૨૫ : કોવિડ-૧૯ની મહામારીના યુધ્ધા દર્દીની સારવાર કરતા તબીબોની હાલત કફોડી બની રહી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના અણધણ આંધળુકીયા નિર્ણયને કારણે ગુજરાતભરમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ અમુકે તો રાજીનામા ફગાવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કોવિડની કામગીરી કરતા બે પ્રોફેસર સહિત રેસીડેન્ટ તબીબોને અમદાવાદ ૧૦ દિવસ માટે ફરજ બજાવવાનો હુકમ કરતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સરકારના આ નિર્ણયથી તબીબોમાં ભારે કચવાટ જોવા મળે છે. દુરંદેશી દૃષ્ટિનો અભાવ હોય તેમ રાજકોટમાં કોવિડ-૧૯ની સારવાર કરતા તબીબોને અમદાવાદ મોકલવામાં આવતા શું સ્થિતિ થાય તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર કરતા તબીબો અમદાવાદ ફરજ બજાવીને પરત અને બીજા તબીબોને મોકલવામાં આવે તો અમદાવાદથી પરત ફરનાર તબીબોને કોરોન્ટાઇન કરવા પડે. આ સ્થિતિમાં રેસીડેન્ટ તબીબો અને સિનિયર તબીબોની ભારે ખેંચ પડશે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરતા પીડીયુ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા ૧૧ પ્રોફેસરો છે. આ ૧૧ પર મેડીસીન વિભાગના ૬ યુનિટ સહિત કોવિડ હોસ્પિટલની પણ જવાબદારી સંભાળે છે. બે સિનિયર પ્રોફેસરોને અમદાવાદ ફરજ પર મોકલવામાં આવ્યા છે. હાલ અમદાવાદ ગયેલા પ્રોફેસરો પરત ફરજ બાદ બીજા બે પણ જશે. અમદાવાદથી પરત ફરતા તબીબોને કોરોન્ટાઇન કરાશે તો આ સ્થિતિમાં માત્ર ૭ જ પ્રોફેસર વધશે. તેઓ ૩ શીફટમાં કામ કરે તો પણ પહોંચી ન શકે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોને અમદાવાદ મોકલાય છે જ્યારે અન્ય જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી તબીબોના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યા છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આઇએમએ ખાનગી તબીબોની પણ સેવા સ્થાનિક કક્ષાએ લેવા નિર્દિષ્ટ કર્યો છે છતાં  સ્થાનિક કક્ષાએથી ડોકટરો લેવાના બદલે રાજકોટના સરકારી હોસ્પિટલના તબીબોને ફરજ સોંપવાનો નિર્ણય અયોગ્ય હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

(3:46 pm IST)