Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોનામાં રાજકોટનો રિકવરી રેટ ૯૨.૭% : રાજ્યમાં ૯માં સ્થાને

રાજકોટવાસીઓ કોરોના યોધ્ધા બની રહ્યા છે : નિયમોનો સંયમપૂર્ણ અમલ : ગઇકાલે ૧૧ વ્યકિતઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ : સરકારી કોરોન્ટાઇન હેઠળ ૧૬૭ વ્યકિતઓ : ૭૯ પોઝિટિવમાંથી ૭૩ સાજા થયા : ૫ દર્દી સારવાર હેઠળ : ૧ મૃત્યુ

રાજકોટ તા. ૨૫ : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે રાજકોટના રહેવાસીઓએ કોરોના સંક્રમણથી બચવા માટે સરકારે જાહેર કરેલા નિયમોનો સંયમપૂર્વક અમલ કરવામાં પાછી પાની નથી રાખી તેના પરિણામ સ્વરૂપ આજની સ્થિતિએ રાજકોટમાં કોરોનાનો રિકવરી રેટ ૯૨.૭૪ ટકા થઇ ગયો છે અને કોરોનાના કેસની સ્થિતિમાં એક તબક્કે સમગ્ર ગુજરાતમાં ત્રીજુ સ્થાન ધરાવતુ રાજકોટ આજે ૯માં સ્થાને પહોંચી ગયું છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કોવિડ-૧૯ પેઇજ ઉપર નોંધાયેલ આંકડાઓ મુજબ રાજકોટમાં આજની સ્થિતિએ કુલ ૭૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૭૩ વ્યકિતઓ સાજા થઇને ઘરે પહોંચ્યા છે. એક માત્ર વૃધ્ધાનું મૃત્યુ થયું છે. આમ રાજકોટનો રિકવરી રેટ ૯૨.૭૪ ટકા સુધીનો છે. હાલમાં શહેરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં માત્ર ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે એકી સાથે ૧૧ વ્યકિતઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

જ્યારે સમરસ હોસ્ટેલમાં ૧૩૧ અને ખાનગી હોટલોમાં ૩૬ એમ કુલ ૧૬૩ વ્યકિતઓ સરકારી ફેસેલીટી કોરોન્ટાઇન હેઠળ છે.

નોંધનિય છે કે રાજકોટમાં જે પોઝિટિવ ૭૯ કેસ નોંધાયા છે તેમાં ૫૦ પુરૂષ અને ૨૯ મહિલાઓનો સમાવેશ થાય છે.

આમ, રાજકોવાસીઓ કોરોના સામે લડવા માસ્ક પહેરવો, સેનેટાઇઝ થવું, કામ વગર બહાર ન નિકળવું, સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરે નિયમો મોટાભાગે પાળી રહ્યા છે અને વેપાર-ધંધા પણ એકી-બેકી મુજબ તંત્રએ નક્કી કરેલા સમય મુજબ ખોલી રહ્યા છે.

આથી જ લોકડાઉનમાં છુટછાટ છતાં કોરોના કંટ્રોલમાં છે. જે કેસ નોંધાઇ રહ્યા છે તેમાં બહારગામથી આવેલા અને સરકારી કોરોન્ટાઇન હેઠળ રહેલા વ્યકિતઓમાંથી જ પોઝિટિવ મળી રહ્યા છે. જો શહેરીજનો સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, સેનેટાઇઝર વગેરે નિયમોનો આ પ્રકારે જ ચુસ્ત અમલ કરતા રહેશે તો શહેર કોરોના મુકત થઇ જાય તે દિવસો હવે દુર નથી.

આમ, રાજકોટવાસીઓ હવે કોરોના સામે લડતા શીખી ગયા છે અને કોરોના યોધ્ધા બની રહ્યા છે તે શહેરના કોરોના રિકવરી રેટના આંકડાઓ પરથી સાબિત થઇ રહ્યું છે.

(2:51 pm IST)