Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉનમાં પ્રશંસનિય ફરજ બજાવનાર જયદિપસિંહ એચ. સરવૈયા સહિત ૯ એસીપીની પીઠ થાબડતા મનોજ અગ્રવાલ

સમગ્ર મુસ્લિમ સમાજે પોલીસની અપિલ ધ્યાને લઇ ઘરમાં જ ઇદ ઉજવી તેની સરાહનાઃ સોને ઇદ મુબારક પણ પાઠવ્યા

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે અને તેનું સંક્રમણ ફેલાતુ અટકે તે માટે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ગુજરાત રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામાં નિયમો

છૂટછાટ આપવામાં આવી છે. લોકડાઉનના સમયમાં લોકો કારણ વગર બહાર ન નીકળે અને સંક્રમણ ફેલાવવામાં ભાગ ન ભજવે એ હેતુથી શહેર પોલીસમાં ફરજ બજાતાં તમામ ૯ એસીપીશ્રીઓનું પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે આજે સન્માન કર્યુ છે. લોકડાઉનનો ભંગ કરનારા લોકોને પકડવા બદલ તથા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી અલગ-અલગ અભિગમ અપનાવી પોતાની ટીમોનું સુપરવિઝન કરી દિવસ રાત યોગ્ય પોલીસ બંદોબસ્ત જળવાઇ રહે તે માટે સતત પ્રશંસનિય કામગીરી એસીપીશ્રીઓએ પોતાના તાબાના પોલીસ ઇન્સ્પેકટર્સ અને ટીમો સાથે મળીને કરી છે. આ તમામનું આજે સન્માન કરાયું છે.

જેમાં એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડ, એસીપી પશ્ચિમ પી. કે. દિયોરા, એસીપી ઉત્તર એસ.આર. ટંડેલ, એસીપી દક્ષિણ જે. એસ. ગેડમ, એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા, એસીપી પોલીસ હેડકવાર્ટર જી. એસ. બારીયા, એસીપી એસસીએસટી સેલ એસ. ડી. પટેલ અને એસીપી સાયબર ક્રાઇમ જી. ડી. પલાસણાનો સમાવેશ થાય છે.

પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે આજે રમઝાન ઇદની ઉજવણી ઘરે રહીને કરનારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરોને પણ શુભકામના પાઠવી હતી. અગાઉથી જ પોલીસે ઇદની ઘરે રહીને ઉજવણી કરવા અપિલ કરી હતી તેમાં પણ તમામ મુસ્લિમ સમાજે  સહકાર આપ્યો છે અને આ જાગૃતિ લાવવામાં શેહર પોલીસ અધિકારીઓ અને તમામ કર્મચારીઓએ પણ સારી કામગીરી કરી હોઇ તેમને પણ શ્રી અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતાં. તસ્વીરમાં એસીપીશ્રીઓનું સન્માન કરતાં પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ તથા તમામ એસીપીશ્રીઓ નજરે પડે છે.

(2:27 pm IST)