Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પતિ 'ભવાઇ' જોવા ગયો ને ઓસરીમાં સુતેલી પત્નિ પર દિનેશ પટેલની 'તવાઇ': છરીની અણીએ દૂષ્કર્મ

અઢી મહિના પહેલા રાત્રીના સમયે ઘરમાં ધુસી બળજબરી આચરી ભાગી ગયો પછી આજથી દસેક દિવસ પહેલા બપોરના સમયે ફરીથી આવુ કર્યુુ: અંતે મહિલાએ પતિને જાણ કરતાં વાત પોલીસ સુધી પહોંચીઃ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યોઃ ત્રણ સંતાનની માતા ભોગ બનીઃ હવસખોર અપરિણિતઃ પોલીસે સકંજામાં લેવા તજવીજ આદરી

રાજકોટ તા. ૨૫: કુવાડવા પંથકના એક ગામમાં રહેતી ત્રણ સંતાનની માતા ૩૦ વર્ષિય પરિણિતાના ઘરમાં ઘુસી પટેલ શખ્સે છરી બતાવી ત્રણ મહિનામાં બે વખત બળાત્કાર ગુજારી લેતાં મામલો કુવાડવા પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા અઢી મહિના પહેલા રાત્રીના ઓસરીમાં સુતી હતી ત્યારે પતિ ભવાઇ જોવા ગયા હોઇ તે વખતે પટેલ શખ્સ ઘુસી આવ્યો હતો અને બળજબરી કરી ભાગી ગયો હતો. એ પછી આજથી દસેક દિવસ પહેલા આવી જ રીતે બપોરના સમયે ઘરમાં ઘુસી ઓસરીમાં બળાત્કાર ગુજારી ભાગી ગયો હતો.

કુવાડવા પોલીસે આ મારામાં ભોગ બનનાર પરિણિતાની ફરિયાદ પરથી સાયપર ગામના દિનેશ ગોબરભાઇ કિયાડા (પટેલ) સામે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ છરીની અણીએ ધમકી આપી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે. ૩૦ વર્ષિય પરિણિતાએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. તેમજ પરિવારને મદદરૂપ થવા છુટક મજૂરી કામ પણ કરુ છું. મારે ત્રણ સંતાન છે. આજથી અઢી માસ પહેલા ગામમાં ભવાઇ રમવા માટે કલાકારો આવ્યા હતાં. આ વખતે મારા પતિ રાત્રે દસેક વાગ્યે ભવાઇ જોવા ગયા હતાં. મારા બે સંતાન પણ સાથે ગયા હતાં. એક નાની દિકરી મારી સાથે રૂમમાં સુઇ ગઇ હતી. હું મકાનની ઓસરીમાં ખાટલા પર સુતી હતી. લગભગ રાત્રીના સાડા અગિયારેક વાગ્યા આસપાસ દિનેશ ગોબરભાઇ કિયાડા જે પટેલ જ્ઞાતિનો છે તે આવીને મારા પર સુઇ ગયો હતો. મેં તેને હટાવવાનો પ્રયાસ કરતાં તેણે 'જેમ છો એમ જ સુતી રહેજે નહિતર મારવી પડશે' તેમ કહી છરી બતાવી હતી. આથી હું ડરી ગઇ હતી અને તેણે પરાણે મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. એ અડધો કલાક રોકાયો હતો અને બાદમાં જતો રહ્યો હતો.

હું ખુબ ડરી ગઇ હતી. રાત્રીના બે વાગ્યા આસપાસ મારા પતિ અને બાળકો ભવાઇ જોઇને આવ્યા હતાં. મેં ત્યારે પતિને વાત કરી નહોતી. એ પછી ૧૫/૫ના બપોરના સમયે હું ફળીયામાં પાણી ભરતી હતી ત્યારે મારા પતિ ઘરે નહોતાં. એક સંતાન બહાર રમવા ગયેલ અને બે સંતાન રૂમમાં સુઇ ગયા હતાં. આ વખતે દિનેશ કિયાડા ઘરે આવ્યો હતો અને ફરીથી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી ઓરસીમાં જ શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્યારે પણ ધમકી આપી હતી કે જોઇ કોઇને કહીશ તો તારા પતિને જાનથી મારી નાંખીશ. બીકને કારણે મેં આ વખતે પણ કોઇને જાણ કરી નહોતી. દરમિયાન આજથી પાંચેક દિવસ પહેલા મેં મારા પતિને આ બનાવની જાણ કરી દીધી હતી. જેથી તેણે અમારા કુટુંબીજનો સાથે વાતચીત કરી હતી. તેમજ સરપંચને પણ બનાવની જાણ કરી હતી. બધાએ મળી દિનેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનું કહેતાં હવે અમે ફરિયાદ નોંધાવી છે. ત્રણ મહિનામાં દિનેશે બે વખત ઘરમાં ઘુસી છરીની અણીએ બળજબરી કરી લીધાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.  ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એમ.સી. વાળા, રાઇટર હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સહિતે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. દૂષ્કર્મ આચરનાર પટેલ શખ્સ અપરિણિત હોવાનું જાણવા મળ્યું છે. (૧૪.૬)

(11:44 am IST)