Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વોર્ડ નં.૧૧માં ગંદા પાણીનું વિતરણ : આંદોલનની ચીમકી

ગીરનાર સોસા., લાભદીપ સોસા., પ્રજાપતિ સોસા. સહિત અનેક વિસ્તારોમાં રોગચાળાનો ભય : અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં : કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહનો આક્ષેપ

રાજકોટ, તા. રપ : ઉનાળાની સીઝનમાં પાણીની માંગમાં  વધારો થઇ રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં ધીમા ફોર્સ અનિયમીત તથા ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે વોર્ડ નં.૧૧ના વિસ્તારમાં છેલ્લા સમયથી ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યાની અને આ સમસ્યાનો તાતકાલીક ઉકેલ લાવવા વોર્ડ નં.૧૧ના કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ દ્વારા માંગ કરવામાં આવી છે. સાથોસાથ આ પ્રશ્નો તાકીદે ઉકેલ નહિ આવે તો તેઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહે  જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧૧માં સમાવેશ થતો વિસ્તાર પટેલનગર સોસા.માં ઘણા લાંબા સમય થયા ગંદા પાણીની વિતરણની ફરીયાદ હોય આ બાબતે રા.મ્યુનિ. કોર્પો.માં અનેકવાર ફરીયાદ કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારના ગીરનાર સોસા., લાભદીપ સોસા. પ્રજાપતિ સોસા. જેવી અનેક સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવે છે.

કોર્પો. તંત્ર નિદ્રાધિન હોય તેમ આ ફરીયાદના નિકાલ થતો નથી તેવો આક્ષેપ ઘનશ્યામસિંહએ કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ઉપરોકત બન્ને ફરીયાદનો નિકાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની મહિલાઓને સાથે રાખીને રા.મ્યુનિ. કોર્પો. ખાતે હલ્લાબોલ સાથે માટલા ફોડ કાર્યક્રમ યોજવામાં આવશે. તેવી ચીમકી ઘનશ્યામસિંહ દ્વારા  ઉચ્ચારવામાં આવી છે.

(3:44 pm IST)