Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

તોતીંગ ફી લેતી ખાનગી શાળાઓ કરતા કોર્પોરેશનની શાળાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ખૂબ ઉંચુ..કિર્તીમાન

રાડ બોલાવતી ફી કરતા નજીવી રકમથી શિક્ષણ સાર્થક થયું : કોર્પોરેશનની હાઈસ્કૂલના કુલ ૧૮ વિદ્યાર્થીઓને ૯૦ પી.આર.થી વધુ : મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયની પ્રજ્ઞાચજ્ઞુ સ્વાતી જોગીયા શાળામાં તૃતીય : મ્યુ. કોર્પોરેશન સંચાલીત પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ, મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય તથા સરોજીની નાયડુ ગર્લ્સ સહિત ૩ સ્કૂલોનું ૯૩.૭૫ની ૬૧.૨૯ ટકા પરિણામઃ મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયના પરિણામમાં અધધ... ૪૨ ટકા વધારો

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જે ૭૩.૨૭ ટકા આવ્યુ છે. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૩ હાઈસ્કૂલોનું ૯૩.૭૫ ટકાથી ૬૧.૨૯ ટકા જેટલુ ઉંચુ પરિણામ આવ્યુ છે. જેમાં આ હાઈસ્કૂલોમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૪૨ થી ૧૦ ટકા સુધીનો પરિણામમાં વધારો થયો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જે ૭૩.૨૭ ટકા આવ્યુ છે. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયનું ૯૧.૩૦ ટકા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું ૯૩.૭૫ ટકા તથા પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૬૧.૨૯ ટકા પરિણામ આવ્યુ છે. ત્રણેય હાઈસ્કૂલોમાં કુલ ૧૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૯૦થી વધુ પી.આર. મેળવ્યા છે. જ્યારે મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની સ્વાતિ જોગીયાએ ૮૮.૬૪ પી.આર. મેળવી શાળામાં તૃતીય સ્થાન મેળવ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત ૩ શાળાના પરિણામોના આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય

શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયનું ૯૧.૩૦ ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે આ શાળાનું ૫૮.૩૩ ટકા પરિણામ આવ્યુ હતું. આ શાળામાં કુલ ૪૬ વિદ્યાર્થીનીઓ પૈકી ૪૪ વિદ્યાર્થીનીઓ પાસ થયેલ છે. જેમાં શિવાની બારૈયાને ૯૪.૫૯ પી.આર., સીમા બોખાણીને ૯૦.૫ પી.આર. તથા સ્વાતિ જોગીયા ૮૮.૬૪ પી.આર. મળેલ છે.

સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ

અંબાજી કડવા પ્લોટ ખાતે આવેલ સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું ૯૩.૭૫ ટકા પરિણામ આવ્યુ છે. આ શાળામાં કુલ ૪૮ પૈકી ૪૫ વિદ્યાર્થીનીઓ પાસ થયેલ છે. આ શાળામાં સેજલ પરમારે ૯૯.૬૭ પી.આર. સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ છે. જ્યારે પૂજા બગડાને ૯૮.૬૫ પી.આર. સાથે દ્વિતીય તથા રાજવી ચૂડાસમાને ૯૮.૮ પી.આર. સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે. ગત વર્ષે આ શાળાનું ૮૭.૭૬ ટકા પરિણામ આવ્યુ હતું.

પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ

શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલ પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૬૧.૨૯ ટકા પરિણામ આવ્યુ છે. આ શાળામાં કુલ ૯૩ પૈકી ૫૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષે આ શાળાનું ૫૨.૬૩ ટકા પરિણામ આવ્યુ હતું. આજે જાહેર થયેલ પરિણામમાં પ્રવિણ ટૂમટ્રાએ ૯૪.૧૪ પી.આર. મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે તથા અંકુર ઉનાગરને ૯૨.૫૬ પી.આર. સાથે દ્વિતીય તથા મૌલિક ડોડીયાએ ૯૧.૨૦ પી.આર. મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

(3:40 pm IST)