Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સાધુ વાસવાણી રોડ પર ગેરેજમાંથી ૯ લાખની બીએમડબલ્યુ કારની ચોરી

ઉઠાવગીર વંડામાં પ્રવેશી ચાવી લઇ કાર ચાલુ કરી છનનનઃ ગાયકવાડીમાં રહેતાં કાર માલિક હિરેનભાઇ સાવલીયાની ફરિયાદઃ ફૂટેજને આધારે યુનિવર્સિટી પોલીસની તપાસ

રાજકોટ તા. ૨૫: કેવડાવાડી શેરી નં. ૧૪/૫ના ખુણે 'હિરેન' ખાતે રહેતાં હિરેન માવજીભાઇ સાવલીયા (ઉ.૩૪) નામના પટેલ યુવાનની રૂ. ૯ લાખની બીએમડબલ્યુ કાર કોઇ સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે રિપેરીંગમાં આપી હતી ત્યાંથી ચોરી જતાં ફરિયાદ નોંધાવી છે.

હિરેનભાઇની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ એચ.એન. રાયજાદાએ ગુનો નોંધ્યો છે.  હિરેનભાઇ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. તેમણે પોતાની સિલ્વર રંગની બીએમડબલ્યુ કાર જીજે૦૧એચએસ-૮૦૦૩ રૂ. નવ લાખની દસેક દિવસ પહેલા રિપેરીંગ માટે સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસેના ઉમાખોડલ મોટર નામના ગેરેજ ખાતે મુકી હતી. ત્યાંથી ગત રાત્રીના ત્રણથી પાંચ વચ્ચે કોઇ આ કાર ચોરી ગયું હતું. કાર ગેરેજના ડેલાની બહાર રાખવામાં આવી હતી.

ઉઠાવગીર ગેરેજના વંડામાં પ્રવેશ કરી ગાડીની ચાવી લઇ આ કાર હંકારી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલુ થઇ રવાના થઇ એ દ્રશ્ય દેખાય છે, ઉઠાવગીર જોઇ શકાયો નથી. પોલીસે ફૂટેજ ચેક કરી કારચોરની શોધી કાઢવા દોડધામ આદરી છે.

(3:33 pm IST)