Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વ્યાજખોરી સામે લોકદરબારઃ પાંચ કલાકમાં ૨૫૦ ફરિયાદ

અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, બંને ડીસીપી, તમામ એસીપી તથા તમામ પોલીસ ઇન્સ્પેકટર્સની હાજરીમાં ફરિયાદીઓએ વ્યથા ઠાલવીઃ તપાસનો ધમધમાટ : મગનલાલ આઇસ્ક્રીમ પરિવારના અવનીબેન પંકજભાઇ કારીયાના બે ભાઇઓ, માતા, ભાઇના પુત્ર-પત્નિ સહિત પાંચ સ્વજનો એક વર્ષથી લાપતાઃ ૨૪ શખ્સોનો વ્યાજ માટે ત્રાસ હોવાની નામજોગ ફરિયાદઃ વ્યાજખોરીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યાઃ અમુક વ્યાજખોરો કહેતાં પોલીસ કમિશનર સુધી અમારા છેડા છે, અમે છુટી જઇશું: દિકરી પર એસિડ છાંટવાની ધમકીઃ કેન્સર પિડીત યુવાને સારવાર માટે ૬ લાખ લીધા, તેના ૧૯ લાખના દાગીના ચાંઉઃ મશીનરી માટે વ્યાજે નાણા લેનારને ૨૨ શખ્સોનો ત્રાસ

વ્યાજખોરીની બદ્દીને નાબુદ કરવાની નેમ સાથે આજે શહેર પોલીસે વધુ એક વખત લોક દરબાર યોજ્યો હતો. અગાઉ વર્ષ ૨૦૧૭-૧૮માં પણ આવી રીતે લોકદરબાર યોજીને કુલ ૫૪ કેસ દાખલ કરી વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આજે સવારના દસથી બપોરના બે વાગ્યા સુધીમાં એટલે કે પાંચ કલાકમાં ૨૫૦ ફરિયાદો લોક દરબારમાં રજૂ થઇ હતી. જેમાં ૬૦ ટકા નવી ફરિયાદો હતી, ૨૦ ટકા જુની ફરિયાદો હતી જેમાં અસંતોષ હોઇ ફરીથી તપાસ માટે રજૂઆત થઇ હતી તેમજ ૨૦ ટકા ફરિયાદનો તુરત જ નિકાલ કરવાની કાર્યવાહી થઇ હતી. તો અન્ય અમુક ગુંચવણભરી ફરિયાદો-અરજીઓની તપાસ બે દિવસમાં કરીને રિપોર્ટ આપવા ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમને સુચના અપાઇ હતી. તસ્વીરોમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તેમજ તમામ ઝોનના બીજા એસીપીશ્રીઓ, તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ તેમજ બીજો સ્ટાફ અને વ્યાજખોરો સામે ફરિયાદો નોંધાવવા ઉમટી પડેલા લોકો જોઇ શકાય છે. પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ, ડીસીપી શ્રી જાડેજા અને એસીપી શ્રી સરવૈયાએ લોકોને જરાપણ ભય રાખ્યા વગર ફરિયાદ રજૂ કરવા આહવાન કર્યુ હતું (ફોટોઃ સંદિપ બગથરીયા-અહેવાલ ભાવેશ કુકડીયા-અલ્તાફ કુરેશી)

રાજકોટ તા. ૨૫: શહેરમાં સેંકડો લોકો વ્યાજખોરીના અજગર ભરડામાં ફસાઇને હેરાન થઇ રહ્યાની ચોંકાવનારી વિગતો આજે પોલીસે યોજેલા લોકદરબારમાં સામે છે. અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે આજે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલા લોકદરબારમાં બપોરના બે  સુધીમાં એટલે પાંચ કલાકમાં જ ૨૫૦ જેટલી ફરિયાદો પોલીસને મળી છે. મોટા ભાગની લેખિત-મોૈખિક ફરિયાદોને આધારે ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવા અને જરૂર પડ્યે એફઆઇઆર દાખલ કરવા જે તે પોલીસ મથકના ઇન્ચાર્જને સુચના આપી છે. અનેક મજબૂર લોકોના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં શહેરના જાણીતા મગનલાલ આઇસ્ક્રીમ પરિવારના અવનીબેન પંકજભાઇ કારીયાએ ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. તેમના બે ભાઇઓ, માતા, એક ભાઇના પત્નિ અને પુત્ર મળી પાંચ પરિવારજનો વ્યાજખોરોના ત્રાસને લીધે છેલ્લા એક વર્ષથી લાપતા છે. ૨૪ જેટલા શખ્સોના નામજોગ ફરિયાદ આપવામાં આવતાં ગુનો નોંધવા તજવીજ થઇ રહી છે.

શહેરીજનોને વ્યાજખોરીને લગતી સમસ્યામાંથી મુકત કરવા અને આ બદીને નાબુદ કરવા ગયા વર્ષે જ પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતાં. ત્યારથી આજ સુધીમાં કુલ ૩૧ અરજીઓ મળી છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૪ કેસ નોંધાયા હતાં. આ તમામ કેસના ફરિયાદીઓનો પણ ફરીથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને અગાઉની ફરિયાદ બાદ પણ જો કોઇ મુશ્કેલી હોય તો રજૂઆત કરવા જણાવાયું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,  જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી,  ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તેમજ તમામ ઝોનના એસીપી અને તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સની હાજરીમાં આજે સવારે દસ કલાકે જ્યુબીલી બાગના અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટેનો લોકદરબાર શરૂ થયો હતો. સમય કરતાં પણ વહેલા ફરિયાદીઓ પહોંચી ગયા હતાં. સવારના દસથી બપોરના બે સુધીમાં એટલે કે પાંચ કલાકમાં જ ૨૫૦  ફરિયાદો પોલીસને મળી હતી. સવા બે વાગ્યે લોકદરબારમાં એક પણ ફરિયાદી હાજર નહોતાં.

જેમાં સોૈથી ચોંકાવનારી ફરિયાદ મગનલાલ આઇસ્ક્રીમ પરિવારવાળા અવનીબેન પંકજભાઇ કારીયા (રહે. પંચનાથ પ્લોટ-૧૫)ની હતી. તેમણે લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાઇ જતાં તેમના બે ભાઇ સમીરભાઇ, બિરજુભાઇ, માતા, ભાઇનો પુત્ર વિવાન (ઉ.૪) તથા ભાઇના પત્નિ છેલ્લા એક વર્ષથી લાપતા છે! અવનીબેને જણાવ્યું છે કે મારા ભાઇ સમીરભાઇ અને બિરજુભાઇ કેનાલ રોડ પર બિરજૂ એન્ટરપ્રાઇઝ નામે પાઇપ ફિટીંગ્સનો વેપાર કરતાં હતાં. તેમને ધંધામાં મુશ્કેલી આવતાં વ્યાજે નાણા લેવાનું શરૂ કર્યુ હતું. વ્યાજખોરોથી ત્રાસીને આ પાંચેય સ્વજનો એક વર્ષ પહેલા લાપતા થઇ ગયા હતાં અને હાલમાં ફરીથી ગાયબ થયા છે.

મારા ભાઇએ વ્યાજની રકમ ચુકવવા તેની દૂકાન પણ બજાર કિંમત કરતાં ઓછા ભાવે વેંચવી પડી હતી. જેને દૂકાન વેંચી એણે પણ પુરી રકમ આપી નથી. મારા ભાઇ પાસેથી કોરા ચેકો લઇ લેવાયા છે.  દૂકાનનો દસ્તાવેજ કરાવી લેવાયો છે. જે ચોવીસ લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં તેમાં ચેતનભાઇ કારીયા, જયેશભાઇ ડવ, કેતનભાઇ ડવ, અલ્પેશભાઇ આહિર, રમેશભાઇ અગ્રવાલ, અલ્પેશભાઇ શહેરાવાળા, પપ્પુભાઇ, રમેશભાઇ રજપૂત, અનિલભાઇ પોપટ, અભીભાઇ, રમણિકભાઇ સોની, પ્રકાશભાઇ શાહ, મુકેશભાઇ દાસાણી, ભાટીભાઇ, જયદિપભાઇ પાદરીયા, ભાવેશભાઇ સોની, પ્રકાશભાઇ, ભુપતભાઇ, છગનભાઇ, પિયુષભાઇ શિયાણી, રણછોડભાઇ, રવિભાઇ બટેટાવાળા, અનિલભાઇ પોપટ, જીતેન્દ્રભાઇ ઉપાધ્યાય, પ્રવિણભાઇ વેકરીયા સહિતના નામો સામેલ છે.

અવનીબેને અંતમાં જણાવ્યું છે કે તમામ શખ્સોના કારણે મારા ભાઇઓ, માતા, ભાભી સહિતના પરિવારજનો ગામ છોડવા મજબૂર થયા છે. આ લોકોના ત્રાસમાંથી મુકિત અપાવવા અરજ છે.

અન્ય કિસ્સાઓમાં લક્ષ્મીવાડી-૧૪/૪માં રહેતાં અલ્કાબેન અનિલભાઇ પરમાર (ઉ.૫૫)એ ૧૨ જેટલા શખ્સો સામે લેખિત ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું હતું કે મારા દિયરની બિમારીની સારવાર કરાવવા મારા પતિએ જુદા-જુદા લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જેમાં મેઘદુતભાઇ પરમાર પાસેથી રૂ. ૧ લાખ લીધા હોઇ તેને ત્રણ લાખ ચુકવ્યા છતાં રૂ. ૨૦,૫૦,૦૦૦ની માંગણી કરે છે. આ જ રીતે અન્ય શખ્સો પણ વ્યાજની માંગણી કરી મારી યુવાન દિકરી પર એસિડ ફેંકવાની ધમકી આપે છે.

વ્યાજની ઉઘરાણી કરનારા એવી ધમકીઓ આપે છે કે પોલીસ કમિશનર સુધી અમારા છેડા છે, અમે આરામથી છુટી જઇશું. સખત ઝનૂની સ્વભાવના આ શખ્સોના ત્રાસથી અમે સતત ફફડી રહ્યા છીએ. અમારી દિકરીની આબરી પણ જોખમમાં છે. મારા પતિએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

નવા થોરાળાના ખુશાલ ગોવિંદભાઇ સોલંકી (ઉ.૩૪) નામના યુવાને ફરિયાદ કરી હતી કે મેં ૨૦૧૨માં કેન્સરની બિમારીની સારવાર માટે દાગીના ગિરવે મુકી ૬ લાખ રૂ. અભિષેક મોહનભાઇ, રસિક મોહનભાઇ પાટડીયા અને ધાર્મિક મોહનભાઇ પાટડીયા પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જેની સામે ૮.૩૨ લાખ ચુકવી દીધા છતાં ૧૯ લાખના દાગીના પાછા આપતો નથી.

અન્ય ફરિયાદમાં જીવરાજ પાર્કના ધારાબેન મોરીએ ભાવીનભાઇ, મોૈલિકભાઇ સહિત ૨૨ જણા વિરૂધ્ધ ફરિયાદ કરી છે. ચા વર્ષ પહેલા પતિએ મશીનરી લેવા માટે વ્યાજે નાણા લીધા હતાં. તેની સામે વ્યાજ સહિત નાણા ચુકવ્યા છતાં વધુ ને વધુ વ્યાજ માંગી ધમકી અપાય છે.

બપોરના એક સુધીમાં કુલ ૨૫૦ લેખિત-મોૈખીક ફરિયાદો પોલીસ અધિકારીઓને મળી છે. આગામી દિવસોમાં વ્યાજખોરી મામલે પોલીસ આકરી કાર્યવાહી કરી જરૂર પડ્યે ગુના દાખલ કરી  ધરપકડનો દોર શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે.

વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા અને સતત ફફડી રહેલા લોકોને આગળ આવી પોતાની ફરિયાદ રજૂ કરવા માટે લોકદરબાર યોજનારા શહેર પોલીસનો ભોગ બનેલા તમામે આભાર વ્યકત કરી પોતાને ઝડપથી ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

૬૦ ટકા નવી ફરિયાદો મળી, ૨૦ ટકા જુની હતી તેની તપાસ એસીપી કરશેઃ ૩૦ ટકાનો સ્થળ પર નિકાલઃ અમુક ગુંચવણ ભરેલી અરજીઓનો તપાસ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીને સોંપાઇઃ  ફરિયાદ માટે ૯૮૭૯૫ ૦૦૬૦૦  ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકાશે

એસીપી ક્રાઇમ શ્રી જયદિપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે જે અરજદારો આવ્યા તેમાં ૬૦ ટકા અરજદારો-ફરિયાદીઓ નવી અરજી-ફરિયાદ લઇને આવ્યા હતાં. બાકીના ૨૦ ટકા એવા પણ હતાં કે જેણે અગાઉ અરજીઓ કરી હતી અને તેની તપાસ પણ થઇ ચુકી હતી. આમ છતાં અસંતોષ હોઇ તેમની અરજીઓની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવાનો પોલીસ કમિશનરશ્રીએ હુકમ કર્યો હતો.

૩૦ ટકા અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ગંભીર પ્રકારની ગુંચવડવાળી અરજીઓની તપાસ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી તથા એસઓજી પીઆઇ આર.વાય. રાવલને સોંપવામાં આવી છે. તેઓને ટીમો બનાવીને બે દિવસમાં તપાસ કરી અરજીઓનો નિકાલ કરવા સુચના અપાઇ છે.

તમામ પોલીસ મથકના ડી. સ્ટાફની ટીમોને પણ આવી અરજીઓનો નિકાલ કરવા સુચના અપાઇ છે. હજુ પણ જે લોકો વ્યાજખોરીમાં ફસાયા હોય અને લોકદરબારમાં આવી શકયા ન હોય તેઓ પોલીસ કમિશનરના હેલ્પલાઇન નંબર-૯૮૭૯૫ ૦૦૬૦૦ ઉપર ગમે ત્યારે ફોન કરી રજૂઆત કરી શકશે.

આજે જે અરજી-ફરિયાદ થઇ તેમાં શું પ્રગતિ થઇ? તે જાણવા પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ દર અઠવાડીએ તપાસનીશ પાસેથી વિગતો મેળવી જાતે મોનીટરીંગ કરશે. તેમ વધુમાં શ્રી સરવૈયાએ જણાવ્યું હતું.

(3:27 pm IST)
  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • એનડીએના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિયુકિત : ૩૫૩ સાંસદોના સમર્થનથી મોદી નેતાપદે ચૂંટાયા access_time 6:24 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી CWC ની બેઠકમાં રાજીનામાની રજૂઆત કરીઃ કોંગ્રેસી નેતાઓએ ઇન્કાર કર્યોઃ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તમે નહીં તો કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? access_time 12:45 pm IST