Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પર સ્ત્રીને માં-બહેન ગણે, સરકારના અન્યાયનો પ્રતિકાર કરે, રાવણને પણ ભોંમાં ભંડારી દે તે જ સાચો ક્ષત્રિયઃ મહિપતસિંહ જાડેજા :: મરસીયાની મોજ કાર્યક્રમમાં સુરતના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ ગઈકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના જન્મ દિવસ નિમિતે મરસીયાની મોજ કાર્યક્રમ રીબડા ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને વહેલી સવાર સુધી મરસીયાની મોજ કાર્યક્રમ માણ્યો હતો. આ તકે મહિપતસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, સમાજમાંથી દુષણો નાબુદ થાય તે માટે કામગીરી કરવી જોઈએ. પર સ્ત્રીને માં-બહેન ગણે તે સાચો ક્ષત્રિય. રાવણને પણ ભોંમાં ભંડારી દે તે સાચો ક્ષત્રિય, સરકારના અન્યાયનો પ્રતિકાર કરે તે સાચો ક્ષત્રિય કહેવાય છે. મહિપતસિંહ બનવુ ખૂબ જ અઘરૂ છે. અનેક દુઃખો વેઠીને મહિપતસિંહ બન્યો છું. ગોંડલ તાલુકાના રીબડા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય તથા જુદા-જુદા ક્ષેત્રોમાં લોક ઉપયોગી કાર્યો કરનારા અને ક્ષત્રીય સેનાના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ શુક્રવારે ૮૩ માં જન્મ દિવસની ઉજવણી અલગ રીતે કરવાનું નકકી કર્યુ છે. આ માટે કાલે રીબડામાં 'મરસીયાની મોજ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.  મહિપતસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મારા સમાજ આવા કાર્યક્રમોમાં કંઇ ગ્રહણ કરે તો સમાજ સુખી થાય તેવી ભાવના છે. મહિપતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ઇશ્વરે ઘણું આપ્યું છે. ખેતી સંપતિ થકી આજે પરિવાર સુખી છે અને ત્યાર પછી જે વધ્યું છે તે પ્રજાના હિતમાં અને લોકોને મદદ માટે વાપરવા નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ થકી મારા સમાજના લોકોને એ સંદેશ આપવો છે કે તેઓ કશું ખોટું ન કરે, અત્યાચારનો સામનો કરે એ જ ખરો રાજપૂત કહેવાય. મારા અવસાન પછી તો મારા દીકરાઓ મારા માટે ઘણું કરવાના છે પણ મારે જીવતા જ મારા મરસીયા કેવા ગવાય છે એ જાણવા આ કાર્યક્રમ રાખ્યો હતો.  આ તકે રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જવાહરભાઈ ચાવડા, આઈ.કે. જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હમીરદાન ગઢવી, જીતુદાન દાદબાપુ ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, શંકરદાન ગઢવી સહિતનાએ વહેલી સવાર સુધી મરસીયાની મોજ કાર્યક્રમમાં મરશિયાનું ગાન કર્યુ હતું. સુરતમાં સર્જાયેલ દુર્ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં અંજલી આપવામાં આવી હતી. કલાકારો તથા મરસીયાની મોજ માણવા આવેલ લોકો ઉભા થયા હતા અને બે મીનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે અંદાજે દોઢ થી બે લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માટે સ્વ. મોહનસિંહ ભાવુભા જાડેજા, સ્વ. ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા, સ્વ. રામદેવસિંહ મહિપતસિંહ જાડેજાના આર્શિવાદ પ્રાપ્ત થયા હતા.સફળ બનાવવા જયદિપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, રાહુલસિંહ રામદેવસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સહિત મહિપતસિંહ જાડેજા પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)
  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST

  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • પ૪ર માંથી ૩૦૦ સાંસદ પહેલીવાર અને ૧૯૭ બીજીવાર લોકસભા પહોંચ્યા : એનડીએના ૬ પ્રધાનો હાર્યા : ભાજપને ૩૦૩, કોંગ્રેસને પર, ર૩ બેઠક સાથે ડીએમકે ત્રીજા ક્રમે અને રર-રર બેઠકો સાથે વાયએસઆર કોંગ્રેસ અને તૃણમુલ : ૧૭મી લોકસભામાં પહોંચનાર સાંસદોની સરેરાશ ઉંમર પ૪ વર્ષ : ૧ર ટકા સાંસદો ૪૦ વર્ષથી ઓછી ઉંમરના : ૩૯ ટકા સાંસદ રાજકારણ, ૩૮ ટકા ખેડૂત, ર૩ ટકા વેપારી, ૪ ટકા વકીલ, ૪ ડોકટર, ૩ કલાકાર અને ર ટકા પ્રાધ્યાપક છે access_time 3:30 pm IST