Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ભગવતીપરામાં રૂકશારને દારૂડીયા પતિએ પતાવી દીધી

મોડી રાત્રે ખૂનઃ પહેલો પતિ દારૂ પી ખેલ કરતો'તો એટલે તલ્લાક લીધા ને બીજું ઘર કર્યુ તો બીજો પણ એવો જ નીકળ્યો! : પેટ અને છાતીમાં છરીના બે ઘા ઝીંકી ઇકબાલ જૂણેજા ભાગી ગયોઃ ઇકબાલની પણ બીજી શાદી છેઃ ઝડપી લેવા પોલીસની ઠેર-ઠેર દોડધામ

વધુ એક હત્યાઃ ભગવતીપરમાં મોડી રાત્રે જ્યાં હત્યા થઇ તે મકાન, હત્યાનો ભોગ બનેલી મુસ્લિમ પરિણીતા રૂકશારનો નિષ્પ્રાણ દેહ, વિગતો જણાવતાં તેના પિતા ગુલામરસુલ ભટ્ટી તથા અંતિમ તસ્વીરમાં  રૂકશાર અને તેને પતાવી દેનારા પતિ ઇકબાલ જૂણેજાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૪: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. મોડી રાત્રે ભગવતીપરામાં હુશેનીયા મસ્જીદ પાસે રહેતી રૂકશાર (ઉ.૨૨)ને તેના દારૂડીયા પતિ ઇકબાલ બાબુભાઇ જૂણેજાએ પેટ અને છાતીમાં ડાબી બાજુ છરીના ઘા ઝીંકી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. હત્યા કરી ભાગી ગયેલા આ શખ્સને ઝડપી લેવા બી-ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ દોડધામ આદરી છે. રૂકશારના પ્રથમ લગ્ન મુળ યુપીના મુસ્લિમ યુવાન સાથે થયા હતાં, પરંતુ તે દારૂ પી હેરાન કરતો હોઇ તલ્લાક લીધા હતાં અને દોઢ વર્ષ પહેલા ઇકબાલ સાથે બીજી શાદી કરી હતી. પરંતુ ઇકબાલ તો પહેલા પતિ કરતાં પણ વધુ ત્રાસરૂપ બન્યો હતો. કામધંધો ન કરી ઘરમાંથી પૈસા લઇ જઇ દારૂ પી ખેલ કરવા એ તેનો રોજનો ક્રમ થઇ ગયો હતો. શુક્રવારે મોડી રાત્રે પોણા બારેક વાગ્યે તે પત્નિ સાથે ઝઘડો કરી છરીના બે ઘા ઝીંકી પતાવીને ભાગી ગયો હતો.

હત્યાના બનાવની જાણ થતાં ડીસીપી રવિકુમાર સૈની, એસીપી ટંડેલ, પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ ડામોર, ચંદ્રસિંહ ઝાલા, ખોડુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમૃતભાઇ, જનકસિંહ ગોહિલ, વિરમભાઇ ધગલ, મનોજભાઇ, એભલભાઇ, હંસરાજનભાઇ,  હરપાલસિંહ, મહેશભાઇ, કેતનભાઇ, અજીતભાઇ સહિતનો સ્ટાફ તેમજ ક્રાઇમબ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હરદેવસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ભોગ બનેલી રૂકશારના પિતા રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં 'રાધે' ખાતે ભાડાના મકાનમાં રહેતાં ગુલામરસુલ બોદમશા ભટ્ટી (ઉ.૪૭)ની ફરિયાદ પરથી તેના જમાઇ ઇકબાલ બાબુભાઇ જૂણેજા (રહે. ભગવતીપરા) સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

ગુલામરસુલના કહેવા મુજબ પોતે અગાઉ ભગવતીપરામાં રહેતાં હતાં. ત્યારે એટલે કે ૨૦૧૬માં રૂકશારની પ્રથમ શાદી મુળ યુપીના રેહાન સાથે થઇ હતી. પરંતુ તે દારૂ પી હેરાન કરતો હોઇ દોઢ બે મહિનામાં જ તલ્લાક થઇ ગયા હતાં. એ પછી પડોશમાં રહેતાં સુલતાનાબેને પોતાના દિયર ઇકબાલ વલીભાઇ ઉર્ફ બાબુભાઇ જૂણેજા કે જેના વાંકાનેરની યુવતિ સાથે તલ્લાક થઇ ગયા હોઇ તે છોકરો સારો હોવાની વાત કરી શાદી માટે વાત કરતાં પોતાની દિકરી રૂકશારની શાદી ઇકબાલ સાથે કરી હતી. ઇકબાલને આગલા ઘરની એક દિકરી પણ છે.

શરૂઆતમાં ઇકબાલ પાસે ત્રણ ટ્રક હતાં. પણ બાદમાં તે દારૂ પીવાના રવાડે ચડી જતાં ટ્રકની લોન ચડત થઇ જતાં ફાયનાન્સવાળા આ ટ્રક પાછી ખેંચી જતાં તે કામધંધા વગરનો થઇ ગયો હતો. એ પછી તેણે દારૂ પી ઘરમાં ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું અને રૂકશારને અવાર-નવાર મારકુટ કરી ઘરમાંથી સામા પૈસા લઇ જતો હતો. આ કારણે રૂકશાર રિસામણે પણ આવતી હતી. પણ ફરીથી પતિ ઇકબાલ તેને સમજાવીને પરત લઇ જતો હતો અને ફરીથી દારૂ પી ત્રાસ ગુજારતો હતો. કામધંધે પણ જતો નહોતો. ગત રાત્રે પણ તેણે આવા જ કારણોસર ઝઘડો કરી રૂકશારને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી અને ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન ડી. સ્ટાફની ટીમે વહેલી સવાર સુધી ભગવતીપરા નદી વિસ્તાર, ભીસ્તીવાડ સહિતના વિસ્તારોમાં ઇકબાલ જ્યાં બેઠક ધરાવતો ત્યાં તપાસ કરી હતી પણ તે હાથ આવ્યો નહોતો.

પિતા ગુલામહુશેન ભટ્ટીની ઉપરોકત ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ઇકબાલને ઝડપી લેવા દોડધામ આદરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ રાતે  કામે લાગી હતી. જો કે સવાર સુધી ઇકબાલ હાથમાં આવ્યો નથી. હત્યાના બનાવથી ભટ્ટી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

ઇકબાલની બહેને ફોન કરી રૂકશારના પિતાને હત્યાની જાણ કરી

. રૂકશારના પિતા ગુલામરસુલ ભટ્ટીએ કહ્યું હતું કે રાત્રે બારેક વાગ્યા આસપાસ જમાઇ ઇકબાલની બહેન ઝરીના અનવરભાઇ પઠાણે મને ફોન કરી જાણ કરી હતી કે તમારી દિકરીને મારા ભાઇ ઇકબાલે છરી મારી દીધી છે. બનાવની જાણ થતાં અમે ભગવતીપરામાં પહોંચ્યા ત્યારે દિકરીની લાશ જોવા મળી હતી.

હત્યાનો ભોગ બનેલી રૂકશાર બે ભાઇની એક જ બહેન હતી

. પતિના હાથે હત્યાનો ભોગ બનેલી રૂકશાર બે ભાઇની એકની એક બહેન અને માતા-પિતાની લાડકી દિકરી હતી. રૂકશારના મોટા ભાઇનું નામ શાહરૂખ (ઉ.૨૪) અને તેનાથી નાના ભાઇનું નામ અસલમ (ઉ.૨૦) છે. માતાનું નામ નસીમબેન છે અને પિતા ગુલામહુશેન ભટ્ટી સામા કાંઠે ગોવિંદબાગ બ્રાહ્મણીયાપરામાં લેડિઝ-જેન્ટસના કપડાની દૂકાનમાં નોકરી કરે છે. એકની એક દિકરી ગુમાવનાર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

ઇકબાલ માત્ર ચડ્ડો-ટીશર્ટ પહેરીને ભાગ્યોઃ મોરબી રોડ પરથી એક શખ્સ પાસેથી રૂ. ૧૦૦ લેતો ગયો

. હત્યા કરીને ભાગતી વખતે ઇકબાલે માત્ર ચડ્ડો (બરમુડો) અને ટી-શર્ટ પહેર્યા હતાં. તે પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે જ મુકતો ગયો છે. પોલીસે તેને શોધવા સવાર સુધી ચારેકોર દોડધામ કરી હતી. જેમાં એવી માહિતી મળી હતી કે મોરબી રોડ પર રહેતાં એક પરિચિત પાસેથી તે રૃા. ૧૦૦ ઉછીના લઇ ગયો હતો. પોલીસની સાથે તેના પિતા પણ સવાર સુધી તેને શોધવામાં સાથે રહ્યા હતાં.

રૂકશાર થોડા દિવસ પહેલા જ રિસામણે આવી'તી ત્યારે માવતરે પરત જવાની ના કહી હતી પણ...!

ઇકબાલ અગાઉ સદર બજારમાં મારામારીમાં પણ સંડોવાયો હતો

પોતાના વિરૂધ્ધ મહિલા પોલીસમાં અરજી થતાં ઇકબાલે સસરા, સાળા, પત્નિને પણ ધમકી આપી હતી

.હત્યાનો ભોગ બનેલી રૂકશારની દોઢ વર્ષ પહેલા જ ઇકબાલ સાથે બીજી શાદી થઇ હતી. ઇકબાલની પણ આ બીજી શાદી છે, તેને આગલા ઘરની એક પુત્રી છે. રૂકશારના પિતાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ઇકબાલે અગાઉ સદર બજારમાં પણ કોઇ ઉપર હુમલો કર્યો હતો તેનો કેસ હજુ ચાલુ છે. તેને પ્રથમ પત્નિને સાથે માથાકુટ કરતાં તેણીના માવતરે પણ હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. આ બધી બાબતોથી અમને શાદી વખતે અજાણ રખાયા હતાં. થોડા દિવસ પહેલા રૂકશાર રિસામણે આવતાં અમે મહિલા પોલીસમાં અરજી કરતાં ઇકબાલ રોષે ભરાયો હતો અને ફોન કરી મને, મારી દિકરીને અને દિકરાને ધમકી આપી હતી. રિક્ષા સળગાવી નાંખશે તેવી ધમકી પણ આપી હતી. દિકરીને અમે ત્યારે પરત સાસરે જવાની ના કહી હતી. પણ તે બધુ સારું થઇ જશે તેમ કહી પરત ગઇ હતી અને ગત રાતે તેની હત્યાના સમાચાર મળ્યા હતાં.

ઇકબાલે ભાગતી વખતે ભાણેજ મેરૂનને કહ્યું-તારી મામીને છરી મારી દીધી છે!

. પત્નિ રૂકશારને રાત્રીના છરીના બે ઘા ઝીંકી દીધા બાદ ઇકબાલ ભાગી ગયો હતો. ભાગતી વખતે પડોશમાં જ રહેતી પોતાની ભાણેજ મેરૂનને ત્યાં ગયો હતો અને તેણીને કહેતો ગયો હતો કે-મેં તારી મામીને છરી મારી દીધી છે. ઇકબાલ બે ભાઇમાં નાનો છે. તેના મોટા ભાઇનું નામ હુશેનભાઇ છે. ઇકબાલની પ્રથમ શાદી વાંકાનેર તરફ થઇ હતી. પ્રથમ પત્નિ પર પણ તેણે ત્રાસ ગુજારતાં તલ્લાક થયા હતાં. જો કે આ વાતથી પોતે અજાણ હોવાનું અને બધુ છુપાવીને શાદી કરાવવામાં આવ્યાનો આક્ષેપ મૃતક રૂકશારના પિતાએ કર્યો હતો. 

એક સમય ત્રણ ટ્રકનો માલિક ઇકબાલ દારૂના રવાડે ચડી રોડેરોડ થયો

. રૂકશારના પિતા ગુલામરસુલ ભટ્ટીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે જમાઇ ઇકબાલ પાસે એક સમયે ત્રણ ટ્રક હતાં અને જોરદાર ધંધો ચાલતો હતો. પરંતુ દારૂ પીવાના રવાડે ચડતાં ધંધામાં ધ્યાન આપતો નહોતો. એ કારણે ટ્રકોની લોન ચડી જતાં ટ્રક જપ્ત થઇ ગયા હતાં અને એ પછી ઇકબાલ રોડેરોડ થઇ ગયો હતો.

પિતાનો વલોપાત...જમાઇ દારૂ પીતો, ઘરમાંથી પૈસા લઇ જતો અને ખોટી શંકા કરતો હોવાથી મારી દિકરીને મોબાઇલ ફોન પણ આપ્યો નહોતો!

ઘણીવાર ઘરમાં અનાજ પણ ન હોય તો અમે પુરૂ પાડતાં: દિકરી બધુ સારું થઇ જશે એમ સમજી સતત દુઃખ સહન કરતી રહી પણ છેલ્લે મોત મળ્યું!

. એકની એક લાડકી દિકરી ગુમાવનારા પિતા ગુલામરસુલ ભટ્ટીએ વિલાપ કરતાં-કરતાં જણાવ્યું હતું કે-મારી દિકરીને તેનો પતિ ઇકબાલ સતત ત્રાસ આપતો હતો. દારૂ પી ખેલ કરવા તેનો રોજનો ક્રમ થઇ ગયો હતો. કામધંધો કરતો નહોતો અને ઘરમાંથી સામા પૈસા લઇ જતો હતો. મારી દિકરી પૈસા ન આપે તો મારકુટ કરી લેતો હતો. ઘણીવાર ઘરમાં કરિયાણુ પણ ખુટી જતાં દિકરીને એકાદ-બે દિવસ ભુખ્યા રહેવું પડતું હતું. તે મારી દિકરી પર શંકા કરતો હોવાથી તેણીને મોબાઇલ ફોન પણ આપ્યો નહોતો. તે અમને છાનીમુની કોઇના ફોનમાંથી ફોન કરીને અનાજ-કરિયાણું પૈસા મંગાવતી અને અમે આપી આવતાં હતાં. અમારી દિકરી સમય જતાં સારું થઇ જશે તેમ સમજી સતત દુઃખ સહન કરતી રહી હતી. પરંતુ છેલ્લે તેને તેના જ પતિએ મોત દીધું હતું. તેમ કહી પિતાએ પોક મુકી હતી.

(3:19 pm IST)