Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સોરઠીયાવાડી ચોકમાંથી ૨૦ ઝુંપડા દુર કરાયા

રાજકોટ, તા.૨પઃ રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં નડતરરૂપ અને ટ્રાફિકની સમસ્યાને અડચણરૂપ હોય એવા તમામ બાંધકામો અને ઝુપડપટ્ટીને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત આજે તારીખ ૨૫ના શહેરના ૮૦ ફૂટ રોડ પર સોરઠીયા વાડી ચોક પાસે નાગરિક બેંક વાળી શેરીમાં ૨૦ ઝુંપડાને હટાવવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને મળેલી સ્થાનિક રહીશોની ફરિયાદોના આધારે એસ્ટેટ શાખાના આસી. મેનેજર બી.બી.જાડેજા ઉપરાંત ટી.પી. વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને રોશની વિભાગ ઉપરાંત વિજીલન્સ ડીપાર્ટમેન્ટની ટીમ દ્વારા ઝુંપડા હટાવવામાં આવ્યા હતા. 

એસ્ટેટ શાખાએ ઝુંપડાધારકોને રોડ પરના આ ઝુંપડા ખાલી કરી દેવા આ અગાઉ ચાર ચાર વખત સૂચના આપવામાં આવેલ હતી, પરંતુ આ આસામીઓએ ઝુંપડા ખાલી કર્યા ન્હોતા. આખરે આ ડિમોલીશન હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એમાંય ડિમોલીશણ પૂર્વે ગત રાત્રિએ પણ ઝુંપડાધારકોને આખરી ચેતવણી આપવામાં આવેલ હતી આમ છતાં જગ્યા ખાલી નહી થતા અંતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેમ આસી. મેનેજર  બી.બી.જાડેજાએ જણાવ્યું હતું.

(4:27 pm IST)