Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વાવાઝોડુ 'મેકુનુ' આજે રાત્રે ઓમાનમાં ત્રાટકશે

દક્ષિણ અંદામાનનો દરિયો, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને નિકોબારના ટાપુમાં ચોમાસાનું આગમન : દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આવતા ૪૮ કલાકમાં દક્ષિણ અરબી સમુદ્ર, કોમરીન, માલદીવ વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, અંદામાનનો દરિયો અને અંદામાન નિકોબારના ટાપુમાં બેસી જશે : સૌરાષ્ટ્ર - ગુજરાત - કચ્છમાં સોમવાર સુધી ગરમી યથાવત, પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે ઘૂમશે : મંગળ-બુધ - ગુરૂ આંશિક રાહત મળશે પણ ભેજ વધશે, જેથી બફારાનો અનુભવ થશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૫ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અંદામાનના દરિયામાં, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને નિકોબારના ટાપુમાં બેસી ગયુ છે. તેમજ આ ચોમાસુ આવતા ૪૮ કલાકમાં દક્ષિણ અરબી સમુદ્ર, કોમરીન અને માલદીવ વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, અંદામાનનો દરિયો અને અંદામાન નિકોબાર ટાપુ ઉપર આવતા બે દિવસમાં ચોમાસુ બેસી જશે. ત્યારબાદ ક્રમશઃ દક્ષિણ ભારતમાં પ્રવેશ કરશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

અંદામાનના દરિયા અને આસપાસના વિસ્તારમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. જે ૧.૫થી ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ છે.

જયારે વાવાઝોડુ 'મેકૂનુ' હાલ અતિ તીવ્ર વાવાઝોડા તરીકે છે. જે જેના પવનો ૧૬૦ થી ૧૭૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. ૯૬૦ મિલીબાર પ્રેશર છે અને દરિયામાં ૩૦ ફૂટના મોજા ઉછળી રહ્યા છે. આ વાવાઝોડુ આજ રાત સુધીમાં ઓમાનના સલાલાહ નજીક ત્રાટકશે. જેથી ત્યાં ભારે ખાનાખરાબી સર્જાશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

સૌરાષ્ટ્ર - ગુજરાત - કચ્છમાં ગરમી અંગે અશોકભાઈએ આગાહી કરતા જણાવેલ કે તા.૨૪ થી ૩૧મી દરમિયાન ૨૮મી સુધી એટલે કે સોમવાર સુધી ગરમી યથાવત રહેશે. તાપમાન ઉંચુ જ રહેશે. ગરમીનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે જોવા મળશે. જયારે પાછલા બે-ત્રણ દિવસ મંગળ-બુધ-ગુરૂ દરમિયાન ગરમીમાં આંશિક રાહત તો રહેશે પરંતુ ભેજમાં વધારો જોવા મળશે. જેથી બફારાનો અનુભવ થશે.

(4:42 pm IST)