Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મહિલા એએસઆઇ સહિત ૩ લાંચ લેતા ઝડપાયા

યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્વે રૂમમાં એસીબીની ટ્રેપઃ એએસઆઇ ભાવના સંતોકી, રાઇટર ગોવિંદ ગજીયા અને વચેટીયો ચાવાળો ઝડપાયા : અરજદાર મહિલાના પતિ વિરૂધ્ધ પૈસાની લેતીદેતી મામલે થયેલી અરજીનું સમાધાન થઇ ગયા પછી 'અમારૂ શું?' તેમ કહી ૧ લાખ માંગ્યા અને છેલ્લે ૨૫ હજારમાં નક્કી કર્યુઃ ૧૦ હજાર અગાઉ લઇ લીધા'તાઃ બાકીના ૧૫ હજારનો હપ્તો આજે સ્વીકારતી વખતે એસીબીના પી.આઇ. સી.જે. સુરેજા અને ટીમે પકડી લીધા

જ્યાં ટ્રેપ થઇ એ યુનિવર્સિટી પોલીસ મથક તથા એસીબી અધિકારીઓના વાહનો અને ટ્રેપ થઇ એ રૂમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫:  યુનિવર્સિટી પોલીસ મથકમાં જ મહિલા એએસઆઇ, તેના રાઇટર અને વચેટીયા એવા ચા વાળાને એસીબીએ ટ્રેપમાં ઝડપી લેતાં પોલીસ બેડામાં ચકચાર જાગી છે. એક મહિલાના પતિ વિરૂધ્ધ થયેલી પૈસાની લેતી દેતીની અરજીમાં સમાધાન થઇ ગયા બાદ મહિલા એએસઆઇએ 'હવે અમારું શું?' તેમ કહી ૧ લાખ માંગ્યા હતાં. રકઝકને અંતે ૨૫ હજારમાં વાત નક્કી થઇ હતી. એ પૈકી ૧૦ હજાર અગાઉ લઇ લેવાયા બાદ આજે બાકીના ૧૫ હજાર સ્વીકારતી વખતે એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતાં. 

એસીબીએ આ બનાવમાં એક બહેનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ભાવનાબેન લાલજીભાઇ સંતોકી, તેના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ મેરામભાઇ ગજીયા અને પોલીસ મથક બહાર ચાની કેબીન ધરાવતાં બિજલ દેવશીભાઇ ગમારા સામે ગુનો દાખલ કરાવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક મહિલા અરજદારના પતિના વિરૂધ્ધમાં પૈસાની લેતી દેતી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી થઇ હતી. આ અરજીની તપાસ એએસઆઇ ભાવનાબેન સંતોકી તથા રાઇટર ગોવિંદભાઇ ગજીયાને સોંપાઇ હતી. આ અરજી સંદર્ભે બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ તપાસનીશ એએસઆઇ ભાવનાબેને અરજદાર મહિલાને એવું કહેલું કે તમે સમાધાન કરી નાંખ્યું, પણ અમારું શું? અમારો વહિવટ નહિ કરો તો તમારા પતિ વિરૂધ્ધ વ્યાજ વટાવનો ગુનો દાખલ કરાવશું. તેમ કહી પતાવટ પેટે ૧ લાખની લાંચ માંગી હતી. રકઝકને અંતે ૨૫ હજાર આપવાનું નક્કી કર્યુ હતું.

આ પેટે રૂ. ૧૦ હજાર અગાઉ અરજદાર મહિલાએ આપી દીધા હતાં. આ પછી તે પૈસા આપી શકે તેમ ન હોઇ એસીબીમાં જાણ કરી હતી. એસીબીના ઇન્ચાર્જ ડીવાયએસપી કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.આઇ. સી. જે. સુરેજા તથા સ્ટાફે આજે યુનિવર્સિટી પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયા મુજબ અરજદાર મહિલા એએસઆઇ ભાવનાબેનને ૧૫ હજાર રૂપિયા ઇન્વે રૂમમાં આપ્યા હતાં. આ રકમ ભાવનાબેને રાઇટર ગોવિંદભાઇ ગજીયાને આપી હતી અને ગોવિંદભાઇએ આ રકમ ચા વાળા બીજલ દેવશીભાઇ ગમારાને સાચવવા આપી હતી. આ તમામ ગતિવિધી એસીબીની વોચ હેઠળ થઇ હોઇ ત્રણેય સામે ગુનો નોંધી રંગેહાથ ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં પી.આઇ. શ્રી સુરેજા સાથે ટીમના હરપાલસિંહ, રામદેવસિંહ, શકિતસિંહ, કરિમભાઇ, ચંદ્રસિંહ ચાવડા, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(4:15 pm IST)