Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

થોરાળામાં પાણીની લાઇન તુટીઃ ફુવારા ઉડયા- નદીઓ વહીઃ ભગવતીપરા-આર્યનગરમાં વિતરણ ઠપ્પ

કુબલીયાપરાનાં નાલામાંથી પસાર થતી મુખ્ય પાઇપ લાઇન કોઇએ તોડી નાખ્યાની શંકા વ્યકત કરતાં ઇજનેરોઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાંગઠીયાએ ઘટનાં સ્થળે દોડી જઇ રીપેરીંગ શરૂ કરાવ્યુ

રાજકોટ તા. રપ :.. શહેરનાં વોર્ડ નં. ૧પ માં આવેલ થોરાળા વિસ્તારમાં આજે પાણીની પાઇપ લાઇન તુટતાં વોર્ડ નં. ૪ નાં ભગવતીપરા અને વોર્ડનં. પ માં આવેલ આર્યનગરમાં પાણી વિતરણ ઠપ્પ થઇ ગયુ હતું.

આ અંગે ઇજનેરી સુત્રોએ સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે આજી ડેમથી ભગવતીપરા સુધીની પાણી વિતરણની મુખ્ય પાઇપ લાઇન આજે સવારે થોરાળા વિસ્તારમાં કુબલીયાપરાનાં નાલામાં તુટી લઇ હતી. જેના કારણે વોર્ડ નં. ૪ નાં ભગવતીપરા અને વોર્ડ નં. પ નાં આર્યનગરમાં પાણી વિતરણ બંધ કરવું પડયુ હતું.

આ પાઇપ લાઇન કોઇ તોડી નાખ્યાની શંકા ઇજનેરોએ વ્યકત કરી હતી કેમ કે જે પ્રકારે પાઇપ લાઇન તુટી હતી. તે પ્રકારે આજ સુધીમાં કોઇ વખત ટેકનીકલ ખામીને કારણે આ લાઇન તુટી નહી હોવાનું તારણ ઇજનેરોએ કહ્યું હતું.

દરમિયાન આ ઘટનાની જાણ થતાં વોર્ડ નં. ૧પ નાં કોર્પોરેટર અને વિપક્ષી નેતા  વશરામભાઇ સાગઠીયા ઘટના સ્થળે દોડી ગયેલ અને પાઇપ લાઇન રીપેરીંગની વ્યવસ્થા કરાઇ હતી.

નોંધનીય છે કે આ પાઇપ લાઇન તુટતાં રોડઉપર પ થી ૬ ફુટનાં ફુવારા ઉડયા અને રસ્તા પર પાણીની નદીઓ વહેતાં ટ્રાફીક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. અને ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો  હતો. (પ-૩ર)

(4:01 pm IST)