Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભેળસેળયુકત 'મુરલીધર બ્રાન્ડ' મરચાનો ૩૦૦ કિ. જથ્થો સીઝ

૯૦ થી ૧૧૦ વાળુ હલકુ મરચું પેકિંગ કરી હોટલ રેસ્ટોરન્ટમાં ૧૩૦ થી ૧૭૦ના ભાવે વેચાતુ હતુ : સામા કાંઠાની ભગીરથ સોસાયટીના પટેલ ટ્રેડર્સમાં આરોગ્યની ટુકડીનો દરોડો : હલકી કક્ષા અને કલરથી ભેળસેળ વાળા મરચાનાં નમૂના લેવાયા

નવલનગરમાં કાર્બાઇડ ગેસથી કેરી પકાવવાનું નવતર કારસ્તાન ઝડપાયું  : ૩૦૦ કિ.નો નાશ

રાજકોટ, તા. રપ  :  મ્યુ. કોર્પોેશનનાં  આરોગ્ય વિભાગે આજે સામાકાંઠેથી ભગીરથ સોસાયટીમાં પટેલ ટ્રેડર્સ નામનાં મરચાની ભૂકીનાં કારખાનામાં દરોડા પાડી અને આ સ્થળેથી હલકી કક્ષાનું અને કલરની ભેળસેળવાળા ૩૦૦ કિલો મરચાનો જથ્થો સીઝ કરી નાંખ્યો હતો. આ મરચુ પેકીંગ કરીને 'મુરલીધર બ્રાન્ડ'નાં નામથી હોટેલ -રેસ્ટોરન્ટોમાં વેચવામાં આવતુ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડનાં જણાવ્યા મુજબ આજે ફૂડ ઇન્સ્પેકટરોની ટુકડીએ પેડક રોડ પર માર્કેટ યાર્ડ ખાતેથી સાઇડમાં ભરવાડવાડી પાસે આવેલ ભગીરથ સોસાયટી શેરી નં. ૧રમાં રવી ચંદુભાઇ મોલીયાં દ્વારા સંચાલીત પટેલ ટ્રેડર્સમાં દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન આ સ્થળે પ્રતિ કિલો રૂ. ૯૦ થી ૧૧૦નો ભાવનું હલકી કક્ષાનુ઼ મરચુ મળી આવેલ જેમાં કલરની ભેળસેળ કરીને ''મુરલીધર'' બ્રાન્ડના નામથી પેકીંગ કરી અને હોટેલ તથા રેસ્ટોરન્ટોમાં રૂ. ૧૩૦ થી ૧૭૦ પ્રતિ કિલોનાં ભાવે વેચવાનું કારસ્તાન છતુ થયું હતું.

આથી આ સ્થળે રહેલ ભેળસેળ વાળા મરચાનો નમૂનો લઇ અને સ્થળમાં પડેલા ૩૦૦ કિલો મરચાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

(3:13 pm IST)