Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

શિવપરાના શકિલાબેન પાસે ૧૨ ટકા વ્યાજ વસુલી વહિદા જૂણેજાએ મકાન લખાવી લીધું

વ્યાજખોરીમાં મહિલાઓ પણ પાછળ નથી...બજરંગવાડી વાંકનેર સોસાયટીની મહિલા સામે ગુનો : બિમારીની સારવાર માટે ત્રણ લાખ લીધા'તા તેની સામે બે લાખ ભરી દીધા છતાં વધુ વ્યાજની ઉઘરાણી થતી હતી

રાજકોટ તા. ૨૫: વ્યાજખોરીના ગુનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. આવા ગુનામાં પુરૂષો જ નહિ મહિલાઓ પણ સામેલ છે. તેનો પુરાવો આપતો બનાવ સામે આવ્યો છે. રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે શિવપરા-૩માં રહેતાં શકીલાબેન શબ્બીરહુશેન કાદરી (સૈયદ) (ઉ.૪૪) નામના મહિલાને બજરંગવાડી પાસે વાંકાનેર સોસાયટીમાં રહેતી વહિદા કાસમભાઇ જૂણેજા નામની મહિલાએ વ્યાજખોરી માટે ધમકીઓ આપી મકાનનું બળજબરીથી લખાણ કરાવી લેતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

ગાંધીગ્રામ પોલીસે શકીલાબેનની ફરિયાદ પરથી વહિદા જૂણેજા સામે મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. શકીલાબેને અલગ-અલગ સમય જરૂર પડતાં ૧૨ ટકા લેખે રૂ. ૩ લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે ૨ લાખ ભરી દીધા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકી અપાતી હતી. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ શિક્ષા ચાલક છે. સંતાનમાં બે દિકરા છે એ પણ રિક્ષા હંકારે છે.

ચાર વર્ષ પહેલા મને પથરી થતાં અને એપેન્ડીકસ તથા હૃદયની બિમારી પણ લાગુ પડતાં સારવાર માટે પૈસાની જરૂર પડતાં બહેનપણી ભાવનાબેન કુંભારને વાત કરતાં તેણે વહિદા જૂણેજા વ્યાજે પૈસા આપતી હોવાનું કહેતાં તેની સાથે મુલાકાત કરી હતી. એ પછી તેની પાસેથી ૧૨ ટકા વ્યાજે ૩ લાખ કટકે કટકે લીધા હતાં. તેની સામે નિયમીત વ્યાજ ભરી બે લાખ ભરપાઇ કરી દીધા છે. તેમજ વહિદાને બે કોરા ચેક તથા મકાનની ફાઇલો પણ ગીરવે રાખવા આપી હતી. હાલમાં વ્યાજ ભરી શકાય તેવી હાલત ન હોઇ તે અવાર-નવાર વ્યાજ માંગી હેરાન કરતાં હોઇ તેમજ બળજબરીથી મારું મકાન પણ લખાવી લઇ સ્ટેમ્પ પેપરમાં સહીઓ સહીઓ કરાવી લીધી છે.

ફરિયાદને આધારે ગાંધીગ્રામના પી.આઇ. એચ. આર. ભાટુની રાહબરી હેઠળ પી.એસ.આઇ. વી. સી. પરમાર અને સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)