Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ફાસ્ટ ટ્રેક કોર્ટની લોબીમાં પોલીસમેન સાથે કેદીના સગાએ ધમાલ મચાવીઃ ફરજમાં રૂકાવટ

કેદીની પાસે બેસી ચા-પાણીની સલાહ કરતાં રૂપેશ ખોજાને સાઇડમાં બેસવાનું કહેતાં ગાળાગાળી કરી ધમાલ મચાવી

રાજકોટ તા. ૨૫: શહેરની ફાસ્ટ ટ્રેક કોર્ટના ત્રીજા માળે ઠક્કર સાહેબની કોર્ટ બહાર લોબીમાં કેદી જાપ્તામાં આવેલા એ-ડિવીઝનના પોલીસ કોન્સ્ટેબલ સાથે એક કેદીને મળવા આવેલા ખોજા શખ્સે બેહુદુ વર્તન કરી ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરતાં ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ અંગે એ-ડિવીઝનના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ સાવજુભા જાડેજા (ઉ.૩૦)એ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની નોકરી ૨૪મીએ સવારે નવ વાગ્યાથી કેદી જાપ્તામાં હતી. તેના ઇન્ચાર્જ તરીકે એએસઆઇ કિશોરભાઇ લાલજીભાઇ હતાં. સાથે કોન્સ. સંજયભાઇ જયંતિભાઇ, યોગીરાજસિંહ, હરપાલભાઇ સોલંકી સહિતની નોકરી પણ કેદી જાપ્તામાં હતી.

આથી બધા સેન્ટ્રલ જેલ ખાતેથી કેદી જાપ્તો લઇને રાજકોટ ફાસ્ટ ટ્રેક કોર્ટ એડી. સેશન્સ જજ શ્રી ઠક્કરની કોર્ટમાં તારીખ હોઇ કેદીઓને લઇને સરકારી વાહનમાં અહિ પહોંચ્યા હતાં. કેદીઓને કોર્ટની સામેની લોબીમાં બેસાડ્યા હતાં. આશરે સાડ બારેક વાગ્યે આ કેદીઓને મળવા એક વ્યકિત આવ્યો હતો અને ચા-પાણીની સલાહ કરતો હતો તેમજ આરોપીઓની બાજુમાં બેસી ગયેલ હોઇ જેથી મેં તેનું નામ સરનામુ પુછતાં તેણે રૂપેશ અમીરભાઇ સુરાણી (ખોજા) (રહે. કણકોટના પાટીયે ૨૫ વારીયા) જણાવ્યું હતું.

જેથી મેં તેને આરોપી પાસેથી ઉભા થઇને સાઇડમાં બેસી જવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે શાંતિથી વાત કરવાની, હું અહિથ ઉભો નથી થવાનો, થાય તે કરી લેજે તેમ કહી ઝઘડોક રી દેકારો મચાવતાં તેને ધીમે બોલવાનું કહેતાં ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આથી અમે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ગાડી બોલાવી હતી. પીસીઆરવેન આવતાં રૂપેશને સાથે લઇ પોલીસ મથકે પહોંચી ફરજમાં રૂકાવટની ફરિયાદ કરી હતી.

પ્ર.નગરના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડાએ આ અંગે દિવ્યરાજસિંહ જાડેજાની ફરિયાદ પરથી રૂપેશ ખોજા સામે આઇપીસી ૧૮૬, ૫૦૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(11:57 am IST)