Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વ્યાજ માટે રાજકોટના બે ભરવાડ શખ્સનો ભારે ત્રાસઃ રામપર પાટી (પડધરી)ના મનહર પરમારે ઝેર ગટગટાવ્યું

મિત્ર મુકેશ ભરવાડ પાસે કાર ગિરવે મુકી વ્યાજે લીધેલા ૧ લાખ સામે તેના માસીના દિકરા અશ્વિન ભરવાડે ૩ લાખ માંગ્યાઃ રાજકોટમાં ફેબ્રીકેશનનું કામ કરતાં દલિત યુવાને હોસ્પિટલ ચોકમાં વખ ઘોળ્યું: પોલીસે ગુનો નોંધી એકને સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૫: વ્યાજખોરો સામે રજૂઆતો કરવા લોક દરબાર યોજાયા બાદ મનીલેન્ડ એકટ હેઠળ વધુ એક ગુનો દાખલ થયો છે. માલિયાસણના પટેલ પરિવારની કિંમતી જમીન આહિર શખ્સે લખાવી લીધાના બનાવમાં પોલીસે તાકીદે ભીચરીના વિક્રમ વીભાભાઇ લાવડીયાની  ધરપકડ કરી હતી. ત્યાં વધુ એક બનાવમાં પડધરીના રામપર પાટી ગામે રહેતાં અને રાજકોટમાં ફેબ્રીકેશનનું કામ કરતાં દલિત યુવાનને તેના જ મિત્ર ભરવાડ શખ્સ સહિત બે જણાએ વ્યાજ માટે ધમકી આપતાં કંટાળી જઇ હોસ્પિટલ ચોકમાં ઝેર પી લેતાં યુનિવર્સિટી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી એકને સકંજામાં લીધો છે.

રામપર પાટી ગામે રહેતાં મનહર જીવાભાઇ પરમાર (ઉ.૩૫) નામના યુવાને સાંજે સાડા આઠેક વાગ્યે હોસ્પિટલ ચોક એસબીઆઇ પાસે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેણે પુછતાછમાં વ્યાજખોરથી ત્રાસી જઇ પગલુ ભર્યાનું જણાવ્યું હતું. યુનિવર્સિટી પોલીસે તેની ફરિયાદ પરથી મુકેશ ઝાપડા અને અશ્વિન ભરવાડ સામે આઇપીસી ૫૦૪, ૧૧૪, મનીલેન્ડ એકટ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મનહરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું રામપર રહુ છું અને રાજકોટ રામાપીર ચોકડી નજીક શિવ ફેબ્રીકેશન નામની દૂકાને બેસી મજૂરી કામ કરુ છું. ચારેક માસ પહેલા ખેતીમાં જાર વાવવી હોઇ જેથી મારા મિત્ર મુકેશ ઝાપડા (રહે. રવિ ટેનામેન્ટ રામાપીર ચોકડી)ને પૈસાની વાત કરતાં તેણે કહેલ કે કંઇક વ્યાજે મુકવું પડે તેની અવેજીમાં પાંચ ટકા વ્યાજે નાણા આપીશ. આથી મેં દોઢ વર્ષ પહેલા એસબીઆઇ બેંકમાંથી લોન લઇ મારા નાબે આઇ-૧૦ કાર જીજે૩જેએલ-૦૭૬૦ ખરીદ કરી હતી તે મુકેશ પાસે ગીરવે મુકી તેની પાસે એક લાખ વ્યાજે લેતાં તેણે ૧૫ હજાર કાપી લઇ ૮૫ હજાર આપ્યા હતાં.

આ રકમ મારે ત્રણ માસમાં ભરવાની હતી. પોણા ત્રણ માસમાં જ હું એક લાખ ભેગા કરી મુકેશ પાસે ગયો હતો અને તેને આ રકમ આપી ગીરવે મુકેલી ગાડી પાછી માંગતા તેણે કહેલ કે પોતે આ ગાડી ગ્રીનલેન્ડ ચોકડીએ રહેતાં રૂદ્રાક્ષ ફાયનાન્સવાળા તેના માસીના દિકરા અશ્વિન ભરવાડ પાસે મુકી આવ્યો છે. આથી અમે બંને ત્યાં ઓફિસે ગયા હતાં. ત્યાં અશ્વિન મળતાં એક લાખ તેને આપી ગાડી પાછી માંગતા તેણે કહેલ કે ગાડી જોઇતી હોય તો હજુ વ્યાજ સહિત બે લાખ આપવા પડે. આ વાત સાંભળી હું ત્યાંથી નીકળી ગયો હતો.

એ પછી મેં તેને હું દોઢ લાખ આપીશ, ગાડી આપી દે તેવી વિનંતી કરી હતી. પરંતુ તેણે હવે બે નહિ ત્રણ લાખ આપવા પડશે તેમ જણાવી ગાડી આપવાની ના પાડી દઇ વારંવાર વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. ગુરૂવારે સાંજે પણ મુકેશે બુલેટ પર આવી પૈસાની ઉઘરાણી કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં કંટાળી જતાં દૂકાન બંધ કરી હોસ્પિટલ ચોકમાં પહોંચી પડધરી જવાની બસની રાહ જોવા ઉભો હતો. ત્યારે જારમાં નાંખવાની દવા લીધી હોઇ તે બે ઘુંટડા પી લીધી હતી. પી.એસ.આઇ. બી. જે. કડછા અને ટીમે પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં તપાસ શરૂ કરી મુકેશ ભરવાડને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે માલિયાસણના મોૈલિક તળશીભાઇ ભુત નામના પટેલ યુવાને પણ વિક્રમ લાવડીયા સામે મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. આ યુવાને વિક્રમ પાસેથી ૨૦૧૪માં ૧૦ ટકા લાખે ત્રણ લાખ લીધા હતાં. આ સામે હવે ૩૦ લાખની માંગણી કરી ધમકી અપતાી હોઇ તેમજ તેની એક એકર નવ ગુંઠા જમીન પણ પડાવી લેવાઇ હોઇ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે તાકીદે વિક્રમની ધરપકડ કરી છે. (૧૪.૬)

(11:57 am IST)